નડિયાદ નગરપાલિકા દ્વારા આવક મેળવવા માટે ભાડે આપેલી 500 થી વધુ દુકાનો ખાલી કરાવવા માટે નોટિસો આપવાની કાર્યવાહી શરૂ કરી છે. જે માટે પ્રથમ તબક્કામાં 13 દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં વધુ દુકાનદારો ને નોટિસો આપવામાં આવનાર છે.
ત્યારે વિરોધ પક્ષના સભ્ય ગોકુલ શાહ દ્વારા નગરપાલિકાને લેખિત વિરોધ આપી વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે પૂરતો સમય આપવા અને જેતે સમયે ખોટી રીતે દુકાનો વેચાણ કરી આપનાર વહીવટકર્તાઓ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા રજૂઆત કરી છે. અા મામલે પ્રમુખે જણાવ્યું હતું કે કેટલાક વેપારીઅો દ્વારા દુકાનોનું વેચાણ થયુ હોવાનું અને બારોબાર ભાડે અપાઇ હોવાની પ્રવૃતિ ધ્યાનમાં અાવી છે જે બંધ કરવા દુકાનો ખાલી કરવાની કાર્યવાહી કરાઇ રહી છે.
નડિયાદ નગરપાલિકા દ્વારા વર્ષોથી ભાડે આપેલ દુકાનો ખાલી કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. આગામી 25 માર્ચના રોજ પાલિકાની સામાન્ય સભા છે. જેમાં પણ ભાડે આપેલ 500 થી વધુ દુકાનો ખાલી કરાવવા બાબતે ઠરાવ મુકવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે હવે પાલિકાનું રાજકારણ ગરમાયું છે.
વિરોધ પક્ષના સભ્ય ગોકુલ શાહે ચીફ ઓફિસર ને લખેલ પત્રમાં જણાવ્યું છેકે આ એક પ્રકારનું કૌભાંડ છે, જે સત્તાધારીઓ અને તેમના મળતીયાઓ દ્વારા આચરવામાં આવી રહ્યું છે. દુકાનદારોને નોટિસ પાઠવ્યા બાદ 15 દિવસમાં દુકાનો ખાલી કરવા જણાવવામાં આવે છે. જે અયોગ્ય છે, અને દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા સમય ફાળવવો જોઈએ.
ખોટી રીતે દુકાનો વેચાણ કરી આપનાર વહીવટકર્તા સામે કાર્યવાહી કરો
જેતે સમયે પાલિકાના જે સત્તાધિકારીઓ અને વહીવટકર્તાઓએ નાણાં પડાવવાના હેતુસર વેપારીઓને ખોટી રીતે દુકાનો વેચાણ લખી આપી હતી. હાલ તેવા વેપારીઓને પણ દુકાનો ખાલી કરાવવા માટે નોટીસો કાઢવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું છે. ત્યારે ખોટી રીતે દુકાનો વેચાણ કરી આપનાર વહીવટ કર્તાઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવી જરૂરી છે. > ગોકુલ શાહ, વિરોધ પક્ષના નેતા
દુકાનો ભાડે અપાય છે, નોટરી કરારથી દુકાનો વેચી દેવાની પ્રવૃત્તિ ધ્યાને આવી છે
ઘણા સમયથી એકના એક ભાડુઆતોને દુકાનો ભાડે આપેલ છે. જેમની મુદત પૂર્ણ થઈ ગઈ છે. કેટલાક નિયમિત ભાડુ પણ ભરતા નથી. 50 ટકા જેટલી દુકાનો મૂળ ભાડુઆતોએ 4 ગણા ભાડા થી અન્ય પેટા ભાડુઆતોને આપી દીધી છે. તો કેટલાક કિસ્સામાં નોટરી કરાર કરી રૂ.20 થી 25 લાખમાં પાલિકા ની દુકાનો બારોબાર વેચાણ કરી નાખી છે. જેથી પાલિકાની સંપત્તિ બચાવવા કાર્યવાહી જરૂરી છે. આ દુકાનો ખાલી કરાવ્યા બાદ સરકારમાંથી મંજૂરી મેળવી નિર્ણય લેવાશે. > રંજનબેન વાઘેલા, પ્રમુખ, નગરપાલિકા, નડિયાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.