દીક્ષા ગ્રહણ:વડતાલમાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે 17 પાર્ષદોને યજ્ઞોપવિત ધારણ કરાવી ભાગવતી દીક્ષા આપી

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભગવાન સ્વામિનારાયણની રમણભૂમિ એવા વડતાલધામમાં શુક્રવારે પ્રબોધિની એકાદશીના શુભદિને અક્ષરમૂર્તિ સદ્‌ગુરૂ ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 17 પાર્ષદોને ગુરૂમંત્ર આપી ભાગવતી દીક્ષા આપી છે. આચાર્ય મહારાજ ગાદીપર આરૂઢ થયા બાદ આજ સુધીમાં 809 સંતોની સંપ્રદાયને ભેટ આપી હતી.આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશ સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી તથા સંપ્રદાયના સંતો-મહંતો સહિત હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હોવાનું મુખ્ય કોઠારી ર્ડા. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું.

17 પાર્ષદોને સંતદિક્ષા આપવાની વિધિનો શુભારંભ મંદિરના ભુદેવ ધીરેન મહારાજે કરાવ્યો
કારતક સુદી એકાદશી તેહનું તે પ્રબોધિની નામ, તેહિ સત્સંગિ સંત સર્વે આવજો વડતાલધામ ભગવાન સ્વામિનારાયણે વણ તેડે વડતાલ આવવાની આજ્ઞા પોતાના આશ્રિતોને કરી હતી. નૂતન અક્ષરભુવન (મ્યુઝીયમ)ના ઉપલક્ષમાં કાર્તિકી સમૈયો વડતાલધામમાં દબદબાભેર ઉજવાઈ રહ્યો છે. પ્રબોધિની એકાદશી યાને કે દેવ ઉઠી અગિયારસ, ચાતુર્માસ સમાપ્તી. શુક્રવારે સવારે શણગાર આરતી બાદ અષ્ટાંગયોગી યોગીરાજ સ.ગુ ગોપાળાનંદ સ્વામીના આસને 17 પાર્ષદોને સંતદિક્ષા આપવાની વિધિનો શુભારંભ મંદિરના ભુદેવ ધીરેન મહારાજે કરાવ્યો હતો.

આચાર્ય મહારાજની આજ્ઞામાં રહી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું નામ રોશન કરવાની શીખ આપી
આ અવસરે વડતાલના - 06, જુનાગઢના - 08 તથા ગઢડાના - 03 દિક્ષાર્થી પાર્ષદો સહિત 17 પાર્ષદોના ગુરૂ તથા તેઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શા. નૌતમપ્રકાશદાસજી સ્વામીએ સૌ દિક્ષાર્થી સંતોને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, આજથી તમો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છો. આપણા સંપ્રદાયમાં મંત્રઉપદેશ આપવાનો અધિકાર માત્રને માત્ર આચાર્ય મહારાજને છે. જે સંપ્રદાયના શાસ્ત્ર સત્સંગિજીવન અને શિક્ષાપત્રીમાં કહેલ છે. આપણે લક્ષ્મીનારાયણ દેવના સાધુ છીએ, આ ધર્મશાળામાં નંદસંતો અહીં રહ્યા હતા. આ સ્થળે દિક્ષા લેવી તે બહુ મોટા ભાગ્ય હોય તો થાય છે. સૌ સંતોને ભજન કરવું, પોતાના ગુરૂની આજ્ઞામાં રહેવું, આચાર્ય મહારાજની આજ્ઞામાં રહી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું નામ રોશન કરવાની શીખ આપી હતી.

મહારાજ માટે દરરોજ એક માળા અવશ્ય કરવી
યોગીવર્ય સ.ગુ.ગોપાળાનંદ સ્વામીએ 22 વર્ષ સુધી આ જગ્યા પર તપ કર્યું તે જગ્યાએ દિક્ષાનો મંત્ર ગ્રહણ કર્યો તે બહુ ભાગ્યશાળાને મળે છે. આપ સૌ સંતોમાં સારા સાધુના સદ્‌ગુણો આવે, મૂળ સંપ્રદાયની પૃષ્ટિ આપણા હાથે થાય તેવા કાર્યો કરવા. આચાર્ય મહારાજે સૌ સંતો ઉપર બહુ મોટી કૃપા કરી છે. તો મહારાજ માટે દરરોજ એક માળા અવશ્ય કરવી. દુનિયાના કરોડો જીવોને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થાય તેવું કાર્ય કરવા જણાવ્યું હતું.​​​​​​​

પ્રબોધિની એકાદશી નિમિત્તે સવારે 11 કલાકે એકાદશી ઉદ્યાપન તથા હાટડી ઉત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો
આ પ્રસંગે નિત્યસ્વરૂપ સ્વામીએ સૌ દિક્ષાર્થી સંતોને હરિ આપ સૌ પર ખૂબરાજી થાય અને સંપ્રદાયનું રૂડું થાય તેમ કરવા જણાવી ધન્યવાદ આપ્યા હતા. દિક્ષાવિધિ બાદ આચાર્ય મહારાજ સૌ દિક્ષાર્થી સંતો સાથે વડતાલ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સહિત મંદિરમાં બિરાજતા દેવોને દર્શન - દંડવત કરી ધન્યતા અનુભવી હતી. પ્રબોધિની એકાદશી નિમિત્તે સવારે 11 કલાકે એકાદશી ઉદ્યાપન તથા હાટડી ઉત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ વિવિધ શાકભાજીની હાટડી ભરવામાં આવી હતી. જેની આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે આરતી ઉતારી હતી.

આવતીકાલે વડતાલમાં બિરાજતા દેવોનો 198મો વાર્ષિક પાટોત્સવ ખૂબજ ભવ્યતાથી ઉજવાશે
ત્યારબાદ આચાર્ય મહારાજ સૌ દિક્ષા ધારણ સંતો સાથે કથામંડપમાં પધાર્યા હતા. આ સમયે કથામંડપમાં ઉપસ્થિત સંતો હરિભક્તોએ તાળીઓના ગડગડાટ સાથે તેઓનું સન્માન કર્યુ હતું. સૌ સંતોએ સ્ટેજ પર બેઠેલ સંતો અને વક્તાને દંડવત કર્યા હતા. જ્યાં યજમાન પરિવાર ધ્વારા સૌ સંતોનું ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. 5 નવેમ્બરને શનિવાર કારતક સુદ 12ના રોજ વડતાલમાં બિરાજતા દેવોનો 198મો વાર્ષિક પાટોત્સવ ખૂબજ ભવ્યતા પૂર્ણ ઉજવાનાર છે. જેની પૂર્વસંધ્યાએ શુક્રવારે સાંજે 5 વાગે ગોમતીજીથી મંદિર સુધી વાજતે ગાજતે જળયાત્રા મંદિર પહોંચશે.

સૌ સંતોએ પોતાના ગુરૂની આજ્ઞામાં રહેવું
​​​​​​​યજમાન પરિવાર ઉર્જિત ભૂપેન્દ્રભાઈ પટેલ પરિવારના સૌ સભ્યોને ગોમતી કિનારે દેવોના વાઘા, ઘરેણા તથા જળની પૂજા વિધિ કરી હતી. આ પ્રસંગે સંપ્રદાયના સૌ સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે. સાંજે 6 કલાકે ધર્મદેવનો પ્રાગટ્ય દિન દબદબાભેર ઉજવાશે.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સૌ દિક્ષાર્થી સંતોને યજ્ઞોપવિત, કંઠી પહેરાવી કાનમાં ગુરૂમંત્ર આપ્યો હતો. આ પ્રસંગે આચાર્ય મહારાજે દિક્ષાર્થી સંતોને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, સૌ સંતોએ પોતાના ગુરૂની આજ્ઞામાં રહેવું. સંપ્રદાયના મહાન ગ્રંથોનું પઠન કરી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર નિયમોનું પાલન કરવું. સાથે સાથે ગામડે - ગામડે જઈ સત્સંગનો વિકાસ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...