ખેડા જિલ્લામાં દિનપ્રતિદિન સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે. ડીજીટલાઈજેશનની વાતો વચ્ચે ગઠીયાઓ અવનવી તરકીબો અપનાવી રૂપિયા ખંખેરતા જોવા મળે છે. ખેડા જિલ્લામાં નડિયાદના ઉત્તરસંડા અને મહેમદાવાદમાં એમ બે જુદા જુદા સ્થળોએ ઓનલાઇન ઠગાઈના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ઉત્તરસંડામાં ઈન્ટરનેશનલ લોનનું બહાનું ધરી તો મહેમદાવાદમાં અજાણ્યા ઈસમે દુકાને પહોચી ગુગલ પે મારફતે રૂપિયા ખંખેર્યા છે. ઉત્તરસંડામાં બનેલા બનાવમાં તો ભોગ બનનારનુ પુરુ નામ, ક્યાં નોકરી કરે છે જેવી તમામ વિગતો ગઠીયા પાસે હતી આ ડીટેલ્સ ક્યાંથી મેળવી તે એક મોટો પ્રશ્ન છે.
ઇન્ટરનેશનલ લોન પાસ થઈ હોવાનું કહી રૂપિયા ખંખેર્યા
નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં રહેતા 27 વર્ષીય સ્નેહલ જીતેન્દ્રભાઈ પટેલ પોતે નડિયાદની એક ખાનગી બેન્કમાં કન્ઝ્યુમર લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. ગત 23 ફેબ્રુઆરીના રોજ સ્નેહલભાઈને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ હિન્દી ભાષામાં જણાવ્યું કે, તમારી ઇન્ટરનેશનલ લોન પાસ થઈ ગયી છે. જોકે પહેલા તો આ સ્નેહલભાઈને તો ખબર ન પડી એટલે એમણે કહ્યું કે મે કોઈ લોન લીધી નથી. તો સામેવાળી વ્યક્તિએ સ્નેહલભાઈનુ આખુ નામ તેમજ એ ક્યા સર્વિસ કરે છે તે કહ્યું. વધુમાં કહ્યું કે તમારા ફેસબુક એકાઉન્ટમાં સિલ્વા ફેરાનેન્ડા નામથી મેસેજ આવશે તે તમને પૂરી માહિતી આપશે તેમ કહી ફોન મૂકી દીધો હતો.
બાદમાં આ સ્નેહલભાઈના ફેસબુક એકાઉન્ટમાં ઉપરોક્ત સિલ્વા ફેરાનેન્ડા નામથી મેસેજ આવ્યા હતા. જેમાં અંગ્રેજીમાં જણાવ્યું હતું કે તમારી ઇન્ટરનેશનલ લોન 1000 ડોલરની પાસ થયેલ છે. જે કુરિયર મારફતે તમને પૈસા મળશે. તે પછી આ સ્નેહલભાઈને વીડિયો કોલ મેસેન્જર ઉપર ફોન આવ્યો હતો. જેમાં બોક્ષમા મુકતો એક વિડિયો હતો અને આવતીકાલે તમારા ઘરે ડીલીવર થશે તેમ કહ્યું હતું. આ પછી બીજા દિવસે સવારે ઉપરોક્ત નંબર વાળા વ્યક્તિએ એક મેસેજ મોકલ્યો હતો. જેમાં અરવિંદ યાદવ નામના વ્યક્તિની બેંક ડીટેલ્સ હતી.
ચકલાસી પોલીસમા ફરિયાદ નોંધાઈ
થોડીવાર પછી આ સ્નેહલભાઈના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો અને જણાવ્યું કે તમે આ એકાઉન્ટની લીંક ખોલો તેમ કહેતા એકાઉન્ટ ઓપન કરી તમારા ખાતામાં રૂપિયા 36 હજાર 500 લોનનું બોક્સ છોડાવવા પેમેન્ટ જમા થશે તેમ કહ્યું હતું. પછી તુરંત જ સ્નેહલભાઈના વોટ્સએપ પર ઉપરોક્ત સિલ્વા ફેરાનેન્ડા નામથી મેસેજ આવેલો જેમાં કુરિયરની રીસીપ્ટ તેમજ ડીલીવરી બોક્સનો ફોટો હતો. બીજી બાજુ ઉપરોક્ત અરવિંદ યાદવના બેન્કના એકાઉન્ટની લીંક સ્નેહલભાઈના મોબાઇલમાં ઓપન હોય તેમના ખાતામાંથી સૌ પહેલા 12 હજાર રૂપિયા એ પછી અલગ અલગ દિવસો દરમિયાન કુલ રૂપિયા 89 હજાર 500 મેળવી લીધા હતા. ચેતી સ્નેહલભાઈએ તુરંત પોતાનું ફેસબુક એકાઉન્ટ તેમજ વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું અને પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સૌપ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર અને એ બાદ આજે ચકલાસી પોલીસ મથકમાં ઉપરોક્ત બે મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.
કોઈ સાથે વાત કરાવી પૈસા ન આપી જતો રહ્યો
અન્ય એક બનાવની વિગતો જોઈએ તો મહેમદાબાદ શહેરના કાછાઈ રોડ ઉપર રહેતા ઇશિતભાઈ રાવજીભાઈ પટેલ પોતે પોતાના ભાઈ સાથે શહેરમાં મોબાઇલની દુકાન ચલાવે છે. ગત 19મી જાન્યુઆરીના રોજ ઈશિતભાઈ કોઈ કામ અર્થે દુકાનની બહાર હતા. ત્યારે તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો અને જણાવ્યું કે મારે રોકડા પૈસા આપી ગુગલ પે દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવવા છે, જેથી ઈશિતભાઈએ જણાવ્યું કે મારી દુકાને મારો ભાઈ બેઠો હશે ત્યાં જતા રહો તેવી વાત કરી બાદમાં ઈશિતભાઈએ પોતાના ભાઈને મોબાઈલ ફોન કરી આ બાબતે જાણ કરી હતી. આ વ્યક્તિએ દુકાને પહોંચી તમારા ભાઈ સાથે વાત થઈ ગઈ છે તેમ કહી રૂપિયા 18 હજાર ટ્રાન્સફર કરાવવાના છે. જોકે આ ઈશિતભાઈના ભાઈના મિત્ર જૈનમ પટેલે આ રૂપિયા બે ટુકડે ટ્રાન્સફર કરી દીધા હતા અને આ વ્યક્તિએ કોઈ સાથે વાત કરાવી પૈસા ન આપી જતો રહ્યો હતો. બાદમાં એક વ્યક્તિ તેઓની દુકાને આવી કહ્યું કે, હું મહેમદાવાદ નવજીવન ચાઈનીઝમાંથી આવેલો છું અને મારે રૂપિયા 5 હજાર લેવાના છે અને આ સામેવાળા મોબાઈલ ધારકે નવજીવન ચાઈનીઝવાળા મહમદભાઈ મુશાદભાઈ પઠાણને ફોન કરીને કહ્યું કે, મને આવતીકાલે સો ડીસ મંચુરિયનના ઓર્ડર કરેલ છે જેના એડવાન્સમાં રૂપિયા 5 હજાર આપવા પડશે તેમ કહેતા તેમણે આ દુકાન પાસે પહોંચી મને વાત કરાવજો તેમ કહ્યું હતું.
આ બનાવમા બે વ્યક્તિઓને ગોળગોળ ફેરવનાર ગઠીયાને આ બે વ્યક્તિઓ કોઈ ઓળખતું નહોતું. જેથી આ ઈશિતભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સમગ્ર મામલે સૌપ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર અને એ બાદ આજે મહેમદાવાદ પોલીસમાં આ મામલે ફરિયાદ નોધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.