એસટી બસમાં મહિલા કંડક્ટરની સુરક્ષાને લઈ લીરેલીરા ઉડી રહ્યા છે. ખેડા જિલ્લામાં આજે ખુદ ટ્રાફિક બ્રિગેડ જવાને બસમા બેસી ધોળકા ડેપોના મહિલા કંડક્ટરની આબરૂ લેવાના ઈરાદે ખરાબ વર્તન કર્યું છે. આ મામલે મહિલા કંડકટરે TRB જવાન સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ધોળકા ડેપોમાં કન્ડકટર તરીકે ફરજ બજાવી રહેલી 30 વર્ષીય મહિલા ગત 4મેના રોજ ધોળકાથી ગળતેશ્વર લોકલ બસમાં પોતાની ફરજ ઉપર હતા. આ બસ પરત ધોળકા આવી રહી હતી ત્યારે ખેડાથી એક પેસેન્જર બેઠો હતો. આ પેસેન્જરે મહિલા કંડકટર સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો અને તેનો વીડિયો પણ ઉતારી મારી સાથે બોલવું છે તેમ જણાવી મહિલા કંડકટરનો હાથ પકડી શારીરિક છેડછાડ કરી હતી.
આજે પણ આ પેસેન્જરે બપોરના 12 વાગ્યાના સુમારે ઉપરોક્ત બસમાં ખેડાથી રઢુ સુધી સવાર હતો. મહિલા કંડકટરે ટિકિટ માટે જતા આ પેસેન્જરે જણાવ્યું કે ગઈ કાલે પૈસા આપેલા છે જેથી આજે ટિકિટના પૈસા આપીશ નહીં તેમ જણાવી મહિલા કંડકટરની આબરૂ લેવાના ઈરાદે અભદ્ર વ્યવહાર કરી વીડિયો ઉતાર્યો હતો. મામલો ગંભીર બનતા ડ્રાઇવરે પોતાની એસટી બસ ખેડા ટાઉન પોલીસ મથકે લઇ ગયા હતા.
આ ડખો કરનાર પેસેન્જર પોતે ખેડા ટાઉનમાં ટ્રાફિક બ્રિગેડની ફરજ બજાવતા હોવાનું મહિલા કંડકટરને જાણવા મળ્યું હતું સાથે સાથે તેનું નામ રણજીતભાઈ પૂનમભાઈ સોલંકી (રહે.રઢુ તા.ખેડા)નુ જાણ થતાં આ સમગ્ર મામલે મહિલા કંડકટરે ખેડા ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત રણજીત સોલંકી નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 354(A),આઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.