અનેક વિસ્તારો જળબંબાકાર:નડિયાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયાં, વીજળી ગુલ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • ધોધમાર વરસાદે પ્રિમોન્સુન પ્લાનને ખુલ્લો પાડી દીધો

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ મોડીરાત્રે વરસાદ ખાબક્યો છે. તો વળી વડા મથક નડિયાદમાં પડેલા ધોધમાર વરસાદે પ્રિમોન્સુન પ્લાનને ખુલ્લો પાડી દીધો છે. ઠેકઠેકાણે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે આ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.

ખેડૂતોએ ધરુ રોપવાનુ ચાલું કરી દીધું
રવિવારની મોડીરાત્રે સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. ખેડૂતોએ ધરુ રોપવાનુ ચાલું કરી દીધું છે. બીજી બાજુ વરસાદના કારણે જિલ્લાના વડામથક સહિત તાલુકા મથકો પ્રભાવિત થયા છે. ગતરાત્રે પડેલા વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી‌ ભરાઈ ગયા હતા.

વરસાદે વીરામ લેતા સવાર સુધીમાં આ પાણી ઓસરી ગયા
નડિયાદ શહેરમા વરસાદ પડ્યો ઈંચમા પણ પાણી ફુટમાં ભરાયા‌ હતા. ખાસ કરીને દર વર્ષે જે જગ્યા પર પાણી ભરાય છે. તેવો વિસ્તાર શૈશવ હોસ્પિટલનો ખાંચો, વીકેવી રોડ, નાના કુંભનાથ રોડ, ડભાણ નવી કલેકટર કચેરી પાસે સહિત અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઇ ગયા હતા. તો વળી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા ઉપરાંત શહેરના અંડરબ્રિજમા પાણી ફરી વળતા અહીયા જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. જોકે. વરસાદે વીરામ લેતા સવાર સુધીમાં આ પાણી ઓસરી ગયા હતા. જેથી વાહન વ્યવહારને કોઈ અસર પડી નથી. આ સિવાય માતર, મહેમદાવાદ, ખેડા, ઠાસરા, કપડવંજ વગેરે પંથકમાં પણ મેઘમહેર થઇ છે. આ વચ્ચે વિજળી ગુલ થતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયું હતું. વરસાદી સિઝનમાં વિજળીના ધાંધીયા બહાર આવતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...