ખેડા જિલ્લામાં ઉનાળુ બાજરીની કાપણી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ચાર મહિનાની ખેડૂતોની આકરી મહેનત બાદ તૈયાર થયેલો પાક હવે બજારમાં જવાની તૈયારીમાં છે. ત્યારે ઉનાળુ બાજરીના સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા ચોમાસુ બાજરી ટેકાના ભાવે ખરીદાય છે, પરંતુ ઉનાળુ બાજરીની ટેકાના ભાવે ખરીદી નહીં થતી હોઈ ખેડુતોએ નાછુટકે ખાનગી વેપારીને બાજરી વેચવી પડશે. ત્યારે સરકાર ઉનાળુ બાજરી પણ ટેકાના ભાવે ખરીદે તેવી માગ ખેડૂત કરી રહ્યો છે.
મહત્વની વાત છે કે ગત વર્ષે જિલ્લામાં 20,111 હેક્ટરમાં ઉનાળુ બાજરીનું વાવેતર થયું હતું. જે વર્ષ 2022 માં વધીને 21,484 હેક્ટર થઇ ગયું છે. આમ જિલ્લામાં 1,373 હેક્ટરમાં બાજરીના વાવેતરમાં વધારો થયો છે. ખેડા જિલ્લામાં વર્ષ 2021ની સરખામણીમાં 2022માં ઉનાળુ વાવેતરમાં 4 હજાર હેક્ટરનો વધારો થયો હતો. જેમાં ઉનાળુ બાજરીનું 1373 હેક્ટરમાં વાવેતર વધ્યું છે. અર્થશાસ્ત્રના નિયમને ધ્યાન પર રાખીએ તો બજારમાં જથ્થો અને માગની સ્થિતિ પર ચીજ વસ્તુની કિંમત નક્કી થતી હોય છે. આ વર્ષે બાજરીનું વાવેતર વધ્યું છે, ત્યારે ભાવ સારા મળશે કે કેમ તેની ચિંતા ખેડુતોને સતાવી રહી છે.
જિલ્લામાં વર્ષ 2021 અને 2022માં થયેલ બાજરીના વાવેતર પર નજર કરીયે તો નડિયાદ તાલુકામાં વર્ષ 2021માં 5501 હેક્ટર વિસ્તારમાં બાજરીનું વાવેતર થયું હતું. જે વર્ષ 2022માં 699 હેક્ટરમાં વધીને 6200 હેક્ટર થઈ ગયું છે. જેથી સમગ્ર જિલ્લામાં નડિયાદ તાલુકો બાજરીના વાવેતરમાં પ્રથમ બન્યો છે.
બીજી તરફ બાજરીનું સૌથી ઓછુ વાવેતર ખેડા તાલુકામાં થાય છે. જ્યાં વર્ષ 2021માં 340 હેક્ટરમાં વાવેતર થયું હતું. જે 2022માં 78 હેક્ટરમાં ઘટીને 262 હેક્ટર થઈ ગયું છે. જિલ્લામાં નડિયાદ બાદ મહેમદાવાદ 3785, ઠાસરા 2850, કઠલાલ 2553, કપડવંજ 2400 હેક્ટરમાં બાજરીની ખેતી થઈ છે. આ તમામ વિસ્તારોમાં બાજરી તૈયાર થઈ ગઈ છે, અથવા તો તૈયાર થવાના કદાર પર છે, ત્યારે મોટાભાગના ગામોમાં ખેડૂતો કાપણીમાં વ્યસ્ત બન્યા છે.
વર્ષ 2021 અને 2022માં બાજરીના વાવેતરની સ્થિતિ
તાલુકો | 2021 | 2022 |
ગળતેશ્વર | 987 | 985 |
કપડવંજ | 1680 | 2400 |
કઠલાલ | 2480 | 2553 |
ખેડા | 340 | 262 |
મહેમદાવાદ | 4987 | 3785 |
મહુધા | 736 | 1230 |
માતર | 530 | 428 |
નડિયાદ | 5501 | 6200 |
ઠાસરા | 2500 | 2850 |
વસો | 370 | 791 |
કુલ | 20111 | 21484 |
હવામાનની સ્થિતિ જોઈ ખેડૂતોએ કાપણી વહેલી કરવી હિતાવહ
આ વર્ષે 15 જૂન કરતા વહેલુ ચોમાસુ બેસે તેવી શક્યતા છે. જેથી ખેડુતોએ હવામાંનની સ્થિતિ જોઈ કાપણી કરીલેવી હિતાવહ છે. જે ખેડુતોને ખેતરમાં પાક તૈયાર થઈ ગયો છે, તેમણે વરસાદ આવે તે પહેલા કાપણી કરી લેવી જોઈએ. > દીપક રબારી, ખેતીવાડી અધિકારી, ખેડા
સરકાર ટેકાના ભાવે બાજરીની ખરીદી કરે તો સારા ભાવ મળે
નાના બાળકની જેમ દેખરેખ રાખીને, મોંઘા ભાવના બિયારણો અને પાણીનું પિયત કરીને પાક તૈયાર કર્યો છે. બીજી તરફ સરકાર ચોમાસુ બાજરી ટેકાના ભાવે ખરીદે છે પણ ઉનાળુ બાજરીની ખરીદી થતી નથી. ત્યારે ઉનાળુ બાજરીની પણ ટેકાના ભાવે ખરીદી થાય તો સારો ભાવ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ. > ચંદુભાઈ સોલંકી, ખેડૂત, કઠલાલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.