મંત્રી અર્જુનસિંહ ચૌહાણના કેસમાં પોલીસનો દાવો:આપની ટિકિટ માટે મંત્રી પર દુષ્કર્મનો આરોપ; પૂર્વ સરપંચ પતિ માનસિક બીમાર હોવાનું પત્નીએ કહ્યું

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિતેશ પટેલ - Divya Bhaskar
હિતેશ પટેલ

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ હલદરવાસ ગામના પૂર્વ સરપંચ હિતેશ પટેલ દ્વારા અરજી કરી તેની પત્ની પર દુષ્કર્મ ગુજારવા સહિત જુદા જુદા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે અરજીની તપાસ કરતા ખેડા જિલ્લા પોલીસ દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે.

પોલીસે લીધેલાં અરજદારનાં નિવેદનમાં તે માનસિક બીમાર હોવાનું, સ્વભાવે શંકાશીલ હોવાનું અને 6 માસથી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતો હોવાનું તેમજ આમ આદમી પાર્ટીના તેમના સાથી કાર્યકર બાબુભાઈ ગઢવી અને કોદરભાઈ ખાંટ દ્વારા ટિકિટ અપાવવાની લાલચમાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ અરજી કરાવી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસને જણાવ્યું છે.

જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, અરજીની ગંભીરતા જોતા પોલીસે અરજદાર હિતેશ પટેલને જવાબ લેવા માટે બોલાવ્યા હતા, પરંતુ તે શરૂઆતમાં પોલીસમથકે આવ્યા નહોતા. ના છૂટકે તેમને શોધીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેણે સમગ્ર બાબતે કબૂલાત કરી છે.

એટલું જ નહીં અરજદારની પત્ની વૈશાલીએ પણ પોલીસને જણાવ્યું છે કે, હિતેશ પટેલ શંકાશીલ સ્વભાવવાળો છે, જેના કારણે લગ્નજીવન દરમિયાન તે બંનેને વારંવાર ઝઘડા થતા હતા. દોઢ વર્ષ અગાઉ હિતેશે વૈશાલીને માર મારતાં તેણીને સખી હેલ્પ સેન્ટરમાં સારવાર લેવાની ફરજ પડી હતી. પરિવારજનો દ્વારા પણ હિતેશને સ્વભાવ સુધારવા માટે અનેકવાર સમજાવ્યો હોવાનું અને પરિવારજનો પણ વૈશાલીના પક્ષમાં જ હોવાનું પણ એસ.પી. ગઢિયાએ જણાવ્યું છે. જોકે હિતેશ પટેલે પોલીસ સમક્ષ જે કબૂલાત કરી છે, તે અંગે ચર્ચા કરવા તેનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેણે ફોન રિસીવ કર્યા ન હતા.

પોલીસની એકસાથે બે થિયરી
પોલીસનું કહેવું છે કે હિતેશ પટેલ માનસિક બીમાર છે. તે શંકાશીલ સ્વભાવવાળો છે જેથી તેણે મંત્રી અર્જુનસિંહ વિરુદ્ધ આક્ષેપો કરતી અરજી કરી છે. જ્યારે બીજી તરફ આપના કાર્યકરોએ તેને ટિકિટની લાલચ આપી અરજી કરાવી હોવાનું પણ પોલીસ જણાવી રહી છે. મંત્રી સામેના આક્ષેપોમાં માનસિક બીમારી અને આપ પાર્ટીના કાર્યકરો સામેના આક્ષેપો સાચા માની લેવાય ખરા? તેવી પણ ચર્ચા જાગી છે.

માનહાનિનો દાવો કરીશ: મંત્રી
સમગ્ર મામલે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે ટેલિફોનિક ચર્ચા કરતાં તેઓએ જણાવ્યું હતું કે સત્યનો વિજય થયો છે. જોકે સમગ્ર પ્રકરણમાં તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોઈ તેઓ પૂર્વ સરપંચ હિતેશ પટેલ વિરુદ્ધ કોર્ટમાં રૂ.5 કરોડનો માનહાનિનો દાવો કરશે.

અન્ય સમાચારો પણ છે...