ચૂંટણી બહિષ્કાર નિર્ણય:મહુધાના ખાડીવાવ ગામનો વિકાસ રૂંધાતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાયું છે. આજે જાહેર થયેલી ચૂંટણીની તારીખો વચ્ચે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ખાડીવાવના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. છેલ્લાં કેટલાય સમયથી તાલુકા અને વિધાનસભાની આટાઘૂટીમાં ગામનો વિકાસ રૂંધાતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. કપડવંજ વિધાનસભામાં સમાવિષ્ટ અને મહુધા તાલુકાના ખાડીવાવ ગ્રામજનોએ આ સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

અવારનવાર રજૂઆત કરવાં છતાંય નિરાકરણ ન મળ્યું
મુખ્ય ચૂંટણી અધિકારીને ઉલ્લેખી અપાયેલા આ આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી ખાંડીવાવ ગામના ગ્રામજનો મારફતે તથા સરપંચ તેમજ ગ્રામ પંચાયત સભ્યો મારફતે સરકારમાં અવાર-નવાર રજૂઆત કરવા છતાં ખાંડીવાવ ગામ પંચાયતને મહુધા તાલુકા પંચાયતમાંથી કઠલાલ તાલુકા પંચાયતમાં સમાવેશ કરવામાં આવતો નથી અને આ ગામ કઠલાલ કપડવંજ વિધાનસભામાં સમાવેશ છે. આ ઉપરાંત મહુધા તાલુકાની હદ શંકરપુરા તાબે ભાનેર પુરી થાય છે અને કઠલાલ તાલુકાની હદ મુકી સીમાચિન્હ ખાંડીવાવ ગામે ગણાય છે.

અગાઉ પણ સરકારને લેખિત અરજી આપી હતી
ખરેખર આ ખાંડીવાવ ગામની પૂર્વે, ઉત્તરે અને દક્ષિણે કઠલાલ તાલુકા પંચાયતની હદ આવેલી છે. તો સીમાચિન્હમાં સરકાર દ્વારા ફેરફાર થાય તેમ છે અને આ ગામને કઠલાલ તાલુકા પંચાયતમાં સમાવેશ કરવામાં આવે તો અમારા ગામની પ્રગતિ તથા વિકાસ થઇ શકે તેમ છે. અમારા ખાંડીખાવ ગ્રામજનોની માગણી ન સંતોષાતાં અને અમારી રજૂઆતને ધ્યાને ન લેતાં આખરે અમારે ના છુટકે વિધાનસભા ચુંટણીનો બહિષ્કાર કરવાનો ગ્રામજનો દ્વારા નિર્ણય કરાયો છે. ભાનેર ગામ તથા ઘોઘાવાડા બન્ને ગામોને મહુધા તાલુકા પંચાયતમાંથી કઠલાલ તાલુકામાં સમાવેશ કર્યો છે અને આ ખાંડીવાવ ગામ પહેલા ભાનેર ગ્રામ પંચાયતમાંથી છુટું પાડી ખાંડીવાવ ગ્રામ પંચાયત અલગ બનાવવામાં આવી છે. આ સાથે અમોએ અગાઉ સરકારને લેખિત અરજી પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...