ખુલ્લો કાંસ મોટી હોનારત નોતરશે:નડિયાદમાં સંતરામ રોડથી માઈ મંદિર તરફ જતા રોડ પર ખુલ્લો કાંસ રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી બન્યો

નડિયાદએક મહિનો પહેલા

રકાબી જેવા નડિયાદમાં કાંસ પર દુકાનો ભુતકાળમાં બંધાઈ હતી. જેના કારણે કાંસ પરની દુકાનો ધરાશાયી થવી અને મોતને ભેટવું સામાન્ય બાબત બની ચૂકી છે. ભુતકાળમાં આવી ઘણી બધી ઘટનાઓ બની છે. પરંતુ, આમ છતાં પણ તંત્ર એ કઈ શીખ લીધી ન હોય તેવો ચિતાર સામે આવી રહ્યો છે. નડિયાદમાં સંતરામ રોડથી માઈમંદિર તરફ જતા રોડ પર ખુલ્લો જોખમી કાંસ રાહદારીઓ અને વાહન ચાલકો માટે જીવલેણ બન્યો છે. રોડને અડીને પસાર થતા કાંસ પર કોઈ આડાસ નહી કે દિવાલ પણ બનાવી નથી જેના કારણે આ કાંસમાં કોઈ વ્યક્તિ કે વાહન ચાલક સિધો ઉતરી જવાની ભીતી સેવાઈ છે. તંત્ર દ્વારા અહીયા કાંસ પર તાત્કાલિક ધોરણે દિવાલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

માઈ મંદિરના ખાંચામા આવેલ કાંસ પરનુ જોખમ વધ્યું
નડિયાદ શહેરમાં ખુલ્લા કાંસના કારણે અનેકોના જીવ ગયા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદી વાતાવરણમા આવા કિસ્સાઓ બનતા હોય છે. ભુતકાળમાં કાંસ પરની દુકાનો ધરાશાઈ થવાથી માંડીને નાગરિકો કાંસમાં પડ્યાના અનેક બનાવો છે. પણ નઘરોળ તંત્ર ભુતકાળમાંથી કંઈ શીખ લીધી ન હોય તેવો ચિતાર આજે 'દિવ્ય ભાસ્કર' આપને બતાવવા જઈ રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગ સંતરામ મંદિરથી માઈ મંદિરને જોડતો રોડ પર આવેલ માઈ મંદિરના ખાંચા તરીકે ઓળખાતા વિસ્તારમાં પસાર થતો ખુલ્લો કાંસ જોખમી બન્યો છે. ક્યારે આ કાંસ જીવલેણ સાબિત થશે તે કહી ન શકાય.

ખુલ્લા કાંસના કારણે ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે : સ્થાનિક દુકાનદાર
અહીંયા એકબાજુ રોડ સાંકડો છે તો બીજી ફોર વ્હીલ વાહનથી માંડીને નાના વાહનો અને રાહદારીઓની ભારે અવરજવર હોય છે. બિલકુલ રોડને અડીને પસાર થતો આ કાંસ તો રાત્રે કોઈને ખબર જ ન રહે તો આ કાંસમા પડે તેવી સ્થિતિમા છે. અને જીવ ગુમાવે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. આજુબાજુ અનેક કટલેરી, કરિયાણાની દુકાનો છે. એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું કે છેલ્લા ઘણાં સમયથી આ જ સ્થિતિમા છે. જેના કારણે ભારે દુર્ગંધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ‌‌ મામલે અનેક વાર સ્થાનિક તંત્રને રજૂઆત કરી છે કે આ કાંસની ફરતે જે મુખ્ય રોડની સાઈડ છે એ બાજુ આડસ ઊભી કરો અથવા તો કાયમી ધોરણે પ્રોટેક્શન દિવાલ ઊભી કરો જેના કારણે મોટી જાનહાનિ થતાં ટળે.

પખવાડિયા અગાઉ જ અમે રજૂઆત કરી પણ પાલિકાનુ કહેવું છે કે અમારી પાસે પૂરતું ભંડોળ નથી : ગોકુલ શાહ
આ સંદર્ભે નડિયાદ પાલિકાના અપક્ષના સભ્ય ગોકુલ શાહે 'દિવ્યભાસ્કર' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી લગભગ બાર વર્ષ પહેલા આગળના ભાગની દુકાનો કાંસમાં પડી ગઈ હતી. તેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. છ મહિના પહેલા જ ત્રણ દુકાનો પડી હતી. આ બાદ કાંસ ખુલ્લો થયો હતો. અહીંયા સેફટી દિવાલ માટે અનેક વાર રજૂઆત કરી છે. પખવાડિયા અગાઉ જ અમે રજૂઆત કરી હતી. પરંતુ પાલિકા તંત્ર એવું કહે છે કે અમારી પાસે પૂરતું ભંડોળ નથી. અહીંયાથી ગામડાના લોકો પણ મોટેભાગે અવાર-જવર કરતા હોય છે અને રાત્રી દરમિયાન પણ અંધારું હોવાથી કોઈ મોટી જાના નહી સર્જાય તો નવાઈ નહીં રહે.

સેફ્ટી વોલ બનાવવામાં આવે તેવી માંગ
આ કાંસની નજદિક જ મિત્રાલ, આખડોલ, પીપળાતા વગેરે ગામોના શટલ ભરાતા હોય છે. આ ઉપરાંત પશ્ચિમને જોડતો માર્ગ હોવાથી ભારે અવર જવર રહે છે.નજીકના દિવસોમાં પોષી પૂનમ હોવાને કારણે અહીયા આ રોડ પર ભારે અવરજવર રહેશે. આ પહેલા સેફ્ટી વોલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...