દીકરીને નવજીવન:કઠલાલની 13 વર્ષીય માનસિક અસ્વસ્થ દીકરીને શ્વાસ લેવામાં અને જમવામાં તકલીફ પડતા સીટી સ્કેન કરાવ્યો, ગળામાંથી રબ્બરનો બોલ મળી આવ્યો

નડિયાદ17 દિવસ પહેલા
  • ડો. સુપ્રિત આર પ્રભુએ દૂરબીનની મદદથી ગળામાં ફસાયેલ રબર બોલ બહાર કાઢી દીકરીને નવજીવન બક્ષ્યું
  • માનસિક અસ્વસ્થ દિકરી આકસ્મિક રીતે રબર બોલ ગળી ગઈ અને 72 કલાક બાદ દુરબીનની મદદથી ગળાના ભાગેથી આ બોલને બહાર કાઢવામાં સફળતા મળી

બાળકો ક્યારેક આકસ્મિક રીતે કોઈ વસ્તુ ગળી જાય આ પછી પરિવારને દોડાદોડ કરવાનો વારો આવે છે. આવા અનેક કિસ્સાઓ ખેડા જિલ્લામાંથી અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે. તાજેતરમાં કઠલાલની 13 વર્ષિય માનસિક અસ્વસ્થ દીકરીને શ્વાસ લેવામાં અને જમવામા તકલીફો થતા સીટી સ્કેન કરાવતાં ગળામાં રબર બોલ ફસાયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આકસ્મિક રીતે રબર બોલ ગળી ગઈ હતી અને 72 કલાક બાદ દુરબીનની મદદથી ગળાના ભાગેથી આ બોલને બહાર કાઢવામાં તબીબને સફળતા મળી છે. નડિયાદના ENT ડો. સુપ્રિત આર પ્રભુએ ગળામાં ફસાયેલ રબર બોલ બહાર કાઢી દીકરીને નવજીવન બક્ષ્યું છે.

દીકરીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને પાણી કે ખોરાક પણ લઇ શકતી નહોતી
કઠલાલમાં રહેતી 13 વર્ષિય તમન્ના વ્હોરા પોતે જન્મથી જ માનસિક અસ્વસ્થ છે. છેલ્લા ત્રણ દિવસથી તેણીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને પાણી કે ખોરાક પણ લઇ શકતી નહોતી. દીકરીના પરિવારે તેણીની સૌપ્રથમ કઠલાલની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી પરંતુ કઈ ફેર પડતો નહોતો. દીકરીને એની એજ પરિસ્થિતિ સામે જજુમવુ પડતું હતું. તેણીને ખૂબ જ કફ અને લાળ નીકળતી હતી. આથી તમન્નાને નડિયાદની ENT સ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ સુપ્રીત પ્રભુને ત્યાં લઈ જવામાં આવી હતી.

દુરબીનની મદદથી ગળામાથી રબર બોલ 3 cm x 3 cm x 3 cmનો બહાર કાઢ્યો
આ હોસ્પિટલના ડો. સુપ્રિત આર. પ્રભુએ તેણીને સૌપ્રથમ સીટી સ્કેન કરાવતા તેના રિપોર્ટ આવતાં ખુદ તબીબ પણ ચોકી ઉઠ્યા હતા. તમન્નાના ગળામાં કંઈક ગોળાકાર વસ્તુ ફસાઈ હોવાનું દેખાતું હતું અને આથી જ તમન્નાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતી હોવાનુ બહાર આવ્યુ હતું. તબીબે દૂરબીનની મદદથી ગળામાં ફસાયેલ રબર બોલ બહાર કાઢ્યો હતો. ડોક્ટર હર્ષિલ ચાવડા (એનેસથેટીસ)ની મદદ વડે આ શક્ય બન્યું હતું. આ રબર બોલ 3 cm x 3 cm x 3 cmનો છે. આ બન્ને તબીબના કારણે આજે તમન્નાને નવુ જીવન મળ્યું છે. દિકરીના નવા જીવનથી વ્હોરા પરિવારમાં ખુશી પ્રસરી જવા પામી છે.

સારવારમાં વિલંબ થતાં દીકરીનો જીવ જોખમાત : ડો. સુપ્રિત પ્રભુ
દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ડો. સુપ્રિત પ્રભુએ જણાવ્યું હતું કે, આ બોલ ગળી ગયેલી દીકરીને કદાચ સારવારમાં એક બે દિવસ વધુ થઈ ગયા હોત તો તેના જીવ જોખમમાં મુકાત કારણ કે આ દીકરી પોતે માનસિક રીતે અસ્વસ્થ છે અને બીજી બાજુ આ બોલ ગળી જવાના કારણે ફેફસામાં ન્યુમોનિયાની અસર થતાં એને બે દિવસથી તાવ પણ આવતો હતો. અમે રીસ્ક લઈ આ દીકરીના ગળામાંથી રબરના બોલને બહાર કાઢવામા સફળતા મળી છે. જો વધારે સમય ગળામા બોલ ફસાયેલો રહેત તો બચવાનો ચાન્સ ઓછો હતો અને આ ગળી ગયેલી વસ્તુના દબાણના કારણે અન્નનળીમાં કાણું પણ પડી જાત. પરિવારને પણ આ દીકરી ક્યારેય બોલ ગળી ગઈ તે ખબર નહોતી. હાલ આ દીકરી ખતરાથી બહાર છે. પરંતુ તેને ચારે એક દિવસની સારવારની જરૂર હોવાથી અહીંયા દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...