રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષોમાં મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે સ્ત્રી અનામતની વાતો કરતા પક્ષો દ્વારા મહિલાઓને ટિકિટ ફાળવણીમાં પાછળ રાખી છે. ખેડા-આણંદ જિલ્લામાં 1962થી 2017 સુધીના 55 વર્ષની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવનાર મહિલાઓની વાત કરીયે તો કોંગ્રેસમાંથી 7, ભાજપમાંથી 6 અને અન્ય પક્ષો દ્વારા 3 મહિલા મળી ફક્ત 16 મહિલાઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ખેડા-આણંદ જિલ્લામાં 1962થી 2017 સુધીના 55 વર્ષમાં 16 મહિલાઓ ચૂંટણી લડી હતી.
જેમાં મકવાણા શાંતાબેન યોગેન્દ્રભાઈનો દબદબો જોવા મળ્યો હતો. 1962માં શાંતાબેન બાલાસિનોર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જેઓએ હરીફ ઉમેદવારને 2,428 મતોથી પરાજિત કર્યા હતા. જે બાદ શાંતાબેને પોતાની સીટ બદલી હતી, અને 1980 થી તેઓ સોજીત્રા બેઠક પર ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર તેઓ સતત પાંચ વાર ચૂંટણી જંગમાં ઉતર્યા. જે પૈકી બે વાર જીત અને ત્રણ વાર હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ કોંગ્રેસે બાલાસિનોર બેઠક અન્ય બે મહિલાઓને ટિકિટ આપી હતી.
જેમાં 1975માં મોદી ચંપાબેન ચંદુલાલ અને 1985 માં બાબી નુરજહાનો સમાવેશ થાય છે. આ બંને મહિલા ઉમેદવારો પણ ચૂંટણીમાં જીત મેળવી હતી. જ્યારે ભાજપ દ્વારા વર્ષ 2002 માં બોરસદથી રાજ બૈરાજબેન ભૈરવસિહ, 2007માં આણંદ થી પટેલ જ્યોતસનાબેન, 2012માં બોરસદથી સોલંકી નયનાબેન, ઠાસરાથી પ્રતિક્ષાબેન પરમાર અને વર્ષ 2017માં આંકલાવથી હંસા કુંવરબા રાજને ટિકિટ આપી હતી. જોકે એકમાત્ર આણંદના જ્યોત્સનાબેન પટેલ સિવાય અન્ય કોઈ મહિલા ઉમેદવાર પ્રતિસ્પર્ધી સામે જીત મેળવી શક્યા ન હતા. કદાચ આજ કારણ છે, કે 2022ની ચૂંટણીમાં ભાજપે ખેડા-આણંદ જિલ્લામાં એક પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.