યાત્રાધામ ડાકોરમાં મંગળવારે ફાગણી પૂનમ ની ઉજવણી થનાર છે. ત્યારે ફાગણી પૂનમ ની પૂર્વ સંધ્યાએ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું. ફાગણી પૂનમને લઈ અઢી લાખથી વધુ ભક્તો મંગળવારે યાત્રાધામ ડાકોરમાં ઉમટી પડશે. જે સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા 2 હજારથી વધુ પોલીસ કર્મીઓને યાત્રાધામમાં તૈનાત કરવામાં આવ્યા છે.
ફાગણી પૂનમના મેળાને લઈ મંદિરના ઘુમ્મટ પર આકર્ષક પીળી લાઇટો લગાવવામાં આવી છે. જ્યારે દિવાલો પરની ગુલાબી લાઈટ ભક્તોના મન મોહી રહી છે. આસપાસની દિપમાળ ને પણ પીળી અને ગુલાબી લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે મંદિર ના મુગટ પર મુકેલી લેઝર લાઈટ દુર દુર સુધી ભક્તોને આકર્ષિત કરે છે.
મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે, જેમાં 75 હજારથી વધુ ભક્તો દર્શન કરશે. સમગ્ર રાત્રી દરમિયાન દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરની બહાર એકત્રીત થશે. મંદિર થી લઈ બોડાણા સ્ટેચ્યુ સુધી આખી રાત 50 હજાર થી વધુ ભક્તો ઉમટશે, જેઓ ભજનની રમઝટ બોલાવશે, ત્યારે મંદિર પર નજર કરતા ભક્તોને આ આકર્ષક શણગાર મનમોહિત કરનારો બની રહેશે.
મધરાત્રે થયેલા માવઠાંને પગલે પદયાત્રીઓને નજીકના વિસામામાં રોકાઈજવાની ફરજ પડી હતી. દરમિયાન સોમવારે સાંજે જોરદાર વંટોળ ફૂંકાતાં પદયાત્રીઓ થોડા સમય માટે જે તે સ્થળે રોકાયા બાદ ડાકોર તરફ આગળ વધ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.