ગ્રામ પંચાયતની સભામાં બબાલ:સૈયાતમાં સભ્યએ ઉપ સરપંચને 'લેખિત, મૌખિક વિરોધ કેમ કરો છો' તેમ કહેતા મહિલા સભ્યએ જ્ઞાતિવાચક શબ્દો બોલી અપમાનિત કર્યા

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઠાસરાના સૈયાત ગામે પંચાયતની સામાન્ય સભામાં બબાલ થતાં મોટુ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સભ્યએ ઉપ સરપંચને અવારનવાર લેખિત, મૌખિક વિરોધ કેમ કરો છો તેમ કહેતા અન્ય એક મહિલા સભ્યએ આ કહેનાર સભ્યને જ્ઞાતિવાચક શબ્દો બોલી અપમાનિત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવ મામલે સભ્યએ મહિલા સભ્ય સામે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જ્ઞાતિવાચક શબ્દો બોલી જાહેરમાં અપમાન કર્યું
​​​​​​​
ઠાસરા તાલુકાના સૈયાત ગામે પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયેલા અને આ ગામે રહેતા 63 વર્ષીય ડાહ્યાભાઈ હરખાભાઈ ચાવડા પોતે ગામમાં વોર્ડ નંબર એકમાં સભ્ય તરીકે સેવા આપે છે. ગત 13મી માર્ચના રોજ ગામની સામાન્ય સભા પંચાયત કચેરીએ હતી. જેમાં સરપંચ, ઉપસરપંચ, તલાટી સહિત સભ્યો હાજર રહ્યા હતા. આ સામાન્ય સભામાં પંચાયતના કામ કરવા બાબતે પ્રશ્નો ચાલતા હતા. આ સમયે વારંવાર ઉપસરપંચ તેમજ અન્ય સભ્યો વિરોધ નોધાવી બખેડો કરતા હતા. આથી હાજર સભ્ય ડાહ્યાભાઈ ચાવડાએ ઉપસરપંચ મહેશભાઈ પરમારને કહ્યું કે, તમે વારંવાર દરેક સામાન્ય સભામાં લેખિત તેમજ મૌખિક કેમ વિરોધ કરો છો? ગામમાં વિકાસના સારા કામ થવા દો તેમ કહેતા આ સામાન્ય સભામાં હાજર સભ્ય કપીલાબેન કરણસિંહ ચાવડાએ એકદમ ઉશ્કેરાઈ જઈ જ્ઞાતિવાચક શબ્દો બોલી જાહેરમાં અપમાન કર્યું હતું.
​​​​​​​ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી
આટલેથી વાત ન કરતા આ મહિલાએ જણાવ્યું કે, હવે પછી બીજી વખત મિટિંગમાં તમે કેવા આવો છો તે જોઈ લઈશ. તેમજ જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી. આથી આ મામલે સભ્ય ડાહ્યાભાઈ ચાવડાએ સૌપ્રથમ જિલ્લા પોલીસ વડા તેમજ કપડવંજ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ઠાસરા પોલીસ સ્ટેશન મથકે ટપાલ મારફતે લેખિતમાં અરજી આપી હતી. આબાદ આજે આ ડાહ્યાભાઈ ચાવડાએ સમગ્ર બનાવ સંદર્ભે ઠાસરા પોલીસ મથકે ઉપરોક્ત કપિલાબેન ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...