ખેડાના ગોબલજ ગામે બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ગામમા રહેતા માતા પુત્ર મકાન બંધ કરી ઉમરા પઢવા સાઉદી અરબ ગયા હતા અને તસ્કરોએ ધાડ પાડી રૂપિયા 93,985 મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોધાઈ જવા પામી છે.
બંધ મકાનમાં ચોરી
ખેડા તાલુકાના ગોબલજ ગામે સૈયદવાડામા રહેતા સાજીદઅલી કરામતઅલી સૈયદ નજીક આવેલ કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. નજીકમાં જ તેમની વિધવા માતા રહેનાબાનુ રહે છે. તેમના મોટા દિકરા સાકીરઅલી સાથે 24મી ડિસેમ્બરના રોજ પોતાનું મકાન બંધ કરી ઉમરા પઢવા સાઉદી અરબ ગયા હતા. આ દરમિયાન ઘરની દેખરેખ સાજીદઅલી તેમના પરિવારજનો રાખી રહ્યા હતા.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ દરમિયાન ગત 8મી જાન્યુઆરીના રોજ સવારે સાજીદઅલીના ભાભીએ આ રહેનાબાનુના મકાનના નકૂચા સાથે તાળુ તૂટેલી હાલતમાં જોયુ હતું.જેની જાણ સાજીદઅલીને કરવામાં આવતાં તેઓ ઘરે પહોંચ્યા તો ઘરનો સરસામાન વેર વિખેર હતો. તપાસ કરતા રાત્રિ દરમિયાન કોઈ તસ્કરે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હોવાનું જાણ થઈ હતી. સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 93 હજાર 985નો મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ સંદર્ભે સાજીદઅલી સૈયદે ખેડા ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.