દારૂની હેરાફેરીનો પર્દાફાશ:ઓઈલ ટેન્કરમાં ચોરખાનું બનાવી લઈ જવાઈ રહેલો 22 લાખ રૂપિયાનો દારૂ મહુધાના રામના મુવાડા પાસેથી ઝડપાયો

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂના જથ્થા સાથે ડ્રાઈવર-ક્લિનરની અટકાયત
  • રાજસ્થાનના બુટલેગરે દારુનો જથ્થો ભરી આપ્યો અને અમરેલી ખાતે લઈ જવાતો હતો

ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઈંગ્લિશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જિલ્લાના મહુધા પંથકમાં આવેલ રામના મુવાડા પાસેથી ઓઈલની ટેન્કરમા લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. આ બનાવમા ટેન્કર ચાલક અને ક્લિનરને ઝડપી લેવાયા છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનના બુટલેગરે ભરી આપ્યો અને અમરેલી ખાતે લઈ જવાતો હોવાનું ઝડપાયેલા ઈસમોએ કબુલ્યું છે. LCB પોલીસે 22.32 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્કર મળી કુલ રૂપિયા 27 લાખ 43 હજાર 500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખેડા એલસીબી પોલીસના માણસો ગતરાત્રે મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે, મહુધા-કઠલાલ રોડ પર એક કન્ટેનરમા વિદેશી દારૂ લઈને મહુધા તરફ વાહન આવે છે. આથી પોલીસના માણસો અહીયા રામના મુવાડા નજીક વોચમા ગોઠવાયા હતા. શંકાસ્પદ ઓઈલ ટેન્કર નંબર (GJ 06 TT 9945)‌‌ આવતાં આ વાહનને ટોર્ચ લાઈટના અજવાળે અટકાવવામા આવ્યું હતું.

પોલીસે આ ટેન્કરમાં શું ભરેલ છે તેની હકીકત તપાસી
આ ટેન્કરમા ચાલક અને ક્લિનર હતા બન્ને લોકોની પોલીસે નામઠામ પુછતા તેઓએ પોતાના નામ ચંદ્રભારતી આનંદભારતી ગોસ્વામી (રહે.મીઠડા, તા.ગુડામણાલી, જિ.બાડમેર, રાજસ્થાન) અને ગણપત ભેરારામ ચૌધરી (રહે.સનાવડ, તા.ગુડામણાલી, જિ.બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે આ ટેન્કરમાં શું ભરેલ છે તેની હકીકત તપાસતા આ બન્નૈ લોકોએ જણાવ્યું કે ઈંગ્લીશ દારૂનો જથ્થો છે.

ટેન્કરના નીચેના ભાગે ગુપ્ત ખાનુ બનાવી તેમા દારૂ સંતાડાયો‌ હતો
પોલીસે આ બન્ને ઈસમોને સાથે રાખી ટેન્કરની તલાસી લીધી હતી. જેમા ટેન્કરના નીચેના ભાગે ગુપ્ત ખાનુ બનાવી વિપુલ પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પંચોને બોલાવી આ તમામ ઇંગ્લિશ દારૂનો જથ્થો ટેન્કરમાંથી બહાર કાઢી ગણતરી કરતા વિદેશી દારૂની બોટલો નંગ 5400 કિંમત રૂપિયા 22 લાખ 32 હજારનો મળી આવ્યો હતો. પોલીસે ચાલક પાસેથી મોબાઇલ ફોન તથા ગુનામાં વપરાયેલ ટેન્કર મળી કુલ રૂપિયા 27 લાખ 43 હજાર 500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ દારૂ રાજસ્થાનથી અમરેલી ખાતે લઈ જવાતો હતો
પકડાયેલા આ બંને આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા ઉપરોક્ત ઇંગ્લિશ દારૂનો જથ્થો રાજસ્થાનના સિક્કર ખાતે રહેતા ગોપાલ નામના વ્યક્તિએ ભરી આપ્યો હોવાનું જણાવ્યું છે અને આ દારૂનો જથ્થો અમરેલી ખાતે લઈ જવાતો હોવાનું પણ સામે આવ્યું છે. આમ પોલીસે આ ગુનામાં ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...