કઠલાલ તાલુકાના લાડવેલ ટેકરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય યુવકને કોઇ અજાણ્યા ઇસમે માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. ઘરથી 500 મીટર દૂર આવેલ ગૌચર જમીન માંથી યુવકની લાશ મળી આવી હતી.
કઠલાલ તાલુકાના લાડવેલ ટેકરા વિસ્તારમાં રહેતા નરેશ ઉર્ફે ઢીલો બાલાભાઈ પરમાર ઉ.30 ની ઘર થી 500 મીટર દુર લાસ મળી આવતા ચકચાર મચી છે. માથાના ભાગે બોથર્ડ પદાર્થ મારી ગંભીર ઈજાઓ કરી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા મોત નીપજાવ્યુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ ફલીત થાય છે. ટેકરા વાળા વિસ્તારમાં રહેતો નરેશ ઉર્ફે ઢીલો પરમાર પરિવાર સાથે રહી ખેતમજૂરી કરતો હતો. તા.15 માર્ચના રોજ ફળીયામાં લગ્ન પ્રસંગ હોવાથી પરિવારના સભ્યો સાથે તે પણ લગ્નમાં ગયો હતો. પરંતુ બુધવાર રાતના આઠ વાગવા છતાં ઘરે પરત આવ્યો ન હતો. તેથી પરિવારના સભ્યો ફળીયામાં લગ્ન પ્રસંગના હોવાના કારણે છોકરાઓ ત્યાં સૂઈ ગયા હશે.
તેવું માની પરિવારના સભ્યા રાતના સૂઇ ગયા હતા. ગુરૂવાર સવારે 7:30 વાગ્યાના અરસામાં બાલાભાઇનો ભત્રીજો લક્ષ્મણ ઘરે આવી નરેશની લાશ લુણી વિસ્તારના ગૌચર જમીનમાં પડી હોવાનુ જણાવ્યુ હતુ. તેથી હતપ્રત થયેલ પરિવારજનો બનાવ સ્થળે દોડી ગયા હતા. જ્યા નરેશની લાશ પડી હતી અને તેને માથામાં મોટો ઘા પડયો હતો અને નરેશ લોહીથી ખરડાયેલ અવસ્થામાં પડેલો જોવા મળતા પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. પોલીસે બનાવના સ્થળેથી લાકડાનો ડંડો કબજે કરી અજાણ્યા ઇસમ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
નશાની માથાકૂટમાં બનાવ બન્યો હોવાની આશંકા
સ્થાનિકોમાં ચર્ચા હતી કે મૃતક નરેશને સંતાનમાં બે દિકરા છે અને તે ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ નરેશ ને દારૂનો નશો કરવાની ટેવ હોવાથી રાતના સમયે પીવા બાબતે કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે માથાકૂટ થઇ હોવાનુ મનાઇ રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.