ઉનાળો મધ્યમાં છે ત્યારે જિલ્લામાં ઠેર ઠેર પાણીના પોકાર પડી રહ્યા છે. કપડવંજ તાલુકો હોય કે પછી ઠાસરા તમામ વિસ્તારોમાં પાણી માટે પોકાર ઉઠી રહ્યા છે. ઠાસરા નગરપાલિકાના વોર્ડ-3માં હાલત એટલી કફોડી બની છેકે 3 હજાર નગરજનોએ પાણી માટે આંતરે દિવસે આવતી પાલિકાની ટેન્કરો પર મદાર રાખવો પડી રહ્યો છે.
ખેડા જિલ્લાની ઠાસરા પાલિકાના વોર્ડ-3માં છેવાડે આવેલા ફેરકુવા, નગરી, મોટો સૈયદવાળો તેમજ નારા માલજીભાઈની પોળમાં પાણીનો સપ્લાય પહોંચાડતા બોર કુવાની મોટર 25 દિવસથી બળી ગઈ છે. જેના કારણે અહીંયા રહેતા સ્થાનિકો પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે. પાલિકા અને આ વિસ્તારના પાલિકા સભ્યોને વારંવાર રજૂઆત કરવા છતાં 25 દિવસથી પાણીની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. પાલિકા દ્વારા આંતરે દિવસે માત્ર ટેન્કરથી પાણી અપાય છે.
ઠાસરા નગરપાલિકા નું ટેન્કર પાણી આપવા આવે ત્યારે વૃદ્ધો, બાળકો અને મહિલાઓ પાણી ભરવા રીતસરની લાઈનો લગાવે છે. પાણીની સમસ્યાથી ત્રાસી ઉઠેલા સ્થાનિકોએ માંગ કરી છેકે પાણીનો કાયમી હલ થાય તે જરૂરી છે. નહિતર અહીં ના રહીશો દ્વારા ઠાસરા પાલિકામાં જઈને આમરણ ઉપવાસ આંદોલન શરૂ કરાશે.
નવી ઈલેકટ્રીક મોટરો લાવવાની કાર્યવાહી ચાલુ છે
આ તમામ વિસ્તારમાં મોટરો લાવી પડે તેમ છે. તેમજ અમે ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે પણ વાત કરેલ છે. ચીફ ઓફીસર દ્વારા ટેન્ડરીંગ કરી મોટરો નવી લાવવાની તૈયારી કરી છે. નગરપાલિકના મોટા સૈયદ વાળા વિસ્તારમાં મોટર મૂકીને પાણી ચાલુ કરાવ્યું છે. - સન્ની પટેલ, પ્રમુખ, ઠાસરા નગર પાલિકા.
સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવીશું
સમસ્યા અમારા ધ્યાન પર છે. મોટરો લાવવા માટે પ્રયાસ ચાલુ છે, અને સત્વરે નિકાલ આવે તે પ્રકારે કામગીરી થઈ રહી છે. - દિગ્વિજય પ્રજાપતિ, ચીફ ઓફિસર, ઠાસરા નગર પાલિકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.