આયોજનનો અભાવ:નડિયાદમાં લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલી કચરા પેટીઓ પર ધૂળનાં થર જામ્યા, શહેરમાં ઘણા સ્થળે કચરાપેટી ન હોવાથી કચરાના ઢગલા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ પાછળ વર્ષે દહાડે કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોવાના બણગાં મારવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણા સ્થળે વર્ષો જૂની તૂટી ગયેલી કચરાપેટીઓને કારણે રસ્તા પર કચરાના ઢગલા ખડકાય છે. બીજી બાજુ ઘણા સમયથી લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલ નવી કચરાપેટીઓ નગરપાલિકા કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી છે. જે નગરપાલિકાના અણધડ વહીવટની ચાડી ખાઈ રહી છે.

ચકલાસી ભાગોળ વિસ્તારમાં કચરાપેટી જ જોવા મળતી નથી
સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. નડિયાદ નગરપાલિકા દ્વારા પણ શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવી રહ્યો છે. પરંતુ નડીયાદ શહેરમાં ઘણાં વિસ્તારમાં કચરાપેટીના અભાવથી લોકોને રસ્તા પર કચરો નાખવાની ફરજ પડી રહી છે તો ઘણા વિસ્તારમાં દિવસો વિતવા છતાં કચરો ઉઠાવવામાં આવતો નથી. તો નગરપાલિકામાં વર્ષો જૂની કચરાપેટીઓ કાટ ખાયેલી તેમજ તૂટેલી હાલતમાં જોવા મળે છે. જેના કારણે તેમાં નાખેલો કચરો રસ્તા પર વેર વિખેર થાય છે. તો કચરાપેટીઓ ન હોવાના કારણે પશ્ચિમ વિસ્તાર, ચકલાસી ભાગોળ વિસ્તારમાં કચરાપેટી જ જોવા મળતી નથી.

પાલિકાની બેઠક ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવાની પ્રથા, સભ્યોને રજૂઆત ક્યાં કરવી?
કચરાપેટી ન હોવાના કારણે ગૃહિણીઓને જાહેર રસ્તા પર કે શેરીના નાકે કચરો નાખવાની ફરજ પડી રહી છે. આ અંગે જાગૃત નગરજનો દ્વારા નિયમિત સાફ સફાઈ કચરો ઉપાડવા તેમજ કચરાપેટી મૂકવા માંગણી કરવામાં આવે છે. પરંતુ નગરપાલિકાના બહેરા કાન પ્રજાની રજૂઆતો અથડાતી હોય છે. તેની કોઈ અસર નગરપાલિકા તંત્ર પર થતી નથી. આમ નડિયાદ શહેરમાં તંત્રના અણધડ વહીવટના કારણે નર્કાગારની સ્થિતિ સર્જાઇ છે.બીજી બાજુ છેલ્લાં ઘણાં સમયથી નગરપાલિકાની બેઠક ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવાની પ્રથા પડી ગઈ છે જેથી પાલિકાના સભ્યોને પોતાની રજૂઆત કરવા ની તક જ મળતી નથી. આમ પાલિકા તંત્રનો વહીવટ દિન પ્રતિદિન ખાડે જઈ રહ્યો હોવાની નગરજનોને પ્રતીતિ થઈ રહી છે.

દોઢ માસથી ખરીદેલી નવી કચરા પેટીઓ ધૂળ ખાઈ રહી છે
નડિયાદ નગરપાલિકા પાસે વર્ષો જૂની કચરાપેટીઓ પેટી છે. પૂરતી કચરા પેટીઓનો અભાવ જોવા મળે છે. ત્યારે નગરપાલિકા દ્વારા શહેરમાં કચરાપેટીઓ મુકવા નવી કચરા પેટીઓ ખરીદવામાં આવી છે. આ કચરાપેટીઓ દોઢ માસ ઉપરાંતથી નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી છે. ત્યારે નગરપાલિકા નવી કચરા પેટીઓ મુકવા કોની રાહ જોઈ રહ્યું છે તેવો નગરજનોમાં ગણગણાટ થઈ રહ્યો છે.

ઘણા સમયથી રજૂઆત છતાં કચરાપેટી ન મુકાતા સ્થાનિકોમાં રોષ
નડિયાદ શહેરમાં ચકલાસી ભાગોળ થી ફતેપુરા રોડ, મરીડા રોડ તેમજ પશ્ચિમ વિસ્તારમાં કચરા પેટીઓ મુકવા ઘણા સમયથી કચરાપેટી મુકવા સ્થાનિક રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવે છે. આમ છતાં કચરાપેટી મૂકવામાં ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...