સરકારી કર્મીઓ આકરા પાણીએ:જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો સંદર્ભે ખેડા જિલ્લાના 5 હજારથી વધુ કર્મીઓ કલેક્ટર કચેરીએ ધસી આવ્યાં

નડિયાદએક મહિનો પહેલા
  • કર્મચારીઓએ વિવિધ માગ સાથે રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરી

જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો માટે છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ લડત ચલાવી રહ્યું છે. આ સંદર્ભે આજે ખેડા જિલ્લાના 73 જેટલા કર્મચારી મંડળો દ્વારા 5 હજારથી વધુ લોકોએ કલેકટર કચેરીએ ધસી આવી રજૂઆત કરી છે. જેમાં પંચાયત, મહેસૂલ, વન વિભાગ, આરોગ્ય, શિક્ષકો, તલાટી તેમજ ગ્રામ સેવકો સહિત તમામ ત્રીજા વર્ગના કર્મચારીઓ જોડાયા હતા. જિલ્લા પંચાયત કચેરીએ એકઠા થઇ કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

1 એપ્રિલ 2005થી NPS લાગુ કરવામાં આવેલ છે
મુખ્યમંત્રીને ઉદ્દેશીને અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2005થી ઓલ્ડ પેન્શન સ્કીમ બંધ કરી નેશનલ પેન્શન સ્કીમ (NPS) કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2005થી NPS લાગુ કરવામાં આવેલ છે. આ પછી સરકારી નોકરીમાં દાખલ થનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ મળતું આજીવન પેન્શન બંધ કરવામાં આવેલ છે.

ઘડપણમાં જીવનનિર્વાહ કરવો કે કુટુંબનું ભરણપોષણ કરવું ખૂબ મુશ્કેલ
કર્મચારીઓના પગારની 10% રકમની સામે સરકાર દ્વારા 10% હિસ્સો મળી કુલ રકમ NPSમાં જમા થાય છે. જે રકમ શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવામાં આવે છે. જેથી કર્મચારીને નિવૃત્તિ સમયે મળવાપાત્ર રકમ નિશ્ચિત રહેતી નથી અને નિવૃત્તિબાદ જમા રહેલ રકમનું કોઈપણ બેંકમાં ડિપોઝીટ કરવામાં આવે છે જે રકમનું વ્યાજ નહીંવત હોવાથી ઘડપણમાં જીવનનિર્વાહ કરવો કે કુટુંબનું ભરણપોષણ કરવું ખૂબ મુશ્કેલી બને છે.

જૂની પેન્શન યોજના એ કર્મચારીની સાથે તેના પરિવારનો પણ પ્રાણપ્રશ્ન
ગુજરાત સરકારની તમામ સરકારી યોજનાઓ રાજ્યની જનતા સુધી પહોંચાડવા માટે સરકારના કર્મચારીઓ કડીરૂપ છે. સરકારના વિવિધ કાર્યો જેવા કે, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને અન્ય તમામ કાર્યો રાજ્યના કર્મચારીઓના માધ્યમથી જ સરકાર 100% લક્ષાંકોને પૂર્ણ કરી રહી છે જેના કારણે દેશમાં ગુજરાત રાજ્ય ઘણી બધી રીતે અગ્રેસર રહ્યું છે. રાજ્યના કર્મચારીઓ સરકારનું તમામ કાર્ય પૂરી નિષ્ઠાથી પાર પાડી રહ્યા હોય ત્યારે કર્મચારીઓના વિવિધ પ્રશ્નો બાબતે સુખદ ઉકેલ ન મળે તે ગુજરાત માટે દુઃખદ બાબત છે‌. બંધારણ મુજબ કર્મચારીઓનું પેન્શન એ રાજય કક્ષાનો વિષય છે જેથી આપના નેતૃત્વમાં આ અંગેનો સુખદ ઉકેલ મળે તેવી લાગણી દર્શાવીએ છીએ. કોઈપણ સરકારના શાસનને સુશાસન બનાવવાનું ભગીરથ કાર્ય કર્મચારીઓ થકી જ થાય છે. માટે જુની પેન્શન યોજના એ કર્મચારીની સાથે તેના પરિવારનો પણ પ્રાણપ્રશ્ન હોઈ ખૂબ જ ઝડપથી અમારી માંગણીઓનો સુખદ ઉકેલ આવે તેવી લાગણી અને માંગણી છે.

15 જેટલી મુખ્ય માંગણીઓ
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા-વિચારણા કરીને તે પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે વારંવાર રજૂઆતો કરવા છતાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તમામ કર્મચારી આલમમાં અસંતોષ અને રોષની લાગણી વ્યાપેલ, જે અંગે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની 9 ઓગસ્ટના રોજ સામાન્ય સભાની બેઠક રાખવામાં આવેલ હતી અને ત્યારબાદ 23મી ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની મળેલ સંયુક્ત બેઠકમાં રાજ્યના અધિકારીઓ, કર્મચારીના હિતોને લખતા જૂની પેન્શન યોજના ફિક્સ પગાર નામુદી સાતમા પગારના ભથ્થા સહિત આ સાથે જણાવેલ કુલ 15 જેટલા અગત્યની મુખ્ય માંગણીઓ સરકાર દ્વારા દ્વારા ઘણા લાંબા સમયથી ઉકેલ નિરાકરણ લાવવા અંગે કોઈ હકારાત્મક પ્રતિસાદ મળેલ નથી.

17 સપ્ટેમ્બરે રાજ્યના સમગ્ર કર્મચારીઓ માસ સીએલ પર
આ અંગે 30 ઓગસ્ટ સુધીમાં પડતર પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ ન આવે તો રાજ્યના તમામ કર્મચારી મંડળો દ્વારા જલદ કાર્યક્રમો આપવા આદેશ કરવામાં આવેલ હતો. જે મુજબ આજ રોજ રેલી યોજી આવેદનપત્ર આપવામા આવ્યું છે. તથા આ સમયગાળા દરમ્યાન કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે હકારાત્મક નિરાકરણ ન આવ્યું તો આજના આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમ બાદ આગામી સમયમાં આ પ્રમાણે કાર્યક્રમો યોજાશે. જેમાં 11 સપ્ટેમ્બર રાજ્યના ઝોન કક્ષાએ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર, 17 સપ્ટેમ્બરે રાજ્યના સમગ્ર કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે, 22મી સપ્ટેમ્બરના રોજ રાજ્યના તમામ કેડરના કર્મચારીઓ દ્વારા પેનડાઉન, 30 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાળ.

અન્ય સમાચારો પણ છે...