વીડિયો વાઇરલ:નડિયાદ ગ્રામ્ય મામલતદાર કચેરીના જામીનદારે કહ્યું, ‘ઓળખીતા ના હોય તો પણ વાંધો નહીં, આપણે સેટિંગ છે, 300થી 500માં જામીન મળશે’

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીડિયોમાં દેખાતો જામીનદાર શેખ અજીમ - Divya Bhaskar
વીડિયોમાં દેખાતો જામીનદાર શેખ અજીમ
  • ઓળખીતા ના હોય તો પણ વાંધો નહીં, આપણે અહીં સેટિંગ છે કલમ 151, 107 કે 198 હોય રૂ.300થી 500માં જામીન મળી જશે
  • ચકલાસી પોલીસ સ્ટેશનમાંથી બીટ જમાદાર જામીનદારને ફોન કરી માણસો મોકલતો હોવાની વાતનો PSIએ છેદ ઉડાડ્યો

નડિયાદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં વ્યવસાયિક જામીનદારો રૂપિયા લઈ આરોપીને જામીન અપાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ગત 9 જૂનના રોજ ચકલાસી પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હતો. જેના કથીત આરોપીને નડિયાદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં જામીન માટે રજુ કરવાનો હતો. જેની પાસે અન્ય જામીન ન હોય, મામલતદાર કચેરી બહાર વ્યવસાયિક જામીનદારને રૂ.300 આપી જામીન લીધા હોવાનો ઘટસ્ફોટ વાયરલ વીડીયો માં કરવામાં આવ્યો છે.

એટલું જ નહી વ્યવસાયિક જામીનદાર પોતાનું પોલીસ અને મામલતદાર કચેરીમાં સેટીંગ હોવાનું પણ જણાવી રહ્યો છે. જેને જોતા સમગ્ર વિડીયો એ હાલ તો નડિયાદ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વિડીયો ઉતારનાર ઇસમ પ્રતિક ભટ્ટે દાવો કર્યો છે કે, ગુરૂવારના રોજ તેણે ચકલાસી પોલીસ મથકે બળદેવ બોડાણા, રહે. હાડગુડ, તા.જી.આણંદ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફોન પર ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે ઇપીકો કલમ 151, 107 મુજબ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં બળદેવ બોડાણાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

બીજા દિવસ એટલે કે શુક્રવારના રોજ વિડીયો ઉતારનાર ઇસમે નડિયાદ ગ્રામ્ય મામલતદાર કચેરી બહાર આ વિડીયો બનાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીટ જમાદાર અરવિંદભાઈએ આરોપીને વ્યવસાઇક જામીનદાર સાથે ગોઠવણ કરી જમીન અપાવ્યા હોવાનું ખુદ જામીનદાર જણાવી રહ્યો છે.

વીડિયોમાં દેખાતો ઇસમ શેખ અજીમ સ્પષ્ટપણે જણાવી રહ્યો છેકે 151 હોય કે 107, કે પછી 198 રૂ.300 થી 500 માં જામીન મળી જશે. ચકલાસી પોલીસ સ્ટેશન માંથી નરસંડા બીટ જમાદાર અરવીંદભાઇ આપણને ફોન કરી માણસ મોકલે છે, પોલીસ આપણને ફોન કરી કહે કે આવે છે, એટલે સેટિંગ થઇ જાય, તેવું બોલતો અજીમ વિડીયોમાં આબાદ ઝડપાઈ ગયો છે.

નડિયાદ શહેરમાં મીડિયા, પોલીસ, કોર્ટ અને રેવન્યુ વિભાગ સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા ગ્રુપમાં રવિવારે સવાર થી જ આ વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી હતી. જોકે જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયા એ સમગ્ર મામલે તપાસ કરવાની હૈયા ધારણા આપી છે.

ગ્રામ્ય મામલતદારે વાત કરવાનું ટાળ્યું
મહત્વની વાત છેકે એક જ દિવસમાં અનેક લોકોના જામીન બનતા જામીનદારોની હકીકત થી ગ્રામ્ય મામલતદાર પણ જાણકાર છે. વાઇરલ વિડીયો બાબતે જ્યારે મામલતદાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ પ્રથમ તો વિડીયોથી અજાણ હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેમને વિડીયો મોકલાવ્યા બાદ પણ કોઇ પ્રતિભાવ સાંપડ્યો ન હતો.

જામીન આપનાર અને લેનાર બંને મિત્ર છે, જમાદારનો કોઈ રોલ નથી
વીડિયોમાં જામીન આપનાર સ્પષ્ટ કહે છેકે બોડાણા મારો મિત્ર છે. ત્યારે બીટ જમાદારનો તેમાં રોલ આવતો જ નથી. ઝઘડો કરનારા પણ બે પત્રકારો છે, જેમનો અંદરો અંદરનો ઝઘડો છે. > વિશાલ શાહ, પી.એસ.આઇ, ચકલાસી

આવા જામીનદારોએ ન્યાયતંત્રની સરેઆમ મજાક બનાવી દીધી છે
કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છેકે કોઈપણ જામીનદાર જે વ્યક્તિનો જામીન થયો હોય, તેનો કેસ ચાલે ત્યાં સુધી તે અન્ય વ્યક્તિનો જામીનદાર બની શકે નહીં. પરંતુ આ વ્યવસાયિક જામીનદારો એક એક દિવસમાં અનેક લોકોના જામીન બની જાય છે, જેઓએ કાયદાને મજાક બનાવી દીધી છે. > પરેશ તળપદા, એડવોકેટ, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...