માંગ:ખાંડીવાવ ગ્રામ પંચાયતને કઠલાલ તાલુકામાં ન સમાવતા ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક રહિશોને સરકારી કામકાજ માટે છેક મહુધાનો ધક્કો ખાવો પડે છે
  • ગામ કઠલાલથી 3 કિમી દૂર છતાં 11 કિમી દૂરના તાલુકામાં સમાવેશ

મહુધા તાલુકાના ખાંડીવાવ ગ્રામ પંચાયતને કઠલાલ તાલુકામાં સમાવેશ કરવાની અવાર નવાર માંગ કરવા છતાં તંત્ર દ્વારા તેની ગંભીરતા નહીં લેવાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. ખાંડીવાવ ગ્રામ કઠલાલ થી ફક્ત 3 કિમી દુર છે, જ્યારે મહુધા તાલુકા મથક 11 કિમી દુર થાય છે. જેના કારણે તાલુકા કક્ષાની કોઈપણ કામગીરી માટે ગ્રામજનોને 11 કિમી દુર ફેરો ફરવો પડે છે. તંત્ર દ્વારા ગ્રામજનોની માંગ નહીં સંતોષાતા નાછુટકે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

કઠલાલથી ત્રણ કિમી દુર પરંતુ મહુધા તાલુકા પંચાયતમાં આવેલ ખાંડીવાવ ગ્રામ પંચાયતને કઠલાલ વિધાનસભામાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતા ખાંડીવાવ ગામ પંચાયતને મહુધામાંથી કઠલાલ તાલુકા પંચાયતમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જેને કારણે તાલુકાના કામ અર્થે 11 કિમી દૂર મહુધાના ધક્કા ખાવાની વારી આવી હતી. ભાનેર અને ઘોઘાવાડા ગામોનો અગાઉ કઠલાલ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

પરંતુ ભાનેરમાંથી જ છૂટા પડેલા ખાંડીવાવને કઠલાલ તાલુકા પંચાયતમાં સમાવવામાં આવે તો ગામનો વિકાસ થઇ શકે તેમ હોઇ પંચાયતના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખી ગ્રામપંચાયતને કઠલાલ તાલુકમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...