સ્ટોપેજના બોર્ડ ફ્કત શોભાના ગાંઠિયા સમાન!:નડિયાદમાં નવી કલેકટર કચેરી પાસે એક્સપ્રેસ બસોના સ્ટોપેજ હોવા છતાં બસો ઊભી ન રહેતા મુસાફરોમાં રોષ

નડિયાદ2 મહિનો પહેલા
  • અરજદારોને કલેક્ટર કચેરી સુધી પહોચવા એક કીલો મીટર દુર રામતલાવડીએ ઉતરવા મજબુર થવુ પડે છે
  • ગુજર નગરીનું સ્ટોપેજ નથી એમ સમજાવી બસ ઊભી રાખવામાં આવતી ન હોવાની ફરીયાદો ઉઠી

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં ડભાણ રોડ પરની નવી કલેક્ટર કચેરી પાસે લોકલ, એક્સપ્રેસ ST બસોનું સ્ટોપેજ હોવા છતાં એક્સપ્રેસ બસો ઊભી ન રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સીટીમા જ ઊભી રહેશે તેમ જણાવી 1 કીમી દૂર રામતલાવડી ખાતે અરજદારોને ઉતરવા મજબુર થવુ પડે છે. જેથી અરજદારોને પાછુ રીક્ષામા પૈસા ખર્ચી સેવા સદન ખાતે આવવુ પડે છે. એક્સપ્રેસ બસના ડ્રાઇવર કંડકટરની મનમાનીથી બસો ઊભી ન રખાતી હોવાના આક્ષેપ કરાયા છે. જેથી અરજદારોને હાલાકી વેઠવી પડે છે. ત્યારે અહીયા સેવા સદન બહાર એક્સપ્રેસ બસના સ્ટોપેજના બોર્ડ ફ્કત શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેવુ સ્પષ્ટ પણે જણાય છે. એસટી વિભાગ આ મામલે કોઇ કાર્યવાહી કરે તેવી લોક માગ ઉઠી છે.

સિનિયર સિટીઝન સહિત અન્ય અરજદારોને હાલાકી
જિલ્લાનું મુખ્ય મથક નડિયાદમાં સરકારી કામ અર્થે રોજબરોજ જિલ્લાના અલગ-અલગ તાલુકા માથકોથી અને અન્ય જિલ્લાઓમાંથી લોકો આવતાં જતાં હોય છે. મોટેભાગે મધ્યમ વર્ગ એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે અમૂક ડ્રાઇવર કંડક્ટરોની મનમાનીથી પુરા એસટી વિભાગને સોશવાનો વારો આવે છે. નડિયાદમાં ડભાણ રોડ પર નવી કલેક્ટર કચેરી બહાર લોકલ અને એક્સપ્રેસ બસના સ્ટોપેજનું બોર્ડ મારવામાં આવ્યું છે. ત્યારે લોકલ બસ તો ઊભી રહે છે, પરંતુ એક્સપ્રેસ બસો ઊભી ન રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન સહિત અન્ય અરજદારોને એક બાજુ સરકારી દફતરના તો ધરમના ધક્કા તો ખાવા જ પડે છે સાથે સાથે બસો ઊભી ન રહેતા સમય અને નાણાંનો વ્યય થાય છે.
એક્સપ્રેસ બસોના ડ્રાઈવર કંડકટર આ સ્ટોપેજની અવગણના કરે છે
જિલ્લા સેવા સદન બહાર એસટી વિભાગે એક્સપ્રેસ અને લોકલ બસનું સ્ટોપેજ હોવાનું બોર્ડ માર્યું છે. પરંતુ કેટલીક એક્સપ્રેસ બસોના ડ્રાઇવર, કંડકટર આ સ્ટોપેજની અવગણના કરી અરજદારો તથા પેસેન્જરોને ગુજર નગરી બસનુ સ્ટોપેજ નથી અથવા તો સીટીમા જ ઊભી રહેશે તેમ જણાવી બસોને ઊભી ન રાખતા હોવાની ફરિયાદો ઉઠી છે. નડિયાદ ડેપોની નડિયાદ-મોરબી સહિત અન્ય ડેપો અને અન્ય જિલ્લાઓની બસોના ડ્રાઈવર, કંડકટરો પોતાની મનમાની કરી અહીયા બસ ઊભી રાખતા નથી. ખાસ કરીને અમદાવાદ વાયા ખેડા પર ચાલતી બસો અને સૌરાષ્ટ્ર તરફ જતી આવતી તમામ એક્સપ્રેસ બસો આ સ્ટોપેજની અવગણના કરી રહી છે.

ડ્રાઇવર, કંડકટર સાથે મુસાફરોને ઘર્ષણમાં ઉતરવું પડે છે
બસોમાં સવાર પેસેન્જર અને ખાસ કરીને કલેકટર કચેરી ખાતે આવતાં અરજદારોને એક કીલો મીટર દૂર રામતલાવડીએ ઉતરવુ પડે છે. અને પછી ત્યાંથી 20 રૂપિયા ખર્ચીને પરત કલેકટર કચેરીએ આવવુ પડે છે. આમ સમય અને નાણાંનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે. નડિયાદ એસટી વિભાગે અહીયા સ્પષ્ટ પણે એક્સપ્રેસ અને લોકલ બસના સ્ટોપેજ ના બોર્ડ મારેલા છે આમ છતાં પણ બસો ન ઉભી રહેતા કેટલાક અરજદારો અને પેસેન્જરોને બસના ડ્રાઇવર, કંડકટર સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. કલેકટર કચેરી બહાર જ અરજદારને પડતી તકલીફોથી તંત્ર પણ અજાણ છે. જેની પાસે સમસ્યાના નિવારણ માટે આવે છે તેજ કચેરી બહાર અગવડતાનો સામનો કરવા અરજદારો મજબુર બન્યા છે. ત્યારે આ મામલે એસટી વિભાગ કોઈ નક્કર પગલાં લે તેવી માંગ ઉઠી છે.
સ્ટેન્ડની સુવિધાનો અભાવ
થોડા સમય બાદ હવે જિલ્લા પંચાયત પણ કલેક્ટર કચેરીની બાજુમાં પ્રારંભ થનાર છે. ત્યારે અરજદારોની સંખ્યામાં વધારો થશે જેથી એસટી વિભાગ આ ફરિયાદને ગંભીરતા પૂર્વક નોંધ લઈ અહીંયા એક્સપ્રેસ બસો ઊભી રહે તેવુ આયોજન કરે તેવી માંગ પ્રબળ બની છે. એસટી વિભાગે હાલ તો અહીંયા ફક્ત અપ અને ડાઉન તરફ સ્ટોપેજના બોર્ડ મારી સંતોષ માન્યો છે પરંતુ અહીયા બેસવા માટે સ્ટેન્ડની સુવિધા પણ નથી. જેથી અરજદારોને અહીયા ઊભા રહેવામા પણ ઘણી તકલીફો પડે છે. કલેક્ટર કચેરીમાં કામ કરતા એક કર્મીએ જણાવ્યું હતું કે, હું દરરોજ અહીંયાથી ખેડા તરફ અપડાઉન કરું છું. એક્સપ્રેસ બસો તો ઊભી નથી રહેતી પણ લોકલ બસોના પણ ધાંધીયા છે. હાથ દેવા છતાં પણ અને બસ ખાલી હોવા છતાં પણ ડ્રાઇવર કંડક્ટરો અહીંયા બસ ઊભી નથી રાખતા હોવાનું જણાવ્યું છે.
આવી ફરિયાદ છે જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈએ છીએ: ડેપો મેનેજર
નડિયાદ ડેપોના ડેપો મેનેજર રીનાબેન દરજીએ જણાવ્યું હતું કે, આવી ફરિયાદ છે જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈએ છીએ. હાલ સ્ટેન્ડ ચાલુ થઈએ સાતથી આઠ માસ વિત્યા છે. પરંતુ એક્સપ્રેસ બસો ઊભી ન રહેતા અમે આ મામલે વિભાગીય કચેરીને જણાવીશું અને બસો ઊભી રહે તેવા પ્રયાસો કરવા બંધાયેલા છે. અરજદારો તથા મુસાફરોને હાલાકી ન પડે તે દિશામાં કામ કરીશું.

અન્ય સમાચારો પણ છે...