જલઝીલણી એકાદશી:સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે જલઝીલણી મહોત્સવ ખુબજ ધામધૂમથી ઉજવાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રસંગે વડતાલ ગોમતી કિનારે લોકમેળો ભરાયો
  • સૌ હરિભક્તોને 800 કિલો કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો, શોભા યાત્રામાં 3 હજાર કરતા વધુ હરિભક્તો જોડાયા હતા
  • ​​​​​​​નડિયાદની શારદા મંદિર શાળામાં પણ જલઝીલણી એકાદશીની ઉજવણી કરાઈ

વડતાલ ‌ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે જલઝીલણી સમૈયો ખુબજ હર્ષોલ્લાસ સાથે આચાર્ય મહારાજ શ્રી તથા સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી હરીને ગોમતીજીમાં નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભાદરવા સુદ એકાદશી એટલે જલઝીલણી એકાદશી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં આ જલઝીલણી ઉત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાય છે. વડતાલ મંદિરમાં સાત સાત દિવસથી મોંઘેરા મહેમાન બનેલા વિઘ્નહર્તા ગણપતિ દાદાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

ભજન અને ભૂંગળ મંડળીઓએ ધૂનની રમઝટ બોલાવી
વડતાલ નીજ મંદિરમાં ગણપતિ અને ઠાકોરજીની પૂજન વિધિ અને આરતીવાદ વાજતે ગાજતે જલઝીલણી શોભા યાત્રા નીકળી હતી. શણગારેલ બગી ટ્રેક્ટર ટ્રોલીમા આચાર્યશ્રી રાકેશપ્રસાદ મહારાજ તથા સંતો આરુઢ થયા હતા. ડીજેના તાલે અને ભજન અને ભૂંગળ મંડળીઓએ ધૂનની રમઝટ બોલાવી હતી. હજારો હરિભક્તો સાથે આનબાન અને શાન સાથે ગણપતિ દાદાને ભાવભરી વિદાય આપવા ગણપતિ દાદા મોરિયા પુઢચ્યા વરસે લૌકરિયાના ગગન ભેદી નારા સાથે ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

શોભાયાત્રા ગોમતી કિનારે પહોંચતા અબીલગુલાલની છોળો ઉછાળાયા
સાથે સાથે શ્રી હરિને ગોમતી જેમાં વિહાર કરાવવા નીકળેલ આ શોભાયાત્રા અબીલગુલાલની છોળો વચ્ચે શોભાયાત્રા ગોમતી કિનારે પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટે મંત્રોચાર સાથે ઠાકોરજીનું પૂજન કરી આરતી ઉતારી હતી. પૂજન આરતી માં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સસ્તંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમ પ્રકાશદાજી, ધર્મજીવન સ્વામી, બ્રહ્મચારી ચૈતન્યાનંદજી વગેરે સંતો જોડાયા હતા.

શણગારેલ નૌકામાં ઠાકોરજીને બિરાજમાન કરી નૌકાવિહાર કરાવવામાં આવ્યા
વડતાલ બાલ યુવક મંડળના બાળકોએ ઉત્સવના વધામણારૂપ નૃત્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે નૌતમ સ્વામી તથા ધર્મજીવન સ્વામી અને આનંદ સ્વામીએ જલ ઉત્સવનો મહિમા વર્ણવ્યો હતો. પ્રારંભમાં શ્યામ વલ્લભ સ્વામીએ ઉત્સવનું મહત્વ સમજાવ્યું હતું. તથા સંતોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. શ્રી લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારોએ ગણપતિની સ્તુતી કરી મહોત્સવને વધાવ્યો હતો. ઋષિ કુમારોના શ્ર્લોકગાન સાથે ઠાકોરજીનો અભિષેક વિધિ થયો હતો. અને સંતો ભક્તો દ્વારા પાંચ આરતી ઉતારવામાં આવી હતી. શણગારેલ નૌકામાં ઠાકોરજીને બિરાજમાન કરી નૌકાવિહાર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ હરિભક્તોને 800 કિલો કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. શોભા યાત્રામાં 3 હજાર કરતા વધુ હરિભક્તો જોડાયા હતા.

નડિયાદની શારદા મંદિર શાળામાં પણ જલઝીલણી એકાદશીની ઉજવણી કરાઈ
અનુપમ મિશન સંલગ્ન શારા મંદિર વિમુબેન દિનકરરાય પંડ્યા પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંકુલ તથા દિનકરરાય બાપાલાલ પંડ્યા પ્રાથમિક શિક્ષણ સંકુલ, નડીઆદમાં હિંદુ સંસ્કૃતિના જતન અને સંસ્કાર માટે જલઝીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના હોજમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને સુંદર શણગારેલી નાવડીમાં બિરાજમાન કરાવીને નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો. પ્રત્યેક બાળકે નાવડીની દાર ઝાલી શ્રીજીને જળવિહાર કરાવ્યો હતો. તે અગાઉ શ્રીજીની આરતી ઉતારી અને નીલકંઠવર્ણી ઉપર જળાભિષેક કરાવવામાં આવ્યો હતો. શ્રીજીના જયધોષ સાથે બાળકોને જળઝીલણી એકાદશીની વાર્તા પણ કહેવામાં આવી હતી. સૌ બાળકોએ જલઝીલણી એકાદશીનો મહિમા જાણ્યો. શારદા મંદિર પરિવાર વતી શાળાના આચાર્યા પૂ. સરોજબેન મચ્છર તથા મેનેજિંગ ટ્રસ્ટી પૂ. સુનીલભાઇ પંડ્યાએ જલઝીલણી એકાદશીની શુભકામનાઓ પાઠવી‌ હતી.

અન્ય સમાચારો પણ છે...