ભાસ્કર એનાલિસિસ:ખેડા જિલ્લા શિક્ષણાધિકારીએ કથળતાં પરિણામનું ઠીકરું કોરોના માથે ફોડ્યું

નડિયાદ16 દિવસ પહેલાલેખક: યોગીન દરજી
  • કૉપી લિંક
  • બોર્ડના પરિણામોએ ખેડા જિલ્લામાં ખાડે ગયેલા શિક્ષણની પોલ ખોલી, 0 ટકા પરિણામવાળી શાળાની સંખ્યા 4થી વધી 6 થઇ
  • ધોરણ-12 સાયન્સમાં : 2079 વિદ્યાર્થીમાંથી એકને પણ A1 ગ્રેડ નહીં
  • ધોરણ-12 કોમર્સમાં : 7 વર્ષ પછી પરિણામ વધ્યું પણ માત્ર 0.01 ટકા
  • ધોરણ-10માં : ખેડા જિલ્લો રાજ્યમાં છેલ્લેથી બીજા નંબરે

જેમ વિધાર્થીઓની મહેનતનું પરિણામ પરીક્ષા નક્કી કરે છે, તેમ ખેડા જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરીનું પરિણામ પણ HSC અને SSCના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે. ખેડા જિલ્લામાં ધો.12 સાયન્સમાં એક પણ વિદ્યાર્થી A1 ગ્રેડમાં આવ્યો નથી. જ્યારે ધો.10માં તો જિલ્લો રાજ્યમાં છેલ્લેથી બીજા નંબર પર ધકેલાઇ જતાં જિલ્લાનું નાક કપાઈ ગયું છે.

પરંતુ બોર્ડમાં પરિણામ નીચું આવવા પાછળ કોરોના જવાબદાર હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી જણાવી રહ્યા છે. કોરોના કાળમાં બાળકો ઘરે જ રહ્યાં, અને યોગ્ય રીતે અભ્યા ન કરી શક્યા હોવાને કારણે પરિણામ કથળ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ગત તા.13 મેના રોજ ધો.12 સાયન્સનું પરિણામ આવ્યું હતું. રાજ્યનું 72.02 ટકા સામે ખેડા જિલ્લાનું 59.88 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં વર્ષ 2020ની તુલનાએ પરિણામમાં 3.76 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ધો.12 સામાન્ય પ્રવાહની વાત કરીયે તો 4 જૂને જાહેર થયેલ પરિણામમાં રાજ્યનું 86.91 ટકા પરિણામ હતું. જેમાં ખેડા જિલ્લાનું 79.15 ટકા પરિણામ આવ્યું હતું. વર્ષ 2020ની તુલનાએ માત્ર 0.01 ટકા વધારો થયો. અને તે પણ 7 વર્ષ બાદ.

સોમવારના રોજ જાહેર થયેલ ધો.10ના પરિણામે તો શિક્ષણ વિભાગની પોલ જ ખોલી નાખી, જિલ્લામાં માત્ર 8 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું. જ્યારે 6 શાળાઓનું પરિણામ 0 ટકા આવ્યું. વર્ષ 2020માં 0 ટકા વાળી માત્ર 4 શાળા હતી, જે 2022માં વધીને 6 થઈ ગઈ.

બોર્ડના પરિણામોમાં જે રીતે ખેડા જિલ્લો પાછળ રહ્યો છે. તે બતાવે છે કે જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળતું જાય છે. રાજ્યમાં પછાત જિલ્લાઓ કે જ્યાં પાયાની સુવિધા પણ નથી, તેવા પંચમહાલ, દાહોદ, ગોધરા કરતા પણ ખેડા જિલ્લાનું પરિણામ નીચું જતાં જિલ્લા શિક્ષણ વિભાગમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવે તે સમયની માગ છે.

શિક્ષણનું સ્તર સુધારવા શાળાઓમાં માસિક પરીક્ષા શરૂ કરાશે
ધો.10-12ના પરિણામ બાદ હવે જિલ્લામાં શિક્ષણ સ્તર સુધારવા શાળાઓમાં માસિક પરીક્ષાની પદ્ધતિ લવાશે. વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 35થી 50 માર્ક્સ કેવી રીતે લાવી શકે તે માટે દરેક સ્કૂલના શિક્ષકો સાથે મીટીંગ કરી આયોજન કરવામાં આવશે. આગામી જુલાઇ મહિનાથી આ માટે શિક્ષકો સાથે ચર્ચા કરી કાર્યવાહી હાથ ધરાશે. > શિલ્પાબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી, ખેડા

0% પરિણામવાળી સ્કૂલોની ગ્રાન્ટ બંધ કરાશે
જિલ્લામાં જે શાળાઓનું પરિણામ 0 ટકા આવ્યું છે તેવી શાળાઓની ગ્રાન્ટ આ વર્ષે બંધ થશે. જે શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછુ આવ્યું છે તે શાળાઓની ગ્રાન્ટમાં પણ કાપ મૂકવામાં આવશે. એટલું જ નહીં જે શાળાઓ સતત 3 વર્ષથી 30 ટકાથી ઓછુ પરિણામ મેળવતી હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...