સદનસીબે જીવ બચી ગયો:મહુધાના જાવોલમાં વૃદ્ધના ગળામાં જમીન પર પડેલી ડાળી ઘૂસી ગઈ, દુર્ઘટનામાં નસ‌ કપાઈ ગઈ

નડિયાદ16 દિવસ પહેલા

મહુધા પાસેના જાવોલ ગામે બાઇક પર ભાણાને શાળાએ મુકી પરત ફરતી વેળાએ વૃદ્ધને મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. તેઓ પરત આવતા હતા ત્યારે રસ્તા પર અંધારુ હોવાથી રોડ પર પડેલી ઝાડની ડાળી ન દેખાતા આ અણીદાર ઝાડની ડાળી આ વૃદ્ધના ગળાના ભાગે ઘૂસી ગઈ હતી. જોકે, સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ દર્દીને મહાગુજરાત હોસ્પિટલમા લઈ જવાયા હતા. જ્યાંના તબીબોએ સર્જરી કરી આ વૃદ્ધને નવજીવન બક્ષ્યું છે. અંદાજીત 6થી 7 ઈંચ લાંબી ઝાડની ડાળી ગળાના ભાગેથી બહાર કાઢવામા તબીબને સફળતા મળી છે. હાલ દર્દીની હાલત સ્ટેબલ હોવાનું તબીબોએ જણાવ્યું છે. જવ્વલે જોવા મળતી ઘટનામાં વૃદ્ધનો જીવ બચી ગયો છે.

ઝાડની ડાળી સીધી ગળામા ઘૂસી ગઈ
મહુધા તાલુકાના જાવોલ ગામે રહેતા 53 વર્ષીય રમણભાઈ નાથાભાઈ સોલંકી આજે સવારે પોતાના બાઇક પર ભાણાને મૂકી પરત આવતા હતા. રવિવારે સાંજે ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. જેના કારણે ગામના સીમાડે અનેક ઝાડની ડાળીઓ ધરાશાયી થઈ હતી. ગામની સીમમાંથી આજે સવારે રમણભાઈ પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે અંધારું હોવાને કારણે રોડ પર પડેલી ડાળી દેખાઈ નહી અને એકાએક ટાયરના ભાગે અથડાઈ સીધી રમણભાઈના ગળાના ભાગે ઘૂસી ગઈ હતી. જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

સર્જરી સમયે ઓર્થો સર્જનને પણ સ્ટેન્ડ બાય રખાયા હતા
આસપાસના લોકોએ તુરંત 108 મારફતે ઇજાગ્રસ્ત રમણભાઈને તુરંત નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા.‌ અહીયાં હાજર ENT સર્જન ડો.મિતેષ પટેલ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ બાદ વધુ સારવાર અર્થે રમણભાઈ સોલંકીને શહેરની મહાગુજરાત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડો.બિરજુ શાહ તથા તેમની ટીમે દર્દીનું સફળ ઓપરેશન કરી જીવ બચાવી દીધો છે. હાલ દર્દીની હાલત સ્ટેબલ હોવાનું તબીબોએ જણાવ્યું છે. ડો. બિરજુ શાહ સાથે ડો.દિગ્નેશ મોડેસરિયા હાજર હતા અને ઓર્થો સર્જન ડો. પાર્થ ઠાકરને પણ સ્ટેન્ડ બાય સર્જરી વખતે રખાયા હતા. તબીબે કુત્રિમ નસ વડે બાયપાસ કરી દર્દીના બે મહત્વના અંગો હાથ, મગજ તથા જીવ બચાવી લીધો છે.

મહાગુજરાત હોસ્પિટલે નિ:શુલ્ક સારવાર કરવાની તૈયારી બતાવી
આ અંગે સારવાર કરનાર ડો.બિરજુ શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર્દીની હાલત ગંભીર હતી. ગળાના ભાગે અંદજીત 6થી 7ઈંચ લાંબી ઝાડની ડાળી ઘૂસી ગઈ હતી. જેના કારણે તેઓની ગળાના ભાગેથી પસાર થતી લોહીની નસ કપાઈ ગઈ હતી. આ લાકડુ મગજની નસ અને ડાબા હાથની નસની આરપાર જતું રહ્યું હતું. આશરે દોઢથી બે ક્લાક સમય જેટલો ચાલેલા ઓપરેશનમા અંતે તબીબને સફળતા મળી છે અને દર્દીનો જીવ બચાવી શકાયો છે. મહત્વનું છે કે રમણભાઈના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી અને આટલો લાંબો ખર્ચ પહોંચી વળે તેમ નહતો. જોકે તેમની આ સારવાર આયુષ્યમાન કાર્ડ મારફતે નિઃશુલ્ક કરી આપવામાં આવી છે. ઉપરાંત આ કાર્ડ ન હોત તો પણ હોસ્પિટલ દ્વારા આ તમામ સારવારનો ખર્ચ નિઃશુલ્ક રીતે કરી આપવાની પણ મહાગુજરાત હોસ્પિટલે તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...