જિલ્લાકક્ષાનો લોકદરબાર:નડિયાદમાં યોજાયેલા લોકદરબારમાં અનેક સવાલોનો પીડીતોએ મારો ચલાવ્યો, કેટલાક કિસ્સામાં તો પોલીસ પર પણ આક્ષેપો થયા

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગેરકાયદેસર રીતે નાણાં ધિરધાર કરતા તત્વો સામે રાજ્ય સરકાર મહત્વનો ઝુંબેશ ચલાવી રહી છે. ત્યારે ખેડા જિલ્લામાં 9મી જાન્યુઆરીથી શરુ થયેલ આ અભિયાન અંતર્ગત 3 જેટલી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. આજે આ ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના વડા મથક નડિયાદમાં ઈપ્કોવાળા હોલ ખાતે જિલ્લા કક્ષાનો લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં ભોગ બનેલા લોકોએ અનેક સવાલોનો મારો ચલાવ્યો હતો. જેમાં કેટલાક કિસ્સામાં તો પોલીસ પર પણ આક્ષેપો થયા હતા. તો અન્ય કિસ્સાઓમાં વ્યાજ ધિરાણ કરનારાઓએ પોતાની પડતી આપવીતિ જણાવી હતી. આ લોક દરબારમાં નાણાં ધિરાણ પ્રવૃતિઓ સાથે જોડાયેલ વ્યક્તિઓ, વવિધ બેન્કના પ્રતિનિધિઓ, જિલ્લાના નાના-મોટા વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

સિક્યોર ધિરાણ પર 12% અને અનસિક્યોર ધિરાણ પર 15% વાર્ષિક વ્યાજ લઈ શકાય છે
આઇજી તથા જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા લોક દરબારમાં લાયસન્સ વાળા નાણા ધિરધાર કરતા લોકો, ફાઈનાન્સના લોકો અને પિડીત નાના, મોટા વેપારીઓ એસોસિયેશનના પ્રમુખો એક છત નીચે હાજર રહ્યા હતા. આ લોકદરબારમાં જિલ્લા રજિસ્ટ્રાર તથા સહકારી ક્ષેત્રના અગ્રણી એવા વિપુલ પટેલ પણ હાજર રહ્યા હતા અને લોકોને

માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ સરકારી ધારાધોરણ મુજબ વ્યાજ લઈ શકાય તે ઉપર પ્રકાશ પાડ્યો હતો. નિયમ મુજબ અનસિક્યોર ધિરાણ પર 15% વાર્ષિક અને સિક્યોર ધિરાણ પર 12% વાર્ષિક ધિરાણ લઈ શકાય તેથી વધુ ન લઈ શકાય તેવા સામે પોલીસ કાર્યવાહી કરશે તેમ પોલીસે પણ ખાત્રી આપી હતી. આ સિવાય કાર્યક્રમ દરમિયાન ઉભા કરાયેલા હેલ્પ ડેસ્ક પર અનેક લોકોએ માર્ગદર્શન મેળવ્યું હતું.

ભોગ બનનાર લોકો કોઈ પણ શેહ -સંકોચ વિના બહાર આવો
આ પ્રસંગે અમદાવાદ પોલીસ આઇજીપી ચંદ્રસેખર દ્વારા વ્યાજખોરીનો ભોગ બનનાર લોકોને કોઈ પણ શેહ -સંકોચ વિના તેમની ફરિયાદોની યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા અપીલ કરવામાં આવી. આ બાબતે તેમણે સંબધિત પોલીસ અધિકારીઓને સક્રિયપણે કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો.

લોકોને સરકાર માન્ય રજિસ્ટર્ડ વ્યક્તિઓ અને મંડળીઓ સાથે જ વ્યવહાર કરવા અપીલ
જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ ગુજરાત નાણાં ધિરનાર અધિનિયમ -2011વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ગેર કાયદેસર વ્યાજ પ્રવૃતિઓ વિશે ગંભીર છે અને સામન્ય વ્યક્તિ ખોટા વ્યાજના ચક્રોમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ ના કરી મૂકે તે હેતુથી સમગ્ર રાજ્યમાં વ્યાજખોરી અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગઢીયાએ ખોટી વ્યાજ પ્રવૃત્તિઓ પર કડક વલણ અપનાવી વ્યાજ પીડિતો ન્યાય અપાવવા વચન આપ્યું હતું. ઉપરાંત તેમણે લોકોને સરકાર માન્ય રજિસ્ટર્ડ વ્યક્તિઓ અને મંડળીઓ સાથે જ નાણાકીય વ્યવહારો કરવા અપીલ કરી હતી.

હેલ્પડેસ્ક પર ઘણાંએ ફરિયાદ નોધાવી
જિલ્લા રજિસ્ટ્રાર ઉર્વશિબહેન બ્રહ્મભટ્ટ દ્વારા વ્યાજ-વટાવ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી કાયદાકીય બાબતો જેમ કે નાણાં ધિરનારનું લાયસન્સ, સિક્યોર અને ઇનસિક્યોર ધિરાણ ઉપરનો નિયત વ્યાજ દર, નિયમો વિરુદ્ધ વ્યાજ વસૂલી ઉપર દંડની જોગવાઈ અને કોઓપરેટીવ મંડળીના સુચારુ ઉપયોગ સહિતની છણાવટપૂર્વક માહિતી આપવામાં આવી હતી. તેમણે ઊપસ્થિત તમામ લોકોને ક્રેડીટ સોસાયટી પ્રક્રિયા અંતર્ગત કોઈ પણ સહયોગ માટે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ વિભાગ હેલ્પડેસ્ક ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં ઘણા લોકોએ પોતાની ફરિયાદ નોંધાવી છે.

નડિયાદના એક મોટા માથા નામ વાળા વ્યક્તિએ મને હેરાન કર્યો
આ લોકદરબારમાં સવાલ જવાબના‌ સમયમાં અનેક લોકોએ પોતાના મુંઝવતા સવાલોનો મારો ચલાવ્યો હતો. એક પીડીત વ્યક્તિએ કહ્યું કે સાહેબ હું વ્યાજખોરો વ્યક્તિથી કેટલાય વર્ષોથી હેરાન છું. મને કોર્ટમાંથી પણ ન્યાય નથી મળી રહ્યો નડિયાદના એક મોટા માથા નામ વાળા વ્યક્તિએ મને હેરાન કરી દીધો છે. તેઓએ પોલીસ પર પણ આક્ષેપો કર્યા અને મને જિલ્લા પોલીસ વડા સુધી મળવા જવા દેતા નથી. મે અગાઉ આઈજી, ડીઆઈજી સુધી રજૂઆત કરી છે. પણ મારા કેસમાં મને ન્યાય નથી મળતો.

મહેમદાવાદમાં પણ 20થી 30 અને એથી વધુ 50% સુધી ઊંચું વ્યાજ લેવામા આવે છે
મહેમદાવાદ પંથકના એક વ્યક્તિએ કહ્યું કે સાહેબ મહેમદાવાદ શહેરમાં અને આસપાસના વિસ્તારમાં લગભગ 50થી વધુ વ્યક્તિઓ આવા લાયસન્સ વગરના નાણાનો ધિરધારનો ગેરકાયદે વેપલો કરે છે. તેઓ 20થી 30 અને એથી વધુ 50% સુધી ઊંચું વ્યાજ લે છે. તો આટલું જ નહીં પરંતુ ગેરંટી પેટે લગભગ પાંચ-પાંચ સહી વાળા ચેક મેળવી સ્ટેમ્પ પેપર પર નોટરી કરાવી લે છે. આ મેળવેલ ચેક મહેમદાવાદ ભરે તો અન્ય બીજી જગ્યાએ વટાવે તેવો વેપલો ચાલી રહ્યો છે આવી બદીઓને અટકાવવા માંગ કરી છે.

ગામ એરિયામાં કાયદેસરનું રજીસ્ટ્રેશન કરેલ હોય તેવા લોકોનું એક લિસ્ટ બનાવી પોલીસને સુપ્રત કરીશું : સરપંચ
દરબારમાં કેટલાક ગામના સરપંચો પણ હાજર હતા જેમાં વડતાલ ગામના સરપંચે જણાવ્યું કે અમે ગ્રામસભા ભરી એક સમિતિ બનાવી આ બાબતની જાગૃતિ લાવવા અને ગામ એરિયામાં કાયદેસરનું રજીસ્ટ્રેશન કરેલ હોય તેવા લોકોનું એક લિસ્ટ બનાવી પોલીસને સુપ્રત કરીશું. જેથી આવા ગેરકાયદે ચાલતા વેપાર પર ઉઘાડા પડે અને પોલીસને કામ કરવુ સરળ બને.

પૈસા લેતી વખતે બિલાડી બને છે અને નાણા આપવાના થાય ત્યારે સિંહ થઈ જાય છે : નાણાં ધિરધાર કરનાર વ્યક્તિ
તો નાણાં ધીરધાર વ્યક્તિએ જણાવ્યું કે અમે જ્યારે પૈસા માંગીએ છે તારી સામેવાળી વ્યક્તિ એટ્રોસિટી લગાવી દઈશ એવી ધમકીઓ આપે છે. પૈસા લેતી વખતે બિલાડી બને છે અને નાણા આપવાના થાય ત્યારે સિંહ થઈ જાય છે. આવા અનેક સવાલોનો મારો ચાલ્યો હતો. આ તમામ સવાલોના યોગ્ય પ્રત્યુત્તર પણ આપવામાં આવ્યા હતા અને છેલ્લે પોલીસે આ કાર્યવાહીમા તટસ્ટ અને પારદર્શી કામગીરી કરશે તેવી ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...