લેન્ડ ગ્રેબિંગ:ખેડા જિલ્લામાં 621 પૈકી 478 અરજી દફતરે થઇ

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારિવારિક જમીન વિવાદ, માપણી, જમીનનો કબ્જો કે સિવિલ કોર્ટમાં ચાલતાં કેસ એક્ટમાં સમાવેશ ન થતાં અરજીઓ રદ

ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2020 માં ઘી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં આવ્યા બાદ ખેડા જિલ્લામાં અત્યાર સુધી 621 નાગરિકોએ કાયદા અન્વયે અરજી કરી હતી. જેમાં 74 અરજી માન્ય રાખી હતી જ્યારે 478 અરજી દફતરે કરવામાં આવી હતી. દફતરે કરાયેલ મોટા ભાગની અરજીઓમાં કાયદા વિરુદ્ધ કે કાયદા સુસંગત બાબતો ન હોવાના કારણે રદ થતી હોય છે.

જેમાં અરજદારો દ્વારા પારિવારીક જમીન વિવાદ, જમીનની માપણી, જમીનનો કબ્જો કે સિવિલ કોર્ટમાં ચાલતા કેસની અરજીઓ દફતરે કરાતી હોવાનું જાણવા મળ્યું છે. જોકે કેટલાક અરજદારો એકવાર અરજી રદ્દ થયા બાદ રૂ.2 હજાર નો ચાર્જ ભરી વારંવાર ન્યાયની અપેક્ષાએ અરજી કરતા હોય છે.

ગુજરાત રાજ્યમાં જમીન માફિયા વિરુદ્ધ ગાળિયો કસવા માટે ગુજરાત સરકાર દ્વારા કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. જે અન્વયે ખેડા જિલ્લાના અરજદારો દ્વારા જિલ્લા સમાહર્તાને ઓનલાઇન અરજી કરી ન્યાયની માંગણી કરી હતી. પરંતુ જિલ્લાના અરજદાર દ્વારા કરવામાં આવેલ મોટા ભાગની અરજી કાયદો બન્યા અગાઉ સિવિલ કોર્ટમાં દાવો ચાલુ હોય તેવી અરજીઓ, કૌટુંબિક પ્રશ્નો ગીરો કે બાનાખત કરેલી જમીન, કૌટુંબિક પ્રશ્નોને લઇ કરવામાં આવેલ અરજી માન્ય રાખવામાં આવતી નથી.

તેમજ જમીનની માપણી અંગેના કેસો, કબજો છોડવા તૈયાર ન હોય તેવા કિસ્સા, તેમજ સંતાનમાં દિકરી હોય અને તેને જે તે સમયે કોઇ વ્યક્તિને જમીન વાવવા આપી હોય, પરંતુ તે જમીન પાછી ન આપતા હોય તેવા કિસ્સા અંગે પણ અરજીઓનો એકટમાં સમાવેશ થતો નથી માટે આવી અરજીઓ દફતરે કરવામાં આવતી હોય છે.

અરજદારો કાયદાની સમાવિષ્ટ કલમનો અભ્યાસ ન કરતા હોવાના કારણે તેઓ આવેશમાં અરજી કરી બેસે છે, પરંતુ એક્ટમાં સામેલ બાબતોનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ કમિટિ દ્વારા મોટાભાગની અરજીઓને રદ્દ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.

કમિટી પુરાવા તપાસ્યાં બાદ જ અરજી અંગેનો નિર્ણય લે છે
લેન્ડગ્રેબિંગના કેસોની સુનાવણી કમિટી સમક્ષ થતી હોય છે. જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા અધિક કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે આવેલ અરજીઓની સમીક્ષા કરતા હોય છે. સમીક્ષા દરમિયાન અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાની સરકારી રેકર્ડ સાથે ચકાસણી કરી નિર્ણય લેવામાં આવે છે. - કે.એલ.બચાણી, જિલ્લા સમાહર્તા, ખેડા-નડિયાદ

4માંથી 3 વાર એક જ જમીનમાં જુદા જુદા જવાબો મળ્યાં છે
એકટ અન્વયે 4 વાર અરજી કરી છે. જેમાં ત્રણ વાર એક જ જમીન બાબતની અરજી રદ્દ થયાના જુદા જુદા જવાબ મળ્યા છે. 16-01-2021 ની અરજીમાં જમીન અંતરાયમાં આવતી નથી, બીજી અરજી 22-09-2021 જમીન બાબતનો કેસ જ્યુડીસીયલ ચાલે છે, ત્રીજી અરજી 2-02-2022 નવેસરથી અરજી કરવા હુકમ કર્યો છે. જેથી તેઓએ 11-02-2022 ના અરજી કરી છે.- ગૌરાંગભાઇ ચીમનભાઇ કાપડીયા, અરજદાર

અન્ય સમાચારો પણ છે...