ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ઉપલક્ષે જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલરૂમ તથા માહિતી કેન્દ્રની જનરલ નિરીક્ષક નલિની કઠોતિયાએ મુલાકાત લીધી હતી.
ખેડા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી સમાચારોનું ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું
ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યુઝ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર થતા હોય છે. જેથી આ સમય દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે ખાસ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમમાં 3 ટેલિવિઝન સેટ ગોઠવવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક, રાજ્ય લેવલની ન્યુઝ ચેનલમાં ખેડા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી સમાચારોનું ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ અને આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોય તેવા સમાચારો તથા જાહેર ખબરો પર ચાંપતી નજર રાખવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાં થઈ રહી છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તથા ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલરૂમના સભ્યો ઉપસ્થિત રહ્યા
ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલ રૂમ અંતર્ગત જિલ્લાનાં છ વિધાનસભા મતવિસ્તારો, રાજ્ય તથા જિલ્લાનાં ચૂંટણી અધિકારીઓની માહિતી, ચૂંટણી તથા ખર્ચ લક્ષી ફરિયાદ માટેના ટોલ-ફ્રી નંબર, મતદારોની આંકડાકીય માહિતી, વિશિષ્ટ મતદાન મથકો, સહિત ચૂંટણી અગત્યની માહિતીની પ્રદર્શની માહિતી કેન્દ્ર સ્વરૂપે જિલ્લા માહિતી કચેરી, નડિયાદ દ્વારા યોજવામાં આવી હતી. જનરલ નિરીક્ષકશ્રી નલિની કઠોતિયાએ ચૂંટણી સંબંધિત જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાની 117-મહેમદાવાદ અને 118-મહુધા બેઠકનાં જનરલ નિરીક્ષક તરીકે નલિની કઠોતિયાની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલરૂમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.