દુર્ઘટના:નડિયાદમાં શેરકંડ તળાવ નજીક કાંસ બેસી જતાં બે ટ્રકોના પાછળના વ્હિલ નીચે ફસાઈ ગયા, સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઈ નહી

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના શેરકંડ તળાવ નજીક આવેલા કાંસ એકાએક બેસી જતાં કાંસ પર પાર્ક કરેલી બે ટ્રકોના પાછળના વ્હિલ આ કાંસમાં નીચે ઉતરી ગયા છે. આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઈ નહોતી.

રવિવારની રાત્રે દુર્ઘટના સર્જાઈ
શહેરના નગરપાલિકાની કમ્પાઉન્ડ વોલને અડીને આવેલા શેરકંડ તળાવ પાસેના જર્જરિત કાંસ પરની જોખમી દુકાનો થોડા માસ અગાઉ પાલીકા તંત્ર એ તોડી કાંસને ખુલ્લો કર્યો હતો. પરંતુ કેટલીક જગ્યાઓ પર કાંસ પરનો જોખમી સ્લેબ રહેવા દેતાં આસપાસના ધંધાર્થીઓ અહીંયા મોટા વ્હિકલો પાર્ક કરી રહ્યા હતા. રવિવારની રાત્રે અહીંયા આ કાંસ પર પાર્ક કરેલ બે ખાતર ભરેલ ટ્રકના પાછળના વ્હિલ એકાએક કાંસમા ઉતરી ગયા હતા. કાંસ બેસી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. રાતનો સમય હોવાથી અહીયા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

કાંસને ખુલ્લો કરી નવી રીતે સિમેન્ટ કોંક્રિટનો સ્લેબ ભરે તેવી માંગ પ્રબળ બની
પાલિકા તંત્ર એ અહીંયા કાંસ પર આવેલી દુકાનો તો હટાવી દીધી પરંતુ કાંસ અમૂક જગ્યાએ ખુલ્લો કર્યો તો અમુક જગ્યાએ આ કાસ પરનો જોખમી સ્લેબ એમનો એમ રહેવા દીધો હતો. જેના કારણે લોકો અહીંયા વાહનો પાર્ક કરતાં હતાં. પાલીકા તંત્ર આ કાંસને ખુલ્લો કરી નવી રીતે સિમેન્ટ કોંક્રિટનો સ્લેબ ભરે તેવી માંગ પ્રબળ બની છે. સાથે સાથે અહીયાનો ખખડધજ રોડ નવો બનાવે તેવી ધંધાર્થીઓએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...