મહેમદાવાદના વરસોલા પાસે અકસ્માત થયેલ એક કારમાંથી મહેમદાવાદ પોલીસે રૂ 1.71 લાખનો વિદેશી જપ્ત કર્યો છે. કારનો અકસ્માત થતા કારમાં રહેલી કેટલીક વિદેશી દારૂની બોટલો ફૂટી ગઈ હતી તેથી કાર ચાલક બનાવ સ્થળે કાર મૂકી ફરાર થઇ ગયો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મહેમદાવાદ પોલીસ શનિવારના રાતના 2:00 વાગ્યાના અરસામાં ડાકોર પગપાળા જતા યાત્રિકોના બંદોબસ્તમાં ખાત્રજ ચોકડી પર તૈનાત હતી. દરમિયાન બાતમી મળી હતી કે વરસોલા ચોકડી પાસે અકસ્માત થયેલ કારમાં વિદેશી દારૂ ભર્યો છે. જે અન્વયે પોલીસ વરસોલા ચોકડી પહોંચી તપાસ કરતા કારને ખાલી સાઇડે કોઇ અજાણ્યા વાહન ચાલક અડફેટ મારી અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. જ્યારે કારની તલાશી લેતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં કેટલીક વિદેશી દારૂની બોટલો ફુટી ગઇ હતી.
વળી કારમાંથી બે નંબર પ્લેટ પણ મળી આવી હતી જે દિલ્હી પાર્સિંગની હતી. જ્યારે કારનો અકસ્માત થતા કાર ચાલક બનાવના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે રૂ 1.71 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. હાલ રાસ્કા થી ડાકોર તરફ પગપાળા જતા સંઘના કારણે જાહેરનામું પ્રસિધ્ધ કરી ફક્ત પગપાળા સંઘ સિવાય અન્ય વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરતા બુટલેગરો વચ્ચેના રસ્તાનો ઉપયોગ કરી ખેપ મારતા હોવાનુ ચર્ચાઇ રહ્યું છે.
1.50 લાખનો વિદેશી દારૂ કઠલાલ પોલીસે ઝડપ્યો
કઠલાલના છીપીયાલ ગામના વડવાળી મુવાડી વિસ્તારમાં રહેણાંક ઘરમાં શનિવારે રાતના 8:00 વાગ્યાના અરસામાં કઠલાલ પોલીસે દરોડો પાડ્યો હતો. બાતમી આધારિત ઘરની તલાસી લેતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ 1.50 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ સમગ્ર બનાવ અંગે પકડાયેલ રમેશ રાયસિંગ ડાભીની પૂછપરછ કરતા મહેમદાવાદના હલદરવાસમાં રહેતા તેના સાળા કોદરભાઇ ઉર્ફે લાલજી હોથાભાઇ ખાંટની પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે કઠલાલ પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
અસામલીની સીમમાં કટીંગ સમયે દરોડો,2 ઝબ્બે
જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે માતરના અસામલી ગામની સીમમાં આવેલ ચેહુ મકવાણા ખેતરમાં થતા કટીંગ સમયે શનિવારના રાતના 9:30 વાગ્યાના અરસામાં દરોડો પાડતા નાસભાગ મચી હતી. પોલીસે સ્થળ પરથી રૂ 1.92 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં પકડાયેલા મહાવિરસિંગ નરપતસિંહ વડદરિયા ભાટી અને ચેલારામ સાવડારામ રબારીની પૂછપરછ કરતા ફરાર થયેલ નરપતસિંહ ઉર્ફે નેતસિહ સોલંકી, ખેતર માલિક ચેહુભાઇ ગફુરભાઇ મકવાણા અને હિરારામ દુસારામ દેવાસીયા હોવાનુ જણાવ્યુ હતુ. આ સમગ્ર બનાવ અંગે લિંબાસી પોલીસે પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.