કઠલાલ તાલુકામાં અભ્રીપુર ગામમાં પાણીનો ત્વરિત નિકાલ કરવા તંત્ર કામે લાગ્યું છે. કામગીરી ઝડપથી થાય તે માટેની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી પ્રજા આ સમસ્યાથી પીડાતી હતી પરંતુ પ્રજાની રજૂઆતો બહેરા કાને અથડાતી હતી. જોકે, હાલ તંત્ર ઊંઘમાથી જાગી કામે લાગી ગયું છે.
ગામમાં 1 થી 2 ફૂટ વરસાદી પાણી ભરાઈ ગયું હતું
કઠલાલ તાલુકામાં શનિવારની રાત્રે 73 મી.મી જેટલો વરસાદ પડતાં તાલુકાના અભ્રીપુર ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળની ત્વરિત મુલાકાત લેતા અધિકારીઓએ નોંધયું કે, અભ્રીપુર ગામમાં 1 થી 2 ફૂટ વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જેમાં ગામમાં સ્મશાન વાળો વિસ્તાર નિચાણવાળો હોવાથી 3-4 ફુટ પાણી ભરાઈ ગયું હતું. જોકે જિલ્લા વહીવટી તંત્રની કામગીરી બાદ હાલ પાણી ધીમે ધીમે વાત્રક નદી તરફ વહી રહ્યું છે.
રોગચાળો ફાટી ન નીકળે તે માટે કામગીરી કરાઈ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામમાં ભરાયેલ પાણીનો તાત્કાલિક નીકાલ થાય તે માટે જે.સી.બી થી નદી સુધી પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં કામચલાઉ ગટર બનાવી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે હેલ્થ વિભાગની ટીમને પૂર જોશમાં કામે લગાડી ઘરે ઘરે ફરી જરૂરી પ્રિકોશનરી દવાઓ તથા કલોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. તથા ગામમાં તમામ રસ્તાઓ તથા પાણી ભરાયેલા વિસ્તારમાં દવાનો છંટકાવ કરાવવામાં આવેલ છે.
યુદ્ધના ધોરણે કામચલાઉ કેનાલ બનાવાઈ
લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાન સતત શરૂ રાખવા સૂચના આપવામાં આવી છે. લોકોને હાડમારી ના રહે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા તમામ મશીનરી કામે લગાડી યુદ્ધના ધોરણે કામચલાઉ કેનાલ બનાવી લગભગ 12 કલાકમાં ગામમાં ભરાયેલ તમામ પાણીનો નદી સુધી નિકાલ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.