મેઘાનું હેત ઘટ્યું:ખેડા જિલ્લામાં 9 જુલાઇ સુધી ગત વર્ષે 21.43 ટકાની સામે ચાલુ વર્ષે 16.12 ટકા વરસાદ, 5.31 ટકા ઓછો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુધા, કઠલાલ અને ઠાસરા તાલુકાથી મેઘરાજા રૂઠ્યાં, હજુ બે સપ્તાહ વરસાદ ખેંચાશે તો વાવણી નિષ્ફળ જવાનો ભય
  • ડાંગરની વાવણી કરનાર ખેડૂતોેે અનરાધાર વરસાદની વાટમાં

ખેડા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદ ઓછો નોંધાયો છે. વર્ષ-2021ના જુલાઈ માસની 9 તારીખે 21.43 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે પાછળના ત્રણ વર્ષમાં વર્ષ-2018માં 15. 47 ટકા, વર્ષ-2019માં 20.60 ટકા અને વર્ષ-2020માં 21.20 ટકા વરસાદ સરકારી ચોપડે નોધાયો હતો. આ વર્ષે ફક્ત 16.12 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદ ઓછો નોંધાવવાના કારણે ખેડા જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જ્યારે અન્ય પાક વાવતા ખેડૂતો પણ સારા વરસાદની રાહે છે. જિલ્લામાં બે-ત્રણ દિવસ છુટોછવાયો વરસાદ વરસતા ખેડૂતોને થોડી રાહત થઇ છે.

ખેડા જિલ્લાના દસ તાલુકામાં વિવિધ પાકોની વાવણી કરવામાં આવે છે. જેમાં તમાકુ, શાકભાજી, તલ, કપાસ, દિવેલા અને મુખ્ય ડાંગરની વાવણી અને રોપણી કરવામાં આવે છે. જિલ્લામાં ગત વર્ષ-2021માં જુલાઈ માસની તા.9 તારીખે જિલ્લામાં દસ તાલુકાઓમાં કુલ વરસાદ 21.43 ટકા નોંધાયો હતો. જ્યારે આ વર્ષે-2022 જુલાઈ તા. 9મીના રોજ 16.12 ટકા વરસાદ નોંધાયો છે.

જે ગત વર્ષની સરખામણીએ 5.31 ટકા ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં ડાંગર પકવતા મુખ્ય તાલુકામાં મહેમદાવાદ, માતર મહુધા અને વસો તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે જિલ્લાના ખેડૂતો હાલ પોતાના ખેતરમાં ડાંગર રોપવાનો સમય શરૂ થઈ ગયો છે. પરંતુ જિલ્લામાં વરસાદ જોઇએ તેવો પડી રહ્યો નથી જો જિલ્લામાં વરસાદ એક કે બે અઠવાડિયા ખેંચાય તો ડાંગરના તૈયાર થયેલ ધરૂ પીળા પડી જવાનો ભય છે.

વરસાદ ખેંચાય તો ધરૂવાડિયું ફેલ જાય
જો આ વર્ષે વરસાદ ખેંચાય તો ડાંગરના પાકનું ધરુવાડિયુ પીળું પડી જાય, જેથી ધરૂવાડિયું ફેલ જાય તો નવેસરથી ધરૂવાડિયું ઉગાડવુ પડે. જેથી ડાંગરના પાકને ઘણુ નુકસાન થઇ શકે છે. હાલ વાદળ બધાણા છે પરંતુ ડાંગરના પાકને અનુકુળ આવે તેવો વરસાદ વરસી રહ્યો ન હોવાનુ ઉમેર્યુ હતુ. > દિલીપભાઈ ચૌહાણ, ખેડૂત

9 જુલાઈ 2022ના સવારે 6 વાગ્યા સુધીની સ્થિતિ

તાલુકોમિમીટકાવારી
ગળતેશ્વર11914.94
કપડવંજ14915.98
કઠલાલ707.97
ખેડા11614.93
મહેમદાવાદ15120.62
મહુધા687.81
માતર9812.62
નડિયાદ32137.38
ઠાસરા688.7
વસો16220.06
કુલ13216.12

​​​​​​​કડાણામાંથી સિંચાઇ માટે 4 હજાર ક્યુસેક વણાકબોરી ડેમમાં છોડાયું

ગળતેશ્વરના સેવાલિયા નજીક આવેલ વણાકબોરી ડેમમાં ચાલુ વર્ષે થયેલા વરસાદના નવા નીર આવ્યા છે. હાલ વણકબોરી ડેમની સપાટી 219ની છે જે ઓવરફ્લોથી 1.8 ફુટ ઓછું જોવા મળી રહ્યુ છે. ખેડા જિલ્લામાં આવેલ વણાકબોરી ડેમમાં વરસાદના નવા નીર આવ્યા છે. હાલ વણકબોરી ડેમની સપાટી 219 છે. જે 220.80 પહોચે તો ડેમ ઓવરફલો થાય. હાલ વણાકબોરી ડેમમાં કડાણા ડેમમાંથી આશરે 4 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. જે પાણી કેનાલ મારફતે વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે 300 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે. આ અંગે સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદ પડે તો તેનુ પાણી કડાણા ડેમમાં આવે અને કડાણા ડેમમાંથી વણાકબોરી ડેમમાં પાણી આવે તો ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...