ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વાલ્લા ગામની પ્રાથમિક શાળા કે, જ્યાં દરેક તહેવાર કંઈક વિશિષ્ટ રીતે ઉજવાય છે. વિવિધ તહેવાર- ઉત્સવની સાચી ઉજવણી કરીને જીવાતા જીવનના જીવંત અનુભવ પૂરા પાડી જીવન ઉપયોગી શિક્ષણ આપી રહી છે. શિક્ષણ-સંસ્કાર-સંસ્કૃતિ શીખવતી આ શાળાએ "આવી ધુળેટી હોળી, લાવી ખુશીની ઝોળી "નામે પ્રેરક પ્રવૃતિ યોજી છે.
બજારમાં મળતાં કલર કેમિકલવાળા હોવાથી ત્વચા સંબંધી અનેક સમસ્યાઓ કરે છે
શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ અનેક નવતર પ્રયોગ દ્વારા શિક્ષણકેન્દ્રી અને સમાજકેન્દ્રી કાર્યો કરે છે. તેમણે શાળાના વિદ્યાર્થીઓ પાસે ચોખાનો લોટ તથા ફૂડ કલરમાંથી 'હર્બલ હોળી કલર ' તૈયાર કરાવી શાળા -આંગણવાડીના 200 વિદ્યાર્થીઓને આપ્યા છે. બજારમાં મળતાં કલર કેમિકલવાળા હોવાથી ત્વચા સંબંધી અનેક સમસ્યાઓ કરે છે એલર્જી પણ થાય છે. ત્યારે આ હર્બલ કલર ખૂબ જ નિર્દોષ છે અને આ કોઈ સમસ્યાઓ પણ થતી નથી. વિશેષ આ તમામ કલર સૂકા આપ્યા છે.
હોળીનો વિશેષ મહિમા સમજાવતી ભક્ત પ્રહલાદ નૃત્ય નાટિકાની પણ રજૂઆત થઈ
આ ઉપરાંત અહીયા બાળકોને પીચકારી આપી નથી તેથી પાણીનો વેડફાટ અટકે છે. આમ,પાણી બચાવવાનો પાવન સંદેશ પણ અહીં દેખાય છે.જે ખેડા જિલ્લાનો પ્રથમ નવતર પ્રયોગ કહી શકાય છે. હોળી ધુળેટીના તહેવારમાં ધાણી,ચણા,ખજૂરનો વિશેષ મહિમા છે. જેનાથી શરીરમાં જમા થયેલ કફની ચીકાશ દૂર થાય છે. કફ,વાયુ,ખાંસી અને થાક દૂર કરે છે.બળવર્ધક પણ છે. તેથી તમામ વિદ્યાર્થીઓને ધાણી, ચણા, ખજૂરની કીટ પણ તૈયાર કરી અપાઈ છે. ઉપરાંત હોળીનો વિશેષ મહિમા સમજાવતી ભક્ત પ્રહલાદ નૃત્ય નાટિકાની પણ રજૂઆત કરાઈ છે.
હર્બલ કલરની સાથે સાથે ધાણી,ખજુરની તૈયાર કરેલી કીટ પણ અર્પણ કરાઈ
હર્બલ કલર કીટ અને ધાણી-ચણા-ખજૂરની કીટના દાતા વિશ્વ ગાયત્રી પરિવાર-સારસાના નિત્યાનંદ ગોરધનભાઈ પટેલ તથા હિતેશકુમાર બ્રહ્મભટ્ટ સહયોગી બન્યા હતા. આ કીટ ગામના સરપંચ અશ્વીન વાળંદ ,ઉપ સરપંચ અશોક પરમાર અને શિક્ષકોના હસ્તે તમામ 200 બાળકોને અપાઈ હતી.સાચી ઉત્સવ ઉજવણી અને પ્રકૃતિ રક્ષણની આ પ્રેરક પ્રવૃત્તિને સફળ બનાવવા હિતેશકુમાર બ્રહ્મભટ્ટ સાથે આચાર્ય જયપાલસિંહ ઝાલા,નયનાબેન બ્રહ્મભટ્ટ ,પિનાકિનીબેન રામી,સેજલબેન પંડ્યા,સતીશભાઈ પટેલ, નિર્મલભાઈ પટેલ અને નિલેશભાઈ ઝાપડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.
ચોખાના લોટમાં ફુડ કલરનો ઉમેરો કરી તાપમા સુકવી સતત 7 દિવસની મહેનત છે : હિતેશકુમાર બ્રહ્મભટ્ટ
આ સંદર્ભે શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ પાણી બચાવોના પ્રેરક સંદેશ સમાજમાં આપે છે. અહીંયા બાળકોને સપ્તરંગી એટલે કે મેઘધનુષી સાત હર્બલ રંગો આપવામાં આવ્યા છે. આ રંગોની ખાસિયત એ છે કે, આ રંગ અંદાજીત 30 કીલો ચોખાના લોટથી બનાવાયા છે અને એમાં વિવિધ ફુડ કલરોનો ઉમેરો કરી સતત 7 દિવસની મારી અને શાળાના બાળકોની મહેનતથી આ ખાસ કલર તૈયાર કરાયા છે. પાછળ ઉનાળો આવતો હોવાથી પાણી બચાવોનો આ પ્રેરક સંદેશ છે. ફુડ કલરો લાવી આ લોટમાં ભેળવીને તાપમા સુકવી આ રંગ તૈયાર કરાયા છે. દિશાહીન બાળકોને માર્ગદર્શન આપી આ શિક્ષકે ઉમદા કામગીરી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.