કઠલાલ પોલીસે પીઠાઈની સીમમાં દરોડો પાડી પોલીસે રૂા. 32.95 લાખનો વિદેશી દારૂ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના બૂટલેગરે સીમમાં દિવાલ ચણી અોપન ગોડાઉન બનાવ્યું હતું. જયાં દારૂ ઉતારી નાના વાહનોમાં અમદાવાદ લઇ જવાતો હતો .
કઠલાલ પોલીસે સોમવાર રાતના 10:30 વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો ત્યારે પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂની પેટીઓ ઉતારાઈ રહી હતી. પોલીસે પીકઅપ ડાલા અને ટેમ્પોમાં તપાસ કરતા બોટલ 13, 932 અને બીયરના ટીન નંગ 3936 મળી કુલ રૂ 32.95 લાખ નો જથ્થો મળ્યો હતો. પોલીસે જ્યારે સ્થળ પરથી મળી આવેલ વાહન સહિત રૂા. 38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ બનાવમાં સોમેન્દ્રસિંગ ઉર્ફે શિવા દેવેન્દ્રસિંહ રાજપૂત રહે, ઠક્કરનગર અમદાવાદ, અજીતસિંહ રામનારાયણ ઠાકુર રહે. ન્યાલા મટકપૂરા રાજસ્થાન, મૂકેશસિંગ ગીતમસીંગ ઠાકુર રહે, અમરપુર ગલી રાજસ્થાન, બ્રિજમોહન ઉર્ફે કલ્લાસિંહ રાજપૂત રહે. રાજાખેડા રાજસ્થાનની અટકાયત કરી હતી. આ દારૂનો જથ્થો અમદાવાદના બુટલેગર પ્રદિપસિંહ રાજપૂતે મંગાવ્યો હતો. તેણે દારૂનો જથ્થો ઉતારવા જગ્યા વેચાતી રાખી કમ્પાઉન્ડ વોલ વચ્ચે ઓપન ગોડાઉન બનાવ્યું હતું. પોલીસે 6 શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.