વસો મામલતદારે તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં પત્ર પાઠવી NFSA (રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ) યોજનાનો ખોટો લાભ લેતા આર્થિક રીતે સદ્ધર લોકોને પોતાના રેશનકાર્ડ મામલતદાર કચેરીમાં જમા કરી દેવા અપીલ કરવામાં આવી છે. જો આમ નહિ કરાય અને તપાસમાં ખોટા કાર્ડ બહાર આવશે તો તેની સામે આકરા પગલાં ભરવામાં આવશે તેવી જાણ મામલતદાર દ્વારા કરવામાં આવી છે. તેને જોતાં આવનારા સમયમાં તાલુકામાંથી આ યોજનાનો ખોટો લાભ લેનારી વ્યક્તિ સામે કાર્યવાહી થશે એમ પણ જણાવાયું થશે.
સરકારના અન્ન નાગરીક પુરવઠા અને ગ્રા.બા.વિભાગ, ગાંધીનગરની જોગવાઈ મુજબ રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફક્ત ગરીબો માટેની યોજના છે. NFSA યોજનાનો લાભ 1. જે કટુંબ યાંત્રિક રીતે ચાલતા ચાર પૈડાવાળું વાહન ધારણ કરતું હોય, 2. જે કુટુંબનો કોઈપણ સભ્ય સરકારી કર્મચારી હોય, 3. જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક રૂપિયા 10 હજારથી વધુ આવક ધરાવતો હોય, 4. જે કુટુંબનો કોઈપણ સભ્ય આવકવેરો (ઈન્કમટેક્ષ) વ્યવસાય વેરો ચૂકવતો હોય, 5. જે કુટંબ નિયત કરતાં વધુ ખેતીની જમીન ધરાવતું હોય, 6. જે કુટુંબમાં કોઈપણ સભ્ય સરકારી પેન્શન મેળવતા હોય, 7. જે કુટુંબ આર્થિક સુખાકારી/સદ્ધરતા ધરાવતા હોય તેવા લોકોને આ લાભ મળવા પાત્ર નથી.
વસો મામલતદારે ઉપરોક સાત રીતે આર્થિક સદ્ધરતા ધરાવનારા આવા કાર્ડધારક ઈસમોને તા. 30 જૂન સુધીમાં સ્વેચ્છાએ NFSA યોજના અંતગર્ત પોતાનું રેશનકાર્ડ આ યોજનામાંથી કમી/રદ કરવા માટે મામલતદાર કચેરી, વસો (પુ૨વઠા શાખા) ખાતે રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલ જોડી અરજી સ્વરૂપ રૂબરૂ રજૂ કરવા જણાવ્યું છે. જો તેમ કરવામાં ચૂક થશે તો પહેલી જુલાઈ પછી ઝુંબેશ રૂપે તપાસ હાથ ધરવામાં આવશે, જેની તપાસ દરમિયાન આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલમ પડશે તો વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવશે. વસો મામલતદારે તમામ ગ્રામ પંચાયતને આવો પત્ર લખી આ અપીલ ગામ પંચાયત તેમજ ગામમાં અન્ય ઠેકાણે ચોંટાડી દેવા જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.