ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે ચૌદસથી એટલે કે આજથી હજારોની સંખ્યામાં પદયાત્રીકો દર્શને આવશે. તમામ લોકોને દર્શનનો લાભ મળે અને દર્શનાર્થીઓને ક્યાં પણ તકલીફ ન પડે તે માટે તંત્ર એ આગોતરુ આયોજન કરી દીધું છે. પદયાત્રીઓના ઘસારાને પહોંચી વળવા તંત્ર એ પતરાના આડ બંધ લગાવી એન્ટર, એક્ઝીટના પોઈન્ટ નક્કી કર્યા છે. આ ઉપરાંત વ્યવસ્થાના ભાગરૂપે 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ સહિત 44 અલગ અલગ જગ્યાએ અને રણછોડજી મંદિરના 4 દ્વાર પર એક્ઝેકેટીવ મેજીસ્ટ્રેટ ખડે પગે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરી રહ્યા છે.
ડાકોરમાં ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ ટુ પર
'ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે' ના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની ગલીઓ ગૂંજી ઉઠી છે. ગુજરાત ભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ખાસ વહીવટી અને પોલીસ તંત્રએ ચૌદસથી પૂનમ અને એ બાદ ધૂળેટી સુધી ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આ તમામ લોકો ખડે પગે રહી ડાકોર આવતાં પદયાત્રીઓ માટે આયોજન બંધ કામગીરી કરશે. અને સુગમ વ્યવસ્થામાં મદદ કરનાર છે. તો બીજી બાજુ NDRFની ટીમ, આરોગ્યની ટીમ સહિત એમ્બ્યુલન્સ તથા ઈમરજન્સી સેવાઓ સતત પદયાત્રીઓના પડખે રહેશે. આવી ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ ટુ ગોઠવાઈ ગઈ છે.
વ્યવસ્થાના આયોજનના ભાગરૂપે શુ કહી રહ્યા છે અધિકારીઓ
ઠાસરાના પ્રાંત રિદ્ધિ શુક્લાએ જણાવ્યું કે, મંદિર પાસે કંટ્રોલરૂમ શરૂ કરાય છે. આરોગ્ય માટે પણ કન્ટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવ્યા છે. 44 અલગ-અલગ જગ્યા ઉપર અને મંદિરના ચાર દ્વાર પર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક જિલ્લા કક્ષાએથી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ભયજનક ઊંડા પાણી વાળા સ્થળો પર એનડીઆરએફની ટીમ મૂકવામાં આવી છે. 5 એમ્બ્યુલન્સ જેમાં 2 પદયાત્રીઓના રૂટ પર તો અન્ય 3 ડાકોર સીટીમાં સ્ટેશન કરાઈ છે. 10 પાણી પુરવઠાના પોઈન્ટ મુકાયા, 9 હેલ્થ ટીમો ખડેપગે કરાઈ છે. પદયાત્રીઓનો ખાસ થાક ઉતરે તે માટે મનોરંજન થકી બે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ બે જુદા જુદા દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્ચાર્જ ખેડા SP શુ કહી રહ્યા છે
ઇન્ચાર્જ જિલ્લા એસપી બાજપાઈએ જણાવ્યું કે, પૂનમ નિમિત્તે 12 ડિવાઇએસપી, 35 પી.આઈ, 115 પી.એસ.આઇ, તેમજ હોમગાર્ડ મહિલા પોલીસ સહિત 2,115 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. આ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવનાર છે. જેમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ આવતા 160 જેટલા કેમેરા અને બોડીવોન કેમેરા 60નો ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે 12 જેટલા લાઈવ કેમેરા નેત્રંગ કમાન્ડિંગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ શરુ કરી દેવાયું છે. તેમજ પોલીસ હેલ્પ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.