માતરના ખરાટીના ઈસમે તાલુકા મથક માતર ખાતે બેંકમાંથી ક્રોપલોનના દોઢ લાખ રૂપિયા મેળવ્યા અને 50 મીટર દૂર જ તસ્કરોએ ચોરી કરી લીધાનો બનાવ ઉજાગર થયો છે. મોટરસાયકલને પંકચર પડતા તેનો લાભ મેળવી બે લોકોએ બેગ પર લટકાવેલ બેગમાંથી રૂપીયાની ચોરી કરી ફરાર થયાં છે. આ પ્રિ પ્લાનિંગથી તસ્કરોએ ચોરી આચરી હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. સમગ્ર મામલે માતર પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.
માતર તાલુકાના ખરાટી ગામે રહેતા 49 વર્ષીય ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા છેલ્લા કેટલાય સમયથી ક્રોપ લોન લેવા કાગળો કરતા હતા. અને ગઈકાલે આ લોનના કાગળો ક્લિયર કરી માતર ખાતે આવેલ એસબીઆઇ બેન્કમાંથી ક્રોપ લોનના રૂપિયા દોઢ લાખ મેળવ્યા હતા. આ લોનની સંપૂર્ણ વિધી પુરી કરી લગભગ સવા ત્રણ વાગ્યાની આસપાસ રકમ હાથમાં આવી પોતાના ઘરે જવા નિકળ્યા હતા. બેંકની બહાર જોતા પાર્ક કરેલ પોતાનું મોટરસાયકલ માં પંચર પડ્યું હોય મોટરસાયકલને ધક્કો મારી નજીક 50 મીટરના અંતરે આવેલા પંક્ચરની દુકાને ગયા હતા.
માતર પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ
પંકચર વાળા ભાઈ દુકાને હાજર ન હોય ધર્મેન્દ્રસિંહ મોટરસાયકલ પર ઉપરોક્ત નાણા ભરેલી થેલી લટકાવી પંક્ચરવાળા ભાઈને બોલાવવા ગયા હતા. ગણતરીની મીનીટોમાં જ ખેલ પડી ગયો અને કોઈ અજાણ્યા ઈસમોએ આ બેગમાથી રૂપિયા દોઢ લાખ લઈને આંખના પલકારામાં પલાયન થઈ ગયા હતા. પરત આવેલા ધર્મેન્દ્રસિંહ હે મોટર સાયકલ પર લટકાવેલ બેગની ચેન ખુલ્લી હાલતમાં જોતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને તપાસ કરતા નાણાંની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જોકે એ બાદ આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ આ ચોરી આચરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ મામલે આજે ધર્મેન્દ્રસિંહ ઝાલાએ અજાણે ઈસમો સામે માતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.