શ્રમિકોના બેભાન થવા મામલે વધુ ખુલાસો:કાજીપુરામાં બેદરકારીના કારણે શ્રમિકના મોત મામલે ગુનો નોંધાયો, સેફ્ટી કીટ પહેર્યા વિના ટાંકામાં ઉતાર્યા હોવાની ફરિયાદ

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલ્કા કેમીપેક પ્રા.લિ.માં શ્રમિકના મોત મામલે કંપનીના સુપરવાઇઝર સામે ફરિયાદ નોંધાઇ
  • શ્રમજીવીઓને સેફ્ટી કીટ પહેરાવ્યા વગર ટાંકામાં સાફ-સફાઈ કરવા માટે ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ
  • મૃતકના પિતાએ કંપનીના સુપરવાઇઝર સામે ખેડા ટાઉન પોલીસે ફરિયાદ નોંધાવી

ખેડા પાસેના કાજીપુર ગામની સીમમાં આવેલી અલ્કા કેમીપેક પ્રા.લિ.માં ગઇકાલે મંગળવારે 6 શ્રમિકો કંપનીના કેમીકલના ટાંકામાં સાફ સફાઇ કરવા માટે ઊતર્યા હતા. જે પૈકી ત્રણ શ્રમિકો ગુંગળાયા હતા અને આ ત્રણ પૈકી એક શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે બીજા દિવસે બેદરકારી રાખનારા કંપનીના સુપરવાઇઝર સામે ખેડા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે આ સુપરવાઇઝરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડાના કાજીપુરા ગામની સીમમાં અલ્કા કેમીપેક પ્રા.લિ. આવેલી છે. જેમાં કામદાર તરીકે ધનજીભાઇ રમણભાઇ ચૌહાણ, સુરેશભાઇ બુધાભાઇ બારૈયા તથા મસુદ મહંમદભાઇ પઠાણ કામ કરતા હતા. ગઇકાલે મંગળવારના રોજ આ ત્રણેય કામદારો કંપનીમાં આવેલો કેમિકલનો ટાંકો સાફ કરવા માટે ટાંકામાં ઉતર્યા હતા. આમ તો આ સિવાય અન્ય ત્રણ લોકો પણ આ ટાંકામાં ઉતર્યા હતા. પરંતુ પહેલા ત્રણ ઉતરેલા ધનજીભાઈ સુરેશભાઈ અને મસૂદ નામના કામદારો ગુંગળાઈ ગયા હતા.

પાછળથી ઉતરતા અન્ય ત્રણ કામદારો ફટાફટ બહાર આવી ગયા હતા. જ્યારે ઉપરોક્ત ત્રણેય મજૂરોને ફાયર બ્રિગેડની મદદ મેળવી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ત્રણ પૈકી ધનજીભાઈ ચૌહાણનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસમાં મૃતકના પિતા રમણભાઈ ચૌહાણે બેદરકારી રાખનારા કંપનીના સુપરવાઇઝર અબ્દુલકાદિર યુસુફભાઈ રાવણી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આઈપીસી 304, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે કેમીકલના ટાંકામાં સાફ સફાઇ કરવા માટે ઉતરેલા કામદારોને સેફ્ટી કીટ પહેર્યા વગર ઉતારવામાં આવ્યા હતા. જેના કારણે કેમીકલની અસર થતા આ દુર્ઘટના સર્જાઈ છે. જો કે પોલીસે તપાસ હાથ ધરાતાં આ મામલે અન્ય કોણે કોણે લાપરવાહી દાખવી છે તે બહાર આવશે.

GPCB દ્વારા લેવાયેલ સેમ્પલ 7 દિવસ બાદ આવશે
આ અંગે GPCBના અલ્કેશ રાઠોડે જણાવ્યુ હતુ કે મંગળવારના રોજ કંપનીમાં ગેસ ગળતરની ઘટનાની જાણ થતા ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં કંપનીમાંથી કેમિકલના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલ્યા છે. જે આગામી સાત દિવસમાં આવી જશ ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...