સાયબર ફ્રોડના અવારનવાર બનાવો સામે આવી રહ્યા છે. ગઠિયાઓ પહેલા બેંકમાંથી બોલું છું કહી લોકોને શિકાર બનાવતાં હતા. હવે આ કિમીયો ઓપન થઈ જતા ગઠીયાએ વીજ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરવાનુ શડયંત્ર શરૂ કર્યું છે. નડિયાદ પશ્ચિમમાં મહિલાને ગઠીયાએ મેસેજ મોકલી કહ્યું તમારુ વીજ બીલ બાકી છે. મહિલાએ ફોન કરતાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ખાતામાંથી રૂપિયા 2.54 લાખ ઉપાડી લીધા હતા. સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમમા ફરિયાદ નોધાઈ છે.
વીજ કનેક્શન કપાઈ જશે તેવો મેસેજ મળતાં મહિલા ગભરાઈ
નડિયાદ શહેરના વલ્લભનગર વિસ્તારમાં રહેતા 49 વર્ષીય સોનલબેન કીર્તિકુમાર પટેલ પોતે શહેરમા નોકરી કરી પોતાનું જીવન ગુજરાન કરે છે. ગત 19 મી નવેમ્બરના રોજ અજાણ્યા નંબર ઉપરથી તેમના મોબાઇલ ફોન પર અંગ્રેજીમાં મેસેજ આવેલો જેમાં જણાવ્યું હતું કે, લાઈટ બીલ નહીં ભરવાના કારણે આજે રાત્રે તમારું વીજ કનેક્શન કપાઈ જશે. જેથી સોનલબેન ગભરાયા હતા અને સામે આવેલા નંબર પર ફોન કર્યો હતો.
ગઠીયાએ જણાવ્યું કે 'આપકા કામ હો ગયા' તેમ કહી ફોન કટ કરી દીધો
બાદમાં સામેવાળી વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરતાં જણાવ્યું અને પોતાની ઓળખ વીજ કંપનીમાંથી બોલું છું તેમ કહી વોટ્સએપ મારફતે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફોન ચાલુ રાખી અને એ બાદ તેમના એકાઉન્ટ નંબર તથા ક્રેડિટ કાર્ડ નંબર મેળવી અને તેમની દીકરીના પણ એકાઉન્ટ નંબર મેળવી દીધો હતો. આ બાદ ગઠીયાએ જણાવ્યું કે 'આપકા કામ હો ગયા' તેમ કહી ફોન કટ કરી દીધો હતો. થોડીવારમાં જ બેંકમાંથી રૂપિયા 99 હજાર ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. તુરંત સોનલ બેને પોતાનું ક્રેડિટ કાર્ડ પણ બંધ કરાવી દીધું હતું. આ બાદ બીજા દિવસે ચેક કરતા તેમની દીકરીના એકાઉન્ટમાથી પણ નાણા કપાયા હોવાની માહિતી મળી હતી. આમ ગઠીયાએ કુલ રૂપિયા 2 લાખ 54 હજાર 436 ઉપાડી દીધા હતા. આ સમગ્ર મામલે સોનલબેન પટેલે ગતરોજ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ઉપરોક્ત અજાણ્યા મોબાઈલ ધારક સામે ગુનો નોંધાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.