દહેજના કંકાસે ઘર ભાંગ્યું:મહેમદાવાદના મોદજની પરિણીતાને સાસરિયાઓએ દહેજ માંગી ઘરમાંથી કાઢી મૂકી, લાચાર યુવતિએ પોલીસનો સહારો લીધો

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમાજમાં વધતાં જતાં દહેજના બનાવના કારણે કેટલાયના ઘર સંસાર અંધારામાં ધકેલાયા છે. મહેમદાવાદના મોદજ ગામની પરણીતાએ પોતાના સાસરીયાઓ સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતિ, સાસુ અને શિક્ષક સસરા અવારનવાર દહેજ પેટે 5 લાખ રૂપિયા માંગતા હતા અને પરણીતાએ આ માગણી ન સ્વીકારતા તેણીની પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. આ ઉપરાંત પીડીતાને સાસરીમાથી તગેડી મૂકી હતી આથી સાસરી વાળા તેડવા આવશે તેની કાગડોળે રાહ જોતી પરણીતાએ અંતે ન્યાય મેળવવા પોલીસનો સહારો લીધો છે.

ઘરના કામકાજને લઈને કોઈને કોઈ બહાને સાસરીના લોકો પુત્રવધુને ટોકતા
મહેમદાવાદ તાલુકાના મોદજ નવા ઘરોમાં સાપલિયા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2019મા દસકોઈ તાલુકાના ભેતીયા ગામે રહેતા યુવાન સાથે સમાજના રીતે રિવાજો મુજબ થયા હતા. તેણીના સસરા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રતનપર ગામે પ્રાથમિક શાળામા શિક્ષક છે. પરણીતાનું શરૂઆતનું જીવન સાસરીમાં સારી રીતે વીત્યું હતું. આ બાદ ઘરના કામકાજને લઈને કોઈને કોઈ બહાને સાસરીના લોકો પુત્રવધુને ટોકતા હતા. અને તારા પિતાના ઘરેથી દેહજમાં કંઈ આવેલ નથી જેથી તારા ઘરેથી રૂપિયા પાંચ લાખ લઈ આવ તો અહીંયા રાખીશું તેમ જણાવી પરણીતા ઉપર માનસિક અત્યાચાર સાસરીવાળા ગુજારતા હતા.

સાસરીવાળા 5 લાખ રૂપિયા માંગતા હતા
પરણીતા ઘર સંસાર બગડે નહીં તે હેતુસર આ તમામ ત્રાસ સહન કરી રહેતી હતી. ગત 12મી ઓગસ્ટના રોજ તેણીના પતિએ અપશબ્દો બોલી મારઝુડ કરી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. જેથી પરણીતા પોતાના પિયર મહેમદાવાદ ખાતે આવ હતી. જોકે આ બાદ તેણીના માતાપિતાએ સમજાવી બુઝાવી દિકરીને સાસરે મોકલી હતી. આ બાદ થોડો સમય સારી રીતે રાખ્યા બાદ ફરીથી સાસરીના લોકો તેણીને મારઝુડ કરતા હતા. અને કહેવા લાગ્યા હતા કે તારા પિતાના ઘરેથી તને પાંચ લાખ રૂપિયા લઈ આવવા કેટલા સમયથી કીધેલ છે તો કેમ નથી લાવી તેમ કહી અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.

પોલીસે આઈપીસી 498(A), 323, 504, 114 મુજબ ગુનો નોંધ્યો
​​​​​​​ગત 8 નવેમ્બરના રોજ સાંજે આ અંગે સાસરીયાના લોકોએ પરણીતા સાથે મારઝૂડ કરી સાસરીમાંથી તગેડી મૂકી હતી. આ બાદ બેબાકળી બનેલી પરણીતાએ પોતાના પિયર મહેમદાવાદ મૂકામે આવી સાસરી વાળા તેડવા આવશે તેની કાગડોળે રાહ જોતી હતી. પરંતુ આજદિન સુધી તેણીને તેડવા નહી આવતાં સમગ્ર મામલે પીડીતાએ મહેમદાવાદ પોલીસમા પોતાના પતિ, સાસુ અને શિક્ષક સસરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498(A), 323, 504, 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...