કપડવંજ તાલુકાના ચપટીયા ગામના પાટીયા પાસે નડિયાદ એસીબીએ લાંચના છટકામાં ઝડપી પાડેલ બન્ને કર્મચારીને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બન્ને કર્મચારીઓ દ્વારા છેલ્લા છ વર્ષથી વિસ્તારમાંથી લાકડા ભરી પસાર થતા ટ્રેક્ટર ચાલકો પાસેથી પૈસા ઉઘરાવવા દબાણ કરતા હોવાના આક્ષેપો થયા છે. હાલ એસીબી દ્વારા રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
નડિયાદ એસીબી ટીમે તા.14 માર્ચની ઢળતી સાંજે કપડવંજના ચપટીયા ગામના પાટીયા પાસેથી લાંચ લેતા બે ફોરેસ્ટર કર્મચારીઓને રંગે હાથ ઝડપી પાડયા હતા. ગુરૂવારના રોજ નિવૃત્ત ફોરેસ્ટ ગુણવંત બ્રહ્મભટ્ટ અને ફોરેસ્ટર ભગવાનસિંહ રહેવરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર ગુણવંત બ્રહ્મભટ્ટ આજ વિસ્તારમાં અગાઉ ફોરેસ્ટ ઓફિસ તરીકે સેવા બજાવતા હતા. તેથી સમગ્ર વિસ્તારમાં થતી લાકડાની હેરાફેરીની તલસ્પર્શી માહિતી હતી. જેના કારણે છેલ્લા એક વર્ષથી ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા ભગવાનસિંહ રહેવર સાથે મળી નિવૃત ફોરેસ્ટર લાકડાની હેરાફેરી કરતા વાહન માલિકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકોએ કર્યો છે.
વળી બંને કર્મચારીઓ ભેગા મળી લાકડા ભરી નીકળતા ટ્રેકટરના માલિકોને પૈસા આપવા બાબતે દબાણ કરતા હતા અને કહેતા કે જો પૈસા નહીં આપો તો લાકડાં ભરેલા ટ્રેક્ટર જપ્ત કરી લેવાની ધમકી આપતા હતા. આમ આ સમગ્ર બનાવમાં સેવાનિવૃત થયેલ ફોરેસ્ટર હાલના ફોરેસ્ટર સાથે મળી પૈસાની ઉઘરાણી કરતા હતા. વળી લાકડા ભરી આવતા મોટા ભાગના ટ્રેકટરો માલિકીની જગ્યામાંથી લાકડા કાપી કપડવંજ તાલુકાના સો મીલમાં નાખતા હોવાનું ઉમેર્યુ હતુ. તેમ છતાં પૈસા આપવા માટે બન્ને કર્મચારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનું રોષપૂર્વક ઉમેર્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.