કઠલાલ પાસેથી અમદાવાદ શહેરમાં મોટા પ્રમાણમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યો છે. અમદાવાદના કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂનો જથ્થો કાર અને પીકઅપ ડાલામાં સીતાપુર પાટીયા પાસેથી ઝડપી લેવાયો છે. પોલીસે રૂપિયા 1.45 લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે બે વાહનો મળી કુલ રૂપિયા 7 લાખ 8 હજાર 38નો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદના કુખ્યાત બુટલેગર સહિત ઝડપાયેલા બે વાહન ચાલકો સામે પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો છે.
બે વાહનોને અટકાવ્યા
લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસો ગતરોજ જ કઠલાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે, સીતાપુર પાટિયા પાસેથી અમદાવાદનો કુખ્યાત બુટલેગર હુસેન ઉર્ફે બાટલો ઇસ્માઈલ ધોળકાવાળા તેની સફેદ કલરની ફોક્સવેગન કારમાં તથા અન્ય એક પીકપ ડાલામાં પોતાના સાગરિતો મારફતે બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ ખાતે લઈ જવાનો છે. તેથી પોલીસ કઠલાલના સીતાપુર પાટીયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાલાસિનોર તરફથી આવતી ફોક્સવેગન તથા પીકઅપ ડાલાને અટકાવી હતી.
અમદાવાના બુટલેગરનુ નામ ખુલ્યું
પોલીસે આ બંને વાહન ચાલકોના નામઠામ પૂછતા ગાડીના ચાલક સુરુભા ઉર્ફે લાલો ભીખુભા ઝાલા અને સલીમ ઉસ્માનભાઈ સુમરાને સાથે રાખી બંને વાહનોમાં તપાસ આદરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતા અંગ્રેજી દારૂની નાની-મોટી કુલ બોટલો 934 તથા બીયર ટીન નંગ 312 મળી કુલ રૂપિયા 1 લાખ 45 હજાર 238નો દેશી દારૂ કબજે કર્યો હતો. પોલીસે આ બંને ઈસમો પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા તેમજ ગુનામાં વપરાયેલા બંને વાહનો મળી કુલ રૂપિયા 7 લાખ 8 હજાર 38નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બંને આરોપીઓની પૂછપરછમાં આ દારૂનો જથ્થો અમદાવાદ શહેરના કુખ્યાત બુટલેગર હુસેન ઉર્ફે બાટલો ઇસ્માઈલ ધોળકાવાળાએ મંગાવ્યો હોવાનું ખુલ્યું છે. આમ પોલીસે આ ગુનામાં ત્રણ વ્યક્તિઓ સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.