નડિયાદમાં ઉત્તરસંડા રોડ પર ગાડી અથડાવતાં મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં યુવાનોના ટોળાએ છરા, લાકડી, પટ્ટા વડે 3 પર તૂટી પડતા આ ત્રણેય લોકો ઘવાયા હતા. સમગ્ર મામલે ચકલાસી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
ગાડીમાંથી આશરે 10 યુવાનોનું ટોળું ઉતર્યું હતું
નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ પર આવેલ શ્રીજી વિલા બંગલો નેક્સેસ ટુની પાછળ રહેતા 21 વર્ષીય શુભમ રાકેશભાઈ પટેલ પોતે ચારૂસેટ સેટ કોલેજ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે. ગત 11મી નવેમ્બરના રોજ રાત્રે દસેક વાગ્યાની આસપાસ શુભમ અને તેનો નાનો ભાઈ કાવ્ય તથા શુભમનો મિત્ર જિલ એમ ત્રણેય લોકો શહેરના ઉત્તરસંડા રોડ પર રાજહંસ સિનેમા સામે આવેલ પેટ્રોલ પંપ પાસે બાદશાહ આમલેટની ત્યાં મોટરસાયકલ મૂકી નજીક જમવા માટે ગયા હતા. જમી પરવારીને શુભમ પોતાનું મોટરસાયકલ લેવા જતા તે વખતે એક ટાવેરા ગાડી ઉતરસંડા બાજુથી આવેલી અને શુભમની સાથે અથડાવી હતી. ગાડીમાંથી આશરે 10 યુવાનોનું ટોળું ઉતર્યું હતું. જેમાંથી એક યુવાનને શુભમ ઓળખતો હતો.
પોલીસે ગુનો નોંધ્યો
શુભમે આ યુવાનોને જણાવ્યું કે, તમોએ ગાડી કેમ મારી સાથે અથડાવી , તેમ કહેતા આ લોકોએ અપ શબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ઝઘડો મારામારીમા પરીણમ્યો હતો અને આથી શુભમનો ભાઈ અને તેનો મિત્ર જિલ વચ્ચે છોડાવવા પડતા આ યુવાનોના ટોળાએ તેમને પણ મારમારવા લાગ્યા હતા. છરા, લાકડી, પટ્ટા વડે આ લોકો 3 લોકો પર તૂટી પડ્યા હતા. જેના કારણે આ ત્રણેય લોકોને ઈજા થઈ હતી. સમગ્ર મામલે આજે શુભમ પટેલે ચકલાસી પોલીસ મથકે હુમલો કરનાર દીપેન ઠાકોર, ભારતસિંહ પરમારનો દિકરો તેમજ 10 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 143, 147, 148, 149, 323, 324, 504, 506(2) મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.