ફોન કરી ધમકી આપી:મહેમદાવાદમા બે શખ્સોએ તબિબની પત્નીને જીવતી સળગાવી દેવાની ધમકી આપી, ખોટી રીતે કાનભંભેરણી કરતા મહિલાનો ઘર સંસાર પણ ઉજળ્યો

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સમગ્ર મામલે તબીબની પત્નીએ બે ઈસમો સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી

મહેમદાવાદમાં રહેતા તબિબની પત્નીને ફોન કરી બે લોકોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આથી આ મામલે મહિલાએ ધમકી આપનારી એક મહિલા અને તેના કૌટુંબિક ભાઇ સામે મહેમદાવાદ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ ધમકી આપનાર બન્ને લોકોએ તબિબને પણ ખોટી રીતે કાનભંભેરણી કરતા ઉપરોકત મહિલાનો ઘર સંસાર પણ ઉજળ્યો છે.

ગયા વર્ષે જ મહિલાએ લગ્ન કર્યા

મહેમદાવાદ આસ્થા સોસાયટીના મકાન નંબર 64માં 40 વર્ષિય ભાવનાબેન લલિતકુમાર બંસીલાલ બારોટ રહે છે. લલિતકુમાર ડોક્તર છે અને તેઓ નેનપુર ચોકડી ખાતે દવાખાનુ ચલાવે છે. ગયા વર્ષે જ આ દંપતીએ લગ્ન કર્યા હતા. આ દંપતીનો લગ્ન સંસાર એક મહિના સારી રીતે ચાલેલો હતો. ત્યાર પછી લલિતકુમારના દવાખાનામા કામ‌ કરતા ભાવનાબેન ગમનભાઈ રબારી (રહે.આસ્થા સોસાયટી, મહેમદાવાદ)ના કહેવાથી લલિતકુમાર પોતાની પત્ની પર ખોટા ખોટા વાંધા અચકા કાઢી પોતાની પત્ની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા.

ઈસમોએ અપશબ્દો બોલી ઝઘડો કર્યો

ગત જાન્યુઆરી માસમાં ભાવનાબેન ગમનભાઈ રબારી તથા તેમના કૌટુંબિક ભાઈ રાજુભાઈ વેલાભાઈ રબારી (રહે.ડાભડી, જિ.મહેસાણા) બંનેએ લલિતકુમારને પોતાની પત્ની વિરુદ્ધ ખોટી કાનભંભેરણી કરી હતી. જેથી ભાવનાબેન બારોટ પોતાના પિયરમાં આવી ગયા હતા. આ દરમિયાન આશરે દોઢેક મહિના ઉપર ઉપરોક્ત ભાવનાબેન ગમનભાઈ રબારી લલિતકુમારની પત્ની ભાવનાબેનને મળવા તેના ઘરે પહોંચ્યા હતા અને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કરી ત્યાંથી ભાવનાબેન નીકળી ગયા હતા.

ઉઠાવીને સળગાવી દેવાની પણ ધાક ધમકી આપી

આ પછી ગત 25મી મેના રોજ રાત્રે દસેક વાગે ઉપરોક્ત ભાવનાબેન બારોટના ફોન પર રાજુભાઈ વેલાભાઈ રબારી એ ફોન કરી તેઓને ગંદી ગાળો બોલી હતી અને જણાવ્યું હતું કે, તે લલીત જોડે લગ્ન કેમ કર્યા છે, હું તને ચોટલો પકડી ઢસડીને પોલીસ સ્ટેશનમાં લઈ જઈશ અને તને જાનથી મારી નાખીશ. ઉપરાંત તું મારા બેન ભાવના તથા લલિતને છોડી દે તેમ કહી ગાળો બોલી હતી અને અમે તને ઉઠાવી જઇ ઊભીને ઉભી સળગાવી દેશે તેવી ધાક ધમકીઓ આપેલી હતી. આથી આ સમગ્ર મામલે ભાવનાબેન લલિતકુમાર બારોટે ઉપરોક્ત ધમકી આપનાર રાજુભાઇ રબારી અને ભાવનાબેન ગમનભાઈ રબારી સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 507, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...