સાસરિયા સામે ફરિયાદ:મહેમદાવાદની યુવતીને કોર્ટ મેરેજ કરવા ભારે પડ્યા, લગ્નના એક જ મહિનામાં પતિ, સાસુ, જેઠ, જેઠાણી અને નણંદે ત્રાસ આપવાની શરૂઆત કરી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસરીમાંથી દૂધ લેવા જવાનું બહાનું કાઢી યુવતી પોતાના માતાપિતાને ત્યાં દોડી આવી
  • પીડિતાએ સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસમા પતિ, સાસુ, જેઠ, જેઠાણી અને નણંદ સામે ફરિયાદ નોંધાવી

પ્રેમમાં ક્યારેક આંધળો વિશ્વાસ આવી જાય છે અને આપણે આગળ પાછળનુ જોયા જાણ્યા વગર પડીએ છીએ અને છેલ્લે દગો મળતો હોય છે. આવા કિસ્સાઓ અવારનવાર પ્રકાશમા આવતા હોય છે અને માટે જ માવતર પોતાના સંતાનોને પ્રેમલગ્ન માટે વિરુદ્ધ હોય છે. મહેમદાવાદની યુવતીને માતા-પિતા વિરુદ્ધ જઈને કોર્ટમેરેજ કરવા ભારે પડ્યા છે. લગ્નના એક માસ બાદ જ પતિ, સાસુ, જેઠ, જેઠાણી અને નણંદ પરિણીતાને ત્રાસ આપતા કંટાળેલી પરિણીતા સાસરીમાંથી દૂધ લેવા જવાનું બહાનું કાઢી પોતાના માવતરને ત્યા દોડી આવી છે. પીડિતાએ સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસમા પતિ, સાસુ, જેઠ, જેઠાણી અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ પોતાના મા-બાપને પોતાના પ્રેમ લગ્નની જાણ કરી નહોતી
મહેમદાવાદ ખાતે રહેતી 22 વર્ષીય યુવતીએ પોતાના માવતરની મરજી વિરુદ્ધ પગલું ભર્યું હતું. તેણીએ ગત ફેબ્રુઆરી માસમાં પોતાના મા-બાપની મરજી વિરુદ્ધ જઈને દરિયાપુર અમદાવાદ કોર્ટ ખાતે કોર્ટ મેરેજ કરેલા અને ત્યારબાદ પોતાના માવતર સાથે રહેતી હતી. જોકે આ યુવતીએ પોતાના મા-બાપને પોતાના પ્રેમલગ્નની જાણ કરી નહોતી. આ પછી ગત મે માસમાં આ યુવતીએ પોતાના પતિ સાથે માવતરને જાણ કર્યા સિવાય નીકળી ગઈ હતી.

યુવતી પોતાના પતિ સાથે મૂળ વતન રાણીયા ગામે ગઈ હતી
આ પછી યુવાન મૂળ ઠાસરા તાલુકાના રાણીયા ગામનો હોવાથી તેઓ ડાકોર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ત્યાંથી યુવતી પોતાના પતિ સાથે મૂળ વતન રાણીયા ગામે ગઈ હતી. આ યુવતી પોતાના સાસુ, જેઠ, જેઠાણી, નણંદ સાથે રહેતી હતી. જેઠને ગાંધીનગર જિલ્લામાં પોલીસ ખાતામાં નોકરી કરતા હોવાથી આ તમામ લોકો ગાંધીનગર પોલીસ લાઈનમાં રહેવા માટે ગયા હતા.

ઘરના કામકાજ બાબતે વાંક કાઢી તેણીની સાથે મારઝુડ કરતા હતા
જ્યાં પતિનું ઓરમાયુ વર્તનથી યુવતી કંટાળી ગઈ હતી. આ ઉપરાંત જેઠ,જેઠાણી તથા સાસુ અને નણંદ બધા ભેગા મળી પરિણીતાને નાની નાની બાબતોમાં તથા ઘરના કામકાજ બાબતે વાંક કાઢી તેણીની સાથે મારઝુડ કરતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. પરણીતાનો પતિ નોકરી ઉપરથી આવતા સાસુ, જેઠાણી અને નણંદ તમામ લોકો પતિને તેણીની વિરુદ્ધ ચડાવતા હતા અને ઘરનું કામકાજ કરતી નથી તથા આખો દિવસ બેસી રહે છે તેમ કહી ગમે તેમ ગાળો બોલતા હતા અને માર મારતા હતા.

પીડીતાએ પોતાના માવતર વિરુદ્ધ જઈને પ્રેમલગ્ન કર્યા હોવાથી પીડિતા હવે ન ઘરની કે ન ઘાટની
આ સાથે સાથે જેઠ તથા જેઠાણી બંને જણા ગમે તેમ બોલી કહેતા હતા કે તમે બધા અહીંયાથી જતા રહો અને પીડીતાને કહેતા હતા કે તું તારા બાપના ઘરેથી ભાગીને આવી છો, તારા બાપને કહે ઘર લાવી આપે તેમ કહી મહેણાટોણા મારતા હતા. આ બાબતે તકરાર પણ થતી હતી. જેથી પરિણીતાના પતિ સાસુ અને નણંદ તથા પરિણીતા આ તમામ લોકો ગાંધીનગર સેક્ટર 27માં ગાયત્રી સોસાયટીમાં મકાન ભાડેથી રાખી રહેવા ગયા હતા. જ્યાં પીડિતાના સાસુ અને નણંદ પીડીતાને એવું કહેતા હતા કે, આ બધું તારા લીધે જ થયું છે અને તારા લીધે જ અમારા બંને દીકરા જુદા પડી ગયા છે તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાન કરતા હતા. પતિ પણ પીડિતાને સહકાર ન આપતા અને બીજી બાજુ પીડીતાએ પોતાના માવતર વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હોવાથી પીડિતા હવે ન ઘરની કે ન ઘાટની હતી. અસહ્ય ત્રાસ આપતા અંતે પીડીતાએ સાસરીને ત્યજી દેવાનુ મનોમન નક્કી કરી દીધું હતું.

મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી​​​​​​​
ગતરોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે પીડિતાના સાસુ એકલા ઘરે હતા ત્યારે દૂધ લેવા જવાનું બહાનું કાઢી પીડિત યુવતી પોતાના મહેમદાવાદ ખાતે આવેલા માવતરના ત્યા આવી પહોંચી હતી. અને પોતાની આપવીતી પોતાના માતા પિતાને જણાવી હતી. લગ્નના એકાદ માસ બાદ જ પતિ, સાસુ, જેઠ, જેઠાણી અને નણંદ પરિણીતાને ત્રાસ આપતા હતા. આથી સમગ્ર મામલે પીડિત યુવતીએ પોતાના પતિ ઋત્વિક નારણભાઈ મહેરીયા, સાસુ કાંતાબેન નારણભાઈ મહેરીયા, જેઠ ગીરીશભાઈ નારણભાઈ મહેરીયા, જેઠાણી વનીતાબેન ગીરીશભાઈ મહેરીયા અને નણંદ નિશાબેન નારાયણભાઈ મહેરીયા (તમામ રહે. ગાંધીનગર, સેક્ટર 27, મુળ રહે.રાણીયા, તા.ઠાસરા) સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498A, 323,504,114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...