વાનરે આતંક મચાવ્યો:વસોના મિત્રાલમાં વાનરે બે બાળક સહિત 10 લોકો પર હુમલો કર્યો, ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગની બે ટીમો વાનરને પકડવા કામે લાગી

ખેડા જિલ્લાના વસો પંથકમા મિત્રાલ ગામે છેલ્લા ચારેક દિવસથી એક વાનરે આતંક મચાવ્યો છે. આ વાનરે બે બાળક સહિત દસ વ્યક્તિઓને બચકા ભરતા લોહી લુહાણ થઈ ગયા છે. વાનરના આતંકનો ભોગ બનેલાઓને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

છેલ્લાં બે દિવસથી વાનરે ભારે આતંક મચાવ્યો
વસો તાલુકાના મિત્રાલ ગામમાં છેલ્લા થોડા દિવસથી એક હડકાયા વાનરે ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. આ વાનર શરૂઆતમાં નવાપુરા ઇન્દિરા નગરીમાં અવરજવર કરતા એકલદોકલ વ્યક્તિ પર હુમલા કરતો હતો. આ હડકાયા વાનરે છેલ્લાં બે દિવસથી ભારે આતંક મચાવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ વાનરે ઇન્દિરા નગરીમાં રહેતા જહીરખાન કરીમખાન પઠાણ, વિષ્ણુભાઈ ભામાભાઈ ચુનારા,રંજનબેન ગુલાબભાઈ પરમારને શરીર ઉપર બચકા ભરતા લોહી લુહાણ થઈ ગયા હતા. જેથી વાનરનો આતંકનો ભોગ બનેલાઓને સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
વાનરથી બચવા લોકોને ઘરમા પુરાઈ રહેવા મજબૂર
આ હડકાયા વાનર અંગે સરપંચે વન વિભાગને જાણ કરતા નડિયાદ વન વિભાગ દ્વારા શુક્રવારથી વાનરને પકડવા પાંજરું મૂક્વામાં આવ્યું હતું, પરંતુ આ વાનરને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી ન હતી.
આ હડકાયા વાનરે શનિવારે સવારે ગામમાં ખ્રિસ્તીવાસમાં રહેતા સચિન સંજયભાઈ ખ્રિસ્તી તેમજ જોયા ઈમ્તિયાઝ દીવાન ( ઉંમર છ વર્ષ) નામની બાળકીને ઘરમાં ઘૂસી જઇ શરીર ઉપર બચકા ભરતા લોહી લુહાણ થઈ ગઈ હતી. આ હડકાયા વાનરે મિત્રાલ ગામમાં તેમજ ઇન્દિરા નગરી વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે જઈ હુમલા કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હડકાયા વાનરથી બચવા લોકોને ઘરના બારી બારણા બંધ કરી ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી છે.

વાનરને પકડવા બે દિવસથી દોડધામ
છેલ્લા ચારેક દિવસથી હડકાયા થયેલા વાનરે ઉપરા છાપરી લોકોને બચકા ભરી ઘાયલ કરવાના બનાવો વધતા વન વિભાગના અધિકારી વિક્રમસિંહ વાળા પોતાની ટીમ સાથે વાનરને પકડવા બે દિવસથી દોડધામ કરી રહ્યા છે. આ હડકાયા વાનર ઉગ્ર બનતા વન વિભાગ નડિયાદ દ્વારા આણદથી નેચરલ ફાઉન્ડેશનની ટીમને મદદ માટે બોલાવવામાં આવી છે. આજે આ ટીમ દ્વારા એક વાનરને પકડવામાં આવ્યો છે,ત્યારે સ્થાનિક રહીશો હડકાયા ને બદલે અન્ય વાનરને પકડ્યો હોવાનું જણાવી રહ્યા છે. આ અંગે વન વિભાગના અધિકારી વિક્રમભાઈ વાળાએ જણાવ્યું છે કે લોકોની રજૂઆત મુજબ તોફાની વાનરને પકડવા અમારી ટીમ કામગીરી કરી રહી છે અને વાનરને પકડી પડી લોકોને ભયમુક્ત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...