હોળી-ધૂળેટી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં જિલ્લામાં બુટલેગરો બેખોફ બન્યા છે અને ગેરકાયદે દારૂનો વેપલો થઈ રહ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી દારૂ કંટીગના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વસો પોલીસ સ્ટેશનની હદમાં ટુડેલ ગામની સીમમાં બંધ પોલ્ટ્રી ફાર્મમા દારૂ કંટીગ પર દરોડો પાડી આઈસર, છોટાહાથી, કાર મળી સહિત લાખ રૂપિયાનો દારૂ સાથેનો કુલ રૂપિયા 39 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવમાં આરોપીઓ ફરાર થયા છે. પરંતુ પોલીસની તપાસમાં નડિયાદનો બુટલેગર સહિત વાહનોના માલિક અને દારૂ મોકલનાર સહિત કુલ 7 વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોધાયો છે.
આઈસર ટ્રકમાં કાર્ટુનોની આડમાં છુપાવેલો વિદેશી દારૂની નાનીમોટી બોટલો મળી
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નડિયાદ તાલુકાના ટુડેલ ગામની સીમમાં હરખા તલાલડી પાસે આવેલ બંધ પડેલ પોલ્ટ્રી ફાર્મમા ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે. તેથી પોલીસે અહીંયા વસો પોલીસને સાથે રાખી ગતરાત્રે તપાસ આદરતા આ પોલ્ટ્રી ફાર્મમાં દારુ કંટીગ કૌભાંડ ઝડપાયું હતું. પોલીસને જોઇને બુટલેગરો અને હાજર વાહન ચાલકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ તમામ લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે અહીંયાથી અશોક લેલન આઈસર ટ્રક નંબર (GJ 27 TT 0834), છોટાહાથી તથા ઈકો કાર નંબર (GJ 6 FQ 8754) તેમજ 25 નંગ કાર્ટુનોમા ચંપલો મળી આવ્યા હતા. સાથે આ આઈસર ટ્રકમાં કાર્ટુનોની આડમાં છુપાવેલો વિદેશી દારૂની નાનીમોટી બોટલો મળી 7,680 મળી કુલ રૂપિયા 25 લાખ 18 હજાર 800 દારૂ તેમજ વાહનો મળી કુલ રૂપિયા 39 લાખ 31 હજાર 300નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કુલ 7 વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો
પોલીસની તપાસમાં આ દારૂનો જથ્થો નડિયાદના બુટલેગર ગીરીશકુમાર શંકરલાલા પ્રજાપતી, પિયુષભાઇ વિનોદભાઇ પટેલે મંગાવ્યો હતો. પોલીસે આઇસરના ચાલક ડ્રાઇવર, નંબર વગરની ટાટા છોટા હાથીના ચાલક, ઇકો કારના ચાલક, વિદેશી દારૂં મોકલનાર, વિદેશી દારૂ બનાવનાર ડિસ્ટેલરીના સંચાલકો મળી કુલ 7 વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.