ગુરુ પૂર્ણિમા:ચરોતરના દેવ મંદિરોમાં 20 લાખથી વધુ ભક્તો ઉમટશે

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુ વંદનાનો દિવસ અેટલે ગુરુ પૂર્ણિમા ઃ શાસ્ત્રો મુજબ ગુરુનો દરજ્જો ભગવાન કરતા પણ ઉંચો

ગૂરૂ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ અંધકારથી પ્રકાશ, અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય છે. ગૂરૂની કૃપાથી જ્ઞાન, વિવેક, સહિષ્ણુતા સુખ, સંપન્નતા મળે છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. આજે ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ હોય ખેડા જિલ્લાની સુપ્રસિદ્ધ ગુરૂગાદી અને મંદિરોમાં શિષ્યો એટલે કે ભક્તોની ભીડ ઉમટસે. ખાસ કરીને ગુરુગાદી વડતાલ, સંતરામ મંદિર અને ડાકોરમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

સ્વામિનારાયણ સંપ્રદાયના યાત્રાધામ વડતાલ ખાતે એક થી દોઢ લાખ શ્રદ્ધાળુઓ ગુરુ પૂર્ણીમાના દર્શન કરવા ઉમટી પડશે. સંત ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે પૂનમના દિવસે સવારે 5.15 વાગ્યે મંગળા આરતી તથા 7 વાગે શણગાર આરતી થશે. 7.45 કલાકે આચાર્ય મહારાજના હસ્તે હરિકૃષ્ણ મહારાજનું પૂજન થશે. જે બાદ સભા મંડપ ખાતે વડતાલ, ગઢડા અને જુનાગઢના 400 થી વધુ સંતો આચાર્ય પૂ.રાકેશ પ્રસાદજી મહારાજનુ પૂજન કરશે. દિવસ દરમિયાન એક થી દોઢ લાખ જેટલા ભક્તો લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ મેળવવા પહોંચશે તેમ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

જ્યારે નડિયાદના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે પણ દિવસ દરમિયાન દોઢ લાખથી વધુ સંખ્યામાં ભક્તો પૂ. રામદાસજી મહારાજના આશીર્વાદ મેળવવા પહોંચશે. સંતરામ મંદિર ખાતે સવારે 4.30 વાગ્યે તિલક દર્શન થશે. જ્યારે 5.30 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે. સવારે 5.30 થી રાત્રીના 10 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. જ્યારે યાત્રાધામ ડાકોરમાં આવેલ જુદી જુદી 12 જેટલી ગૂરૂ ગાદી પર પૂ.ગૂરૂદેવોના આશીર્વાદ મેળવવા શિષ્યો પહોંચશે. જે વૈષ્ણવો ભગવાન રણછોડરાયને ગુરુ બનાવ્યા છે, તેવા વૈષ્ણવો લાખ્ખોની સંખ્યામાં ડાકોરના ઠાકોરના દર્શન કરવા પહોંચશે.

ભારતીય પરંપરામાં દીક્ષા ગુરુ અને શિક્ષણ ગુરુનું મહત્વ
ભારતીય પરંપરા માં દીક્ષાગુરુ અને શિક્ષણ ગુરુ એમ બન્ને ગુરુજનોને આદર આપવામાં આવે છે. એક ગુરુદ્વારા જેતે વિષયનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એક ગુરુ આધ્યાત્મ માર્ગે જ્ઞાન આપે છે. અર્થાત શીક્ષા ગુરુ જીવને મનુષ્યની રીતે આદર્શ જીવન જીવતા શીખવે અને દીક્ષા ગુરુ મનુષ્યને કે જીવને શિવ તરફ વાળે છે.> ડો.અમૃત ભોગાયતા, પ્રધાનાચાર્ય, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ

આણંદ જિલ્લામાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી થશે
આણંદ| આણંદ જિલ્લામાં કોરોના કાળ બાદ ગુરુપૂર્ણિમા પર્વ દબદબાપૂર્વક ઉજવવામાં આવનાર છે. જેને લઇને આણંદ જિલ્લાના મંદિરો અને આશ્રમોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું કે કોરોના કાળના કપરા સમય બાદ ઉમરેઠ સંતરામ મંદિરમાં ગૂરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવા આવશે.

આ દિવસે વહેલી સવારે 6.00 કલાકે સંતરામ મહારાજની ચરણ પાદુકાના જાળી દર્શન માટે ખોલવામાં આવશે ત્યારબાદ 9.00 થી 10.00 કલાકે ગુરુપદુકાનું પૂજન ભક્તો દ્વારા કરવામાં આવશે. આણંદ જાગનાથ મહાદેવમાં સવારે 9.30 થી 11.30 કલાક સુધી પાદુકાપૂજન, અને 12.00 કલાકે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે બોચાસણ સ્વામિનારાયણ મંદિરમાં સવારે 8થી 12:00 ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સારસા સતકૈવલ મંદિરમાંસવારે 8થી 11 ગુરુજીનાં દર્શન, સવારે 10થી 12 મહાપૂજા સહિતના કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...