આક્ષેપ:નડિયાદમાં 5 વર્ષથી મંજૂર બોરવેલ ન બનાવી 17 લાખ ચાઉં કરી ગયાં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સભામાં ઠરાવ કરી ખર્ચ મંજૂર કરાયો પણ બોરવેલ ન બનાવ્યો
  • તત્કાલિન પ્રમુખ સહિત 4 સામે ફરિયાદ નોંધવા પોલીસમાં ધા

નડિયાદ શહેરના પછાત વિસ્તાર તરીકે ગણાતા વોર્ડ નં.6માં પાણીની સુવિધા આપવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના અાક્ષેપો ઉઠ્યા છે. વર્ષ 2017માં ભૈરવ મંદિર વાળા વિસ્તારમાં બોરવેલ બનાવવા માટે રૂ.17 લાખ નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ આજદિન સુધી આ વિસ્તારના લોકોને નથી બોરવેલ મળ્યો કે નથી મળ્યું પાણી. જેથી સ્થાનિક અપક્ષ કાઉન્સિલર દ્વારા 2017માં મંજુર થયેલ બોરવેલ અંગે પાલિકામાં તપાસ કરી હતી. જે તપાસમાં સત્તાધીશો દ્વારા વિગતો છુપાવવાનો પ્રયાસ કરતા અપક્ષ કાઉન્સિલરે પોલીસ સ્ટેશનમાં અરજી કરી તત્કાલિન પ્રમુખ, ચીફ ઓફિસર, એકાઉન્ટન્ટ તેમજ મ્યુ. કાઉન્સિલર વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી છે.

વોર્ડ નં.6 ના અપક્ષ સભ્ય માજીદખાન પઠાણે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપેલ અરજીમાં આક્ષેપ કર્યા છે કે વર્ષ 2017માં વોર્ડ નં.6 ના ભૈરવ મંદિર વાળા વિસ્તારમાં બોરવેલ બનાવવા માટે તા.31 જાન્યુઆરી 2017ની સામાન્ય સભામાં ઠરાવ નં.156 થી નવો બોરવેલ બનાવવા મંજુરી આપવામાં આવી હતી. જે બાદ 25 એપ્રિલ 2017 ની સામાન્ય સભામાં ઠરાવ નં.17 થી રૂ.17 લાખ મંજુર કરી ખર્ચ કરવામાં આવ્યો હતો. તત્કાલિન પ્રમુખ, ચીફ ઓફિસર, એકાઉન્ટન્ટ અને પાલિકા સભ્ય દ્વારા પ્રજા હિતના રૂ.17 લાખ મંજુર કરી, તેનો કોઈ બોરવેલ નહીં બનાવી ગુનાહિત ઉચાપત અને ભ્રષ્ટાચાર કર્યો છે. આ અંગે નડિયાદ નગરપાલિકાના ચીફ અોફિસર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતુ કે, માજીદખાન દ્વારા પોલીસમાં શું અરજી આપવામાં આવી છે તે બાબતે મને હજુ સુધી કોઈ કોપી મળી નથી. કોપી કે રજૂઆત મળ્યા બાદ ખબર પડશે કે મુદ્દો શું છે.

બિલ ચૂકવણી અંગે માહિતી માંગતા ગોળ ગોળ જવાબ
બોરવેલ ક્યારે બન્યો, કેટલું બીલ થયું, કેવી રીતે ચૂકવ્યું જેવી બાબતે મેં એકાઉન્ટન્ટને પુછ્યું, ત્યારે તેઓએ માહિતી આપવાના બદલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જૂના એકાઉન્ટન્ટને ખબર હશે, અમને ખબર નથી. એક રૂમ ભરીને જ્યા કાગળ પડ્યા છે તે રૂમમાં જાતે કાગળ શોધી લો, તેવા ઉડાવ જવા આપતા સ્પષ્ટ થાય છેકે બોરવેલના નાણાં ચાઉં થઈ ગયા છે. > માજીદખાન પઠાણ, વોર્ડ નં. 6, અપક્ષ સભ્ય, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...