તંત્ર બિમાર:લસુન્દ્રા CHC તંદ્રામાં; ડૉક્ટર અને નર્સ સ્ટાફના 16 પૈકી 14 ગેરહાજર, પ્રસુતાઓને અન્ય હોસ્પિટલમાં ઘકેલાય છે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે આરોગ્ય કેન્દ્રની જિલ્લા પંચાયત સભ્યે અચાનક મુલાકાત લેતાં ઉદાસિન વહિવટની પોલ ખુલી
  • ખેડા જિલ્લાના છેવાડાના આરોગ્ય કેન્દ્રો પર ડોક્ટર, નર્સોની અપુરતી હાજરી અંગે અવારનવાર ફરિયાદો ઉઠતાં જિ. પં. સભ્યનું સરપ્રાઈઝ ચેકિંગ
  • ​​​​​​​માત્ર CHCની નહીં સ્ટાફની​​​​​​​ સફાઇ કરો

ખેડા જિલ્લાના છેવાડાના આરોગ્ય કેન્દ્રો પર ડોક્ટર, નર્સોની અપુરતી હાજરી અંગે અવારનવાર ફરિયાદો ઉઠે છે. પરંતુ આરોગ્ય વિભાગની ઊંઘ ઊડી રહી નથી. આવો જ વધુ એક કિસ્સો કઠલાલ તાલુકાના લસુન્દ્રા આરોગ્ય કેન્દ્ર માં જોવા મળ્યો છે, જ્યાં જિલ્લા પંચાયત સભ્યની આકસ્મિક મુલાકાત દરમિયાન 16 પૈકી 14 નો સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો. જેમાં એક ડોક્ટર સહિત અન્ય સ્ટાફ નર્સોનો સમાવેશ થાય છે.

કેન્દ્રમાં રાત્રી દરમિયાન કોઈ સ્ટાફ હાજર રહેતો નથી
આરોગ્ય કેન્દ્ર માં રાત્રી દરમિયાન કોઈ સ્ટાફ હાજર નહીં રહેતા હોવાની, સફાઈ નહીં થતી હોવાની તેમજ ગેરહાજર સ્ટાફની પણ મસ્ટરમાં હાજરી પુરાતી હોવાની ગંભીર બાબતો આકસ્મિક મુલાકાતમાં જોવા મળી હોવાનું જિલ્લા પંચાયત સભ્યએ જણાવ્યું હતું. આ અંગે જિલ્લા પંચાયત સભ્ય પ્રવિણસિહ ડાભીએ જણાવ્યું હતું કે લસુન્દ્રા ના ગ્રામજનો પાસેથી મળેલી ફરિયાદોને આધારે સ્થાનિક આગેવાનોને સાથે રાખી આજરોજ સી.એચ.સી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી.

કેન્દ્રમાં ફક્ત એક ડોક્ટર, અને બે સ્ટાફ નર્સ મળી આવ્યાં
મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્ર ખાતે ફક્ત એક ડોક્ટર, અને બે સ્ટાફ નર્સ મળી આવ્યા હતા. જેમની પાસેથી મળતી જાણકારી મુજબ આરોગ્ય કેન્દ્રમાં 16 સ્ટાફનું મહેકમ છે. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે ગામડાના દર્દીઓને રાહત દરે સારવાર મળે તે માટે આરોગ્ય કેન્દ્ર બન્યું છે, પરંતુ ગ્રામ્ય મહિલાઓ પ્રસુતિ માટે અહીં આવે ત્યારે તેઓને અન્ય હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી આ હોસ્પિટલમાં એક પણ ડિલિવરી થઇ નથી.

રાત્રે તો કોઈ ડૉક્ટર હોતા નથી, દિવસે પણ બે ડોક્ટર વચ્ચે સેટિંગ
હોસ્પિટલમાં 3 ડોક્ટરોનું મહેકમ છે. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ એકબીજા સાથે સાપ્તાહિક હાજરીનું સેટીંગ કર્યું છે. હકીકતમાં સી.એચ.સી કેન્દ્ર પર દિવસ અને રાતના જુદા જુદા ડોક્ટરની નોકરી હોય છે, પરંતુ અહીં રાત્રિ દરમિયાન તો કોઈ ડોક્ટર હોતા જ નથી. બાકીના દિવસોમાં પણ એકબીજા સાથે સેટીંગ કરી સાપ્તાહિક વારા કરેલા હોવાનું ધ્યાન પર આવ્યું છે. > પ્રવિણસિહ ડાભી, જિલ્લા પંચાયત સભ્ય, ભાજપ, ખેડા

હું આરોગ્ય કેન્દ્ર પહોંચ્યો છું, ગેરહાજર સ્ટાફને બોલાવ્યો છે
જિલ્લા પંચાયત સભ્યનો ફોન આવતા જ હુ આરોગ્ય કેન્દ્ર પર આવી ગયો છું. હાલ તમામ સ્ટાફને મેં ફોન કરી સ્થળ પર બોલાવ્યો છે અને હું તમામને સૂચના આપુ છું કે હવેથી મેડિકલ ઓફિસર પાસેથી રજા લીધા સિવાય કોઈ ગેરહાજર નહીં રહી શકે. અન્યથા તેમના પર પગલાં લેવામાં આવશે. > ડૉ. ક્રિષ્નકુમાર ભાટીયા, તાલુકા હેલ્થ ઓફિસર

સુવિધાના નામે મીંડુ હોય ~25 હજારની ગ્રાન્ટનો હિસાબ માંગો
સરકાર દ્વારા સી.એચ.સી. કેન્દ્ર અને ખાસ કરીને શૌચાલયમાં સફાઈ રાખવા માટે રૂા.25 હજાર માસિક ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ જિલ્લા પંચાયત સભ્યની મુલાકાત દરમિયાન શૌચાલયમાં ગંદકી, દરવાજા તૂટેલાં, શૌચાલયમાં કચરાના ઢગલા ભરેલ કોથળીઓ જોવા મળી હતી. જેના પરથી સ્પષ્ટ થતું હતું કે દર્દીઓ માટે અહીં શૌચાલયની વ્યવસ્થા નામ માત્રની છે. ત્યારે ~25 હજારની ગ્રાન્ટનોે હિસાબ માંગવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...